<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ફેસબૂક પર આવેલી એડ જોઇ સસ્‍તામાં આઇફોન ખરીદવા અમદાવાદ ગયેલા રાજકોટના રાહુલ સાથે ૭૫૫૦૦ની ઠગાઇ

જીગર નામના શખ્‍સે ફોન જોવા રૂબરૂ અમદાવાદ બોલાવ્‍યા પછી પાર્થ નામના શખ્‍સને ફોન સાથે મોકલ્‍યોઃ નાણા જીગરે ઓનલાઇન મેળવી પાર્થને ટ્રાન્‍સફર ન કરતાં પાર્થ ફોન લઇને જતો રહ્યોઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૮: ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્‍તારમાં રહેતા અને બિલ્‍ડિંગ મટીરીયલ સપ્‍લાયનું કામ કરતા ૨૪ વર્ષીય યુવક રાહુલ પ્રતાપભાઇ ગોહેલ સાથે સસ્‍તા ભાવે આઇફોન ૧૭ પ્રો મેક્‍સ આપવાના બહાને ઓનલાઇન ૭૫,૫૦૦ની ઠગાઇ આચરવામાં આવી છે. ફેસબૂક પર જાહેરાત મુકનાર શખ્‍સનો સંપર્ક કરી આ યુવાન અને તેનો મિત્ર મોબાઇલ જોવા અમદાવાદ ગયા હતાં. જ્‍યાં ફોન પર વાત કરનાર શખ્‍સે બીજાને મોબાઇલ બતાવવા મોકલ્‍યો હતો. ફોન પસંદ પડતાં એ શખ્‍સે પેમેન્‍ટ ઓલનાઇ આપવાનું રહેશે તેમ કહી રોકડા મેળવી લીધા બાદ જે વ્‍યક્‍તિ ફોન બતાવવા આવ્‍યો હતો તેને નાણા ન મોકલતાં તેણે ફોન આપ્‍યો નહોતો.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં થોરાળા પોલીસે રાહુલ ગોહેલની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે  આશરે એક મહિના પહેલાં તેઓ તેમના મોટા ભાઈ મોહિતભાઈ સાથે ઓનલાઇન આઇફોન ૧૭ પ્રો મેક્‍સ લેવા માટે ભાવ જોતા હતા. તે દરમિયાન મોહિતભાઈના ફેસબૂક એકાઉન્‍ટ પર આઇફોન ૧૭ પ્રો મેક્‍સ ૮૦,૦૦૦માં આપવાની જાહેરાત જોવા મળી હતી.

જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા જિગર નામના શખ્‍સે નવો સ્‍ટોક આવતાં જ વોટ્‍સએપ પર આઇફોનના ફોટા મોકલ્‍યા હતા. રાહુલભાઈ અને તેમના ભાઈને મોબાઈલ પસંદ આવતાં ભાવતાલ કરી આખરે ૭૫,૫૦૦માં સોદો નક્કી થયો હતો. ત્‍યારબાદ જિગર નામના શખ્‍સે આઇફોન લેવા માટે અમદાવાદ આવવાનું જણાવતાં રાહુલભાઈ તેમના મિત્ર દિશાંતભાઈ સાથે ૧૦ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ અમદાવાદ સાયન્‍સ સિટી રોડ ખાતે પહોંચ્‍યા હતા.

અમદાવાદ પહોંચ્‍યા બાદ જિગરએ પાર્થ નામના વ્‍યક્‍તિને લોકેશન પર મોકલ્‍યો હતો અને રાહુલભાઈને આઇફોન બતાવી ચેક કરાવ્‍યો હતો. મોબાઈલ પસંદ આવી જતાં જિગરએ ફોન પર જણાવ્‍યું હતું કે, પાર્થને પૈસા આપવાના નથી, તેમાં તેમનું કમિશન હોવાથી મોકલેલા યુપીઆઇ ક્‍યુઆર કોડમાં જ પેમેન્‍ટ કરવાનું રહેશે. જિગરની વાત પર વિશ્વાસ રાખી રાહુલભાઈએ પોતાનાબેંક ખાતામાંથી સામેનાખાતામાં ૭૩,૫૦૦ અને ૨,૦૦૦ મળીને કુલ ૭૫,૫૦૦ ઓનલાઇન ટ્રાન્‍સફર કરી દીધા હતા.

ઓનલાઇન રૂ. ૭૫,૫૦૦ જમા થઈ ગયા બાદ પણ જિગરએ પાર્થને પૈસા ન મોકલતા, પાર્થએ આઇફોન આપવાની ના પાડી દીધી હતી. ત્‍યારબાદ રાહુલભાઈએ જિગરને વારંવાર ફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનું માલુમ પડતાં રાહુલભાઈએ તુરંત સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર જાણ કરી હતી અને થોરાળા પોલીસ સ્‍ટેશન ખાતે અરજી દાખલ કરી હતી. હાલ થોરાળા પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ. વઘાસીયાએ પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં તપાસ શરૂ કરી છે.

(2:26 PM IST)