તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
રેલનગરની માનસીએ પતિના અન્ય યુવતિ સાથેના લફરા અને ત્રાસને કારણે ૯મા માળેથી કૂદી જીવ દીધાનું ખુલ્યું
એસઆરપી કેમ્પ પાસે વર્ધમાનગ્રીનમાં રહેતાં પિતા લલીતભાઇ સોલંકીના ઘરે ૨૪મીએ પગલુ ભર્યુ હતું: તેમની ફરિયાદ પરથી રેલગનરમાં રહેતાં મૃતકના પતિ મિલન આંબલીયા વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડયાનો ગુનો યુનિવર્સિટી પોલીસમાં નોંધાયો

રાજકોટ તા. ૨: રેલનગરમાં સાસરૂ ધરાવતી પરિણીતાએ એસઆરપી કેમ્પ સામે આવેલા એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે આવ્યા બાદ નવમા માળેથી કૂદીને મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પતિ-પત્નિ વચ્ચે ચડભડ થતાં તેણીને ગત ૨૪મીએ સાંજે જ તેણીને પિતા તેના સાસરેથી પોતાના ઘરે તેડી આવ્યા હતાં. એ પછી તરત જ તેણીએ આ પગલુ ભરી લીધુ હતું. આ બનાવમાં પતિનેતેના જ સલૂનમાં સાથે કામ કરતી યુવતિ સાથે લફરૂ હોવાથી તે ત્રાસ આપી ઝઘડા કરતો હોવાથી તેણી મરી જવા મજબૂર થયાની ફરિયાદ દાખલ થઇ છે.
જાણવા મળ્યા મુજબ રેલનગરમાં પલ હોસ્પિટલ પાછળ મધુવન-૧માં રહેતી માનસીબેન મિલનભાઇ આંબલીયા-વાળંદ (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ ૨૪મીએ સાંજે સાડા છથી પોણા સાતની વચ્ચે જામનગર રોડ એસઆરપી કેમ્પની સામે નવા ૧૫૦ રીંગ રોડ પર વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટ સી-૯૦૨ ખાતેના નવા માળેથી છલાંગ લગાવી દેતાં ગંભીર હાલતમાં એઇમ્સ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ત્યાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ એઇમ્સ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતેથી કોન્સ. પ્રિતેશભાઇ શૈલેષભાઇએ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ રમેશભાઇ વાઘેલા સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી અને એઇમ્સ ખાતેજ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જે તે વખતે પીએસઆઇ એચ. એમ. ચાવડા પણ પહોંચ્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર માનસીબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા રેલનગર મધુવનમાં રહેતાં મિલનભાઇ આંબલીયા સાથે થયા હતાં. તેણીને સંતાન નથી. પતિ મિલનભાઇ રેલનગરમાં હેર શલૂન ચલાવે છે. ગત સાજે પતિ-પત્નિ વચ્ચે ચડભડ થઇ હતી. પતિ પર કોઇ વાતે શંકા થતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ પછી માનસીબેને માવતરને જાણ કરતાં તેણીના પિતા તેને સાંજે જ રેલનગરથી પોતાના ઘરે વર્ધમાનનગરના પોતાના ફલેટ ખાતે તેડી લાવ્યા હતાં. માવતરે પહોંચ્યાની થોડી જ મિનીટો બાદ તેણીએ નવમા માળેથી છલાંગ લગાવી દીધી હતી.
આ બનાવમાં પોલીસે આપઘાત કરનારના પિતા લલીતભાઇ કેશવભાઇ સોલંકી (ઉ.વ.૫૩-રહે વર્ધમાનનગર વર્ધમાનગ્રીન એપાર્ટમેન્ટ)ની ફરિયાદ પરથી તેણીના જમાઇ મિલન રાજેશભાઇ આંબલીયા (રહે. રેલનગર મધુવન પાર્ક-૧) સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર લલીતભાઈની દીકરી માનસીએ આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં રેલનગરમાં રહેતા મિલન રાજેશભાઈ આંબલીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. મિલન શીતલ પાર્ક પાસે ફયુઝન નામે સલૂન ચલાવે છે. સાસરે ગયાના છ મહિના બાદથી જ બંને વચ્ચે ચડભડ શરૂ થઇ હતી. માનસીએ પિતાને જણાવ્યું હતું કે તેનો પતિ તેને ગમે તેમ કહી માનસિક ત્રાસ આપે છે.
ફરિયાદની વધુ વિગત મુજબ સાસણગીર ફરવા જવા દરમિયાન તથા સલૂનના બિઝનેસમાં મિલને નીધી નામની મહિલા સાથે ભાગીદારી કરી હતી. આ નીધી સાથે મિલનને આડા સંબંધો હોવાની માનસીને શંકા હતી. મિલન અવારનવાર નીધી સાથે શોપિંગ કરવા અને ફરવા જતો હોવાથી દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. જ્યારે પણ માનસી આ બાબતે વિરોધ કરતી ત્યારે મિલન તેને તું મને ગમતી નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જા તેમ કહી માનસિક ત્રાસ આપતો હતો.
ગત તારીખ ૨૪/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે મિલન અને માનસી વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ત્યારબાદ માનસી તેના પિતાના ઘરે વર્ધમાનગ્રીન એપાર્ટમેન્ટ ખાતે આવી ગઈ હતી. એ જ દિવસે સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે માનસીએ મકાનના ૯મા માળેથી નીચે પડતું મુક્યું હતું અને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. દિકરીની અંતિમવિધિની ક્રિયાઓ પુર્ણ થયા બાદ પિતા લલીતભાઈ, ભાઈ યશ અને અન્ય પરિવારજનોએ પોલીસ મથકે પહોંચી પતિ મિલન સામે ગુનો દાખલ કરાવતાં પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:56 PM IST)










