તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
જંગલેશ્વર ડિમોલીશનના રૂ.૨૭.૨૦ લાખના ફૂડ બિલ પર સવાલોઃ દરખાસ્ત પેન્ડિંગ
છ દિવસમાં ચા-નાસ્તાથી લઈને સ્પેશિયલ લંચ સુધીની વ્યવસ્થાઃ ખર્ચ અને જરૂરિયાત અંગે અધિકારીઓ પાસેથી ખુલાસો મંગાયો

રાજકોટ, તા.૨૪: શહેરના વોર્ડ નં. ૧૬ વિસ્તારમાં ગત ફેબ્રુઆરી માસ દરમિયાન હાથ ધરાયેલા જંગલેશ્વર ડિમોલીશન દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓ માટે કરવામાં આવેલી ફૂડ વ્યવસ્થાનું રૂ. ૨૭.૨૦ લાખનું બિલ વિવાદમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલને મંજૂરી આપવાને બદલે વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખ્યુ હોવાનું સ્ટેન્ડિગ કમિટી પરેશ પીપલીયાએ જણાવ્યુ હતુ.આ અંગે સ્ટેન્ડિગ કમિટી ચેરમેને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે ડિમોલીશનની કામગીરી દરમિયાન છ દિવસ સુધી ફરજ પર રહેલા કર્મચારીઓ, અધિકારીઓ અને સ્ટાફ માટે વિવિધ પ્રકારના ખાણી-પીણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે બિલની વિગતો સામે આવતા સભ્યોમાં આશ્ચર્ય અને નારાજગી જોવા મળી હતી.
ખાસ કરીને કાજુ કતરી, ખજૂર રોલ જેવી મીઠાઈઓ તેમજ અન્ય નાસ્તા-ભોજનની વસ્તુઓનો સમાવેશ થતાં સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ડિમોલીશન જેવી સંવેદનશીલ અને વિકટ કામગીરી દરમિયાન આવી મિજબાનીની શું જરૂરિયાત હતી?
સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો તેમજ સંકલન બેઠકમાં હાજર ભાજપના કોર્પોરેટરોએ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. સભ્યોએ જણાવ્યું હતું કે એક તરફ લોકોના ઘરો અને આશિયાના તૂટી રહ્યા હતા ત્યારે બીજી તરફ સરકારી ખર્ચે વિશેષ ભોજન અને મીઠાઈઓ પીરસવામાં આવે તો યોગ્ય ગણાવી શકાય નહીં.
આ મુદ્દે અધિકારીઓ સમક્ષ અનેક પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. ડિમોલીશન દરમિયાન કેટલી શિફ્ટમાં કામગીરી થઈ હતી, કેટલા કર્મચારીઓ ફરજ પર હતા, કોને કઈ સુવિધાઓ આપવામાં આવી હતી અને ખર્ચનું વિગતવાર વિભાજન શું છે તેની સંપૂર્ણ માહિતી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ડિમોલીશન દરમિયાન સ્ટાફ માટે ફૂડ પેકેટ, ચા, બિસ્કિટ, સમોસા, વેફર, ગાંઠિયા, જલેબી, પૌવા, કાજુ કતરી, ખજૂર રોલ, સ્પેશિયલ લંચ ડિશ, મસાલા છાસ અને લીંબુ-આદુ શરબત સહિતની વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બનતા સ્ટેન્ડિંગ કમિટીએ બિલ મંજૂર કરવા અંગે હાલ કોઈ નિર્ણય લીધો નથી અને વિગતવાર માહિતી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(3:54 PM IST)










