<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

રઘુવંશી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા વિરાણીના મેદાનમાં તાવડા મંડાયા

સાંજે જલારામ જયંતી નિમિતે આરતી સુશોભન, રકતદાન શિબીર અન્‍નકુટ અને મહાપ્રસાદઃ જાહેર નિમંત્રણ

જય જલારામઃ રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આજે જલારામ જયંતી નિમિતે સાંજે જલારામધામ વિરાણી હાઇસ્‍કૂલ મેદાન, ટાગોર રોડ ખાતે વિવિધ  કાર્યક્રમો યોજાનાર છે શ્રી જલારામબાપાના ભકતો માટે આજે સવારથી વિશાળ રસોડામાં  મહાપ્રસાદ તૈયાર થઇ રહયો છે તેની તસ્‍વીર

 રાજકોટઃ તા.૧૬, શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ - રાજકોટ દ્વારા સંત શિરોમણી પરમ પૂજ્‍ય શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્‍મજયંતી મહોત્‍સવની ભવ્‍ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આજરોજ કારતક સુદ ૭, સોમવારે,  રાજકોટના ટાગોર રોડ સ્‍થિત ‘‘જલારામ ધામ'' વિરાણી હાઈસ્‍કૂલ ગ્રાઉન્‍ડ ખાતે રઘુવંશી સમાજ અને પૂજય બાપાના ભકતો  માટે આ   ભવ્‍ય મહોત્‍સવ મહોત્‍સવ  યોજાશે. મહોત્‍સવન નિમિતે  લઈને વિરાણી હાઈસ્‍કૂલના ગ્રાઉન્‍ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તેમજ રાત્રે સમસ્‍ત જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન હોવાથી રસોડા વિભાગમાં પણ રસોઈ બનાવવાની તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે.

રાત્રે સમસ્‍ત જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન હોવાથી રસોડા વિભાગમાં પણ વહેલી સવારથી જ રસોઈ  બનાવાઇ રહી  છે. રસોડામાં મશીનો અને મોટી કડાઈઓ દ્વારા ગરમાગરમ ગાંઠિયા તળવાની કામગીરી, વિશાળ તપેલામાં કઢી-ખીચડી સહિતની રસોઈ તેમજ મહિલા સ્‍વયંસેવકો દ્વારા રોટલી-પૂરી વણવાની સેવા પૂરજોશમાં ચાલી રહી છે, અને સૌ પ્રથમ તૈયાર થયેલા ગાંઠિયા-ગુંદીનો પ્રસાદ પૂજ્‍ય જલારામ બાપાની મૂર્તિ સમક્ષ અર્પણ કરવામાં આવ્‍યો છે.

આ પ્રસંગે સમગ્ર રઘુવંશી પરિવાર એકસાથે બેસીને પરંપરાગત કઢી-ખીચડી અને ગુંદી-ગાંઠિયાનો મહાપ્રસાદ લઈને આનંદ માણશે.

આજે સાંજે ૫:૦૦ કલાકે આરતી સુશોભન સ્‍પર્ધા અને બાળકો માટે ધાર્મિક વેશભૂષા સ્‍પર્ધા યોજાશે, તેમજ સાંજે ૫:૦૦ કલાકથી માનવસેવાના ઉદ્દેશ્‍ય સાથે બ્‍લડ ડોનેશન કેમ્‍પનો પ્રારંભ થશે. ત્‍યારબાદ સાંજે ૬:૦૦ કલાકે ભવ્‍ય અન્નકૂટ દર્શન, સાંજે ૭:૦૦ કલાકે સમૂહ મહાઆરતી અને સાંજે ૭:૩૦ કલાકથી સમસ્‍ત જ્ઞાતિજનો અને બધા ભકતો માટે મહાપ્રસાદ  યોજાશે.

શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે રાજકોટના તમામ રઘુવંશી પરિવારોને અને જલારામબાપાના તમામ ભકતોને સહપરિવાર આ ભવ્‍ય મહોત્‍સવ, મહાઆરતી અને નાત ભોજન પ્રસાદનો લાભ લેવા   આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(3:36 PM IST)