News of Tuesday, 14th April 2026
રાજકોટમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી દરોડો
કુવાડવા રોડ પર ખોડીયારનગરનો ભાલુભા બળદા નામનો શખ્સ કારમાં દારૂ ભરી નીકળતાં પીસીબીની ટીમે પકડ્યો : પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમની કાર્યવાહી: એએસઆઈ ઘનશ્યામસિંહ ચૌહાણ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણાનો દરોડો

રાજકોટ: દારૂની વધુ એક હેરાફેરી પીસીબીની ટીમે અટકાવી છે. પીસીબી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે દારૂનો જથ્થો ભરેલી કાર લઈ નીકળેલો ખોડિયારનગરનો શખ્સ ઝડપાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ પીસીબીના એએસઆઇ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને પોલીસ હેડકોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, કુવાડવા રોડ પરથી એક મારૂતી સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો,
જેના આધારે એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી ભાલુભા રાજાભા બળદા (ઉ.વ. ૩૬) ને ઝડપી પાડ્યો છે. આ શખ્સ ખોડીયારનગર શેરી નં. ૧૨/૧ કોર્નર, એસ.ટી. વર્કશોપ પાછળ, ગોંડલ રોડ, રાજકોટનો રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસ દરોડા દરમિયાન કુલ રૂા. ૧,૩૦,૧૭૬ની કિંમતની ૩૮૪ બોટલ વિદેશી દારૂ અને રૂા. ૧,૦૦,૦૦૦ની કિંમતની મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર નં. જી.જે.૧૯.એ.એ.૨૯૪૮ મળી કુલ રૂા. ૨,૩૦,૧૭૬નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના જથ્થામાં રોયલ સ્ટગ વ્હીસ્કીની ૪૮ બોટલ રૂા. ૧૭,૨૮૦, વન મોર ફલેવર્ડ વોડકા ઓરેન્જની ૨૮૮ બોટલ રૂા. ૯૬,૭૬૮ અને વન મોર ફલેવર્ડ વોડકા ગ્રીન એપલની ૪૮ બોટલ રૂા. ૧૬,૧૨૮નો સમાવેશ થાય છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્ત નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચના અન્વયે આ કામગીરીમાં પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ત્રાજીયા તથા આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી છે.
(9:38 PM IST)










