News of Thursday, 16th April 2026
પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ પરમાત્મા તરફ જવા માટેની સીડી છે - પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી
માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવની આજે પૂર્ણાહુતિ

રાજકોટ : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા તા. ૧૧ થી ૧૭ એપ્રિલ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે આયોજિત ‘‘માનવ ઉત્કર્ષ મહોત્સવ''ના પંચમ દિવસે આધ્યાત્મિકતા અને પ્રેરણાનો અનોખો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત અને ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીની પાવન ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ ભગવાનની ધૂન, પ્રાર્થના, વૈદિક પારાયણ, પૂજન વિધિ અને આરતી સાથે થયો હતો. તેમની ઉપસ્થિતિએ સમગ્ર મહોત્સવને વિશેષ પવિત્રતા અને દિવ્યતા બક્ષી હતી. તેમ સંસ્થાની યાદી જણાવે છે.
કાર્યક્રમમાં યુવાવળંદ દ્વારા પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી સાથે પ્રેરક પ્રશ્નોત્તરી યોજાઈ હતી. આ દરમ્યાન સ્વામીએ ‘‘સુખ અને દુઃખની સાચી સમજ'' વિષે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, જ્યારે જીવનમાં સાચા સુખનો અનુભવ થાય છે, ખાસ કરીને ગુરુહરીના આશીર્વાદથી, ત્યારે દુનિયાનાં અન્ય બધા સુખ નગણ્ય લાગે છે. તેમણે પોતાના જીવનના અનુભવો દ્વારા પણ આ વાતને સ્પષ્ટ કરી. સ્વામીએ વધુમાં જણાવ્યું કે માનવ ઉત્કર્ષ મહોત્સવ માનવીના સર્વાંગી વિકાસ માટે રચાયેલો છે, જેમાં શરીર, મન, આત્મા, લાગણી અને હૃદય જેવા ચારેય ક્ષેત્રોમાં પ્રગતિ થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાંથી મળતી પ્રેરણાને જો જીવનમાં ઉતારવામાં આવે, તો જીવન સફળ અને સુખમય બની શકે છે. તેમણે મહોત્સવના આયોજનમાં સહયોગ આપનાર તમામ સંતો, કાર્યકરો અને હરિભક્તોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે પ્રાર્થના કરી કે આ મહોત્સવની પ્રેરણા માત્ર સાત દિવસ પૂરતી સીમિત ન રહી, પરંતુ વર્ષભર જીવનમાં જીવંત રહે.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ આજના પ્રવચન ‘‘પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?'' માં માનવજીવનના અત્યંત જટિલ અને ચિંતન પ્રેરક વિષયને સરળ, અસરકારક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમજાવ્યો હતો. તેઓએ પરમાત્માનું સ્વરૂપ, અસ્તિત્વ, સર્વવ્યાપકતા અને માનવજીવનમાં દુઃખ-પ્રશ્નોના સ્થાન પર શાષાીય, તર્કસંગત અને અનુભૂતિ આધારિત વિચાર રજૂ કરી એ વાત પર ભાર મૂકયો કે, પ્રશ્નો અને સંઘર્ષો માણસને દંડ આપવા માટે નથી આવતા, પરંતુ તેને વધુ મજબૂત, શુદ્ધ, જાગળત અને જીવનમૂલ્યોમાં દૃઢ બનાવવા માટે આવે છે. જીવનની મુશ્કેલીઓને સોનાના તાપ, બાળકના ચાલતા શીખવાના પ્રયત્ન અને પતંગિયાના સંઘર્ષ જેવી ઉપમાઓથી સમજાવી, પ્રશ્નોને ઘડતરની પ્રક્રિયા તરીકે રજૂ કરવામાં આવ્યા. સમગ્ર પ્રવચન દ્વારા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ શ્રોતાઓને શ્રદ્ધા, સમજ, સહનશક્તિ અને જીવનપ્રત્યેની જવાબદારીનો સશક્ત સંદેશ આપ્યો હતો.
આજે માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાવશે.
પંચમ દિવસ ‘‘પરમેશ્વર છે તો પ્રશ્નો કેમ?'' વિષયક પારાયણના ચૂંટેલા અંશો :
* જો મનુષ્યને પરમાત્માની સર્વવ્યાપકતાનો સાચો અનુભવ થાય, તો તેના જીવનમાં નૈતિકતા, જવાબદારી, કરુણા અને સમભાવ આવે.
* ‘‘ભગવાન બધું જ જુએ છે'' એ ભાવ સાથે જીવવાથી અહિત, અન્યાય અને અનૈતિકતા અટકી શકે છે.
* જીવનમાં આવતાં મોટા ભાગના પ્રશ્નો પરમાત્મા સર્જતા નથી, પરંતુ માનવની ખોટી પસંદગી, અહંકાર, લોભ, ભ્રષ્ટાચાર, ભેદભાવ અને કર્મોના પરિણામે ઊભા થાય છે.
* પ્રશ્નો અને સંઘર્ષો માણસને દંડ આપવા માટે નથી આવતા, પરંતુ તેને વધુ મજબૂત, શુદ્ધ, જાગળત અને જીવનમૂલ્યોમાં દૃઢ બનાવવા માટે આવે છે.
* પ્રશ્ન પરમાત્માનો નથી, પ્રશ્ન તો આપણી જવાબદારીનો છે. પરમાત્મા માર્ગ બતાવે છે, પરંતુ પગલાં માણસે પોતે ભરવાના હોય છે.
* જીવનના પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી, પરંતુ ઘણીવાર પરમાત્મા તરફ આગળ વધવા માટેની સીડી બને છે.
* દુઃખ, સંઘર્ષ અને વિપરીત પરિસ્થિતિઓ માણસને અંદરથી મજબૂત બનાવે છે, તેને પોતાની મર્યાદા સમજાવે છે અને અંતરમાં રહેલા પરમાત્મા તરફ વાળે છે.
* પરમાત્મા કોઈ જાદુઈ રીતે બધા પ્રશ્નો દૂર કરી દે એવા નથી, પરંતુ પ્રશ્નોની વચ્ચે મનુષ્યને હિંમત, ધૈર્ય, શ્રદ્ધા અને લડવાની શક્તિ આપનાર સહારો છે.
(2:45 PM IST)










