News of Thursday, 15th October 2026
કોઠારીયામાં રાધેશ્યામ નવરાત્રી મહોત્સવમાં જામતી મેદની
રીધમ સાથે તાલ મેળવતા ખેલૈયાઓઃ ર૧ મીએ ઉદય ધાંધલ સ્વરનો જાદુ પાથરશે

રાજકોટ શહેરના કોઠારિયા સ્થિત સાઈબાબા સર્કલ ખાતે યોજાઈ રહેલા રાધેશ્યામ નવરાત્રી મહોત્સવના ચોથા નોરતે ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયું હતું. ૭૨૦૦ ખેલૈયાઓથી ગ્રાઉન્ડ ગરબાના રંગે રંગાયું હતું. માતાજીની આરાધના, સંગીતના તાલ અને ખેલૈયાઓના અદભુત ઉત્સાહે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઊર્જાસભર બનાવી દીધું હતું. આ ભવ્ય આયોજનમાં શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક કોર્પોરેટરો, રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહીને મહોત્સવની શોભા વધારી હતી.મહોત્સવમાં જાણીતા ગાયકો વિશાલ વરું, સ્વાતિ પ્રજાપતિ, સેજલ મકવાણા અને ક્રીસી પટેલના સુમધુર સ્વરોએ ખેલૈયાઓને ગરબે ઘૂમવા પ્રેર્યા હતા. રિધમમાં અજય એન્ડ વિજય તથા બારોટ બ્રધર્સની સંગીતમય રજૂઆત અને નવરંગ સાઉન્ડની શાનદાર સાઉન્ડ વ્યવસ્થાએ ગરબાની રમઝટને વધુ યાદગાર બનાવી હતી. કાર્યક્રમનું અસરકારક સંચાલન જાણીતા એંકર હાર્દિક સોરઠીયા અને પીનલ ફટાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહોત્સવને સફળ બનાવવા માર્ગદર્શક તરીકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, આયોજકો શૈલેષભાઈ પરસાણા અને રાહુલભાઈ અજાણી, તેમજ પ્રેરણાષાોત અને કોર્પોરેટર શ્રીમતી ભારતીબેન પરસાણાનું માર્ગદર્શન અને સહયોગ રહ્યો છે. કાર્યક્રમની યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારવાની જવાબદારી લિટલ લેન્સ પ્રોડક્શન દ્વારા સંભાળવામાં આવી હતી. રાધેશ્યામ નવરાત્રી મહોત્સવના આગામી આકર્ષણ તરીકે તા. ૨૧ ઓક્ટોબરે જાણીતા ગાયક ઉદય ધાંધલ પોતાની સંગીતમય રજૂઆત સાથે ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમાવશે. કોઠારીયા સાંઇબાબા સર્કલ ખાતે રાધેશ્યામ નવરાત્રી મહોત્સવમાં મહેમાનોનું સ્વાગત વિન્ટેજ કારમાં કરવામાં આવે છે. રાસોત્સવની તસ્વીરી ઝલક નિહાળી શકાય છે.
(2:26 PM IST)










