<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

શિક્ષણ સમિતિના ભાજપના મહિલા સભ્‍યની શૈક્ષણિક લાયકાત સામે સવાલ

સામાકાંઠાના એક મહિલા સભ્‍ય ગ્રેજ્‍યુએટ ન હોવાનો રાજકીય વર્તુળોમાં ગણગણાટઃ કાલે તપાસ બાદ મામલો પ્રદેશ કક્ષાએ મોકલાશે

રાજકોટઃ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપના સામાકાંઠા વિસ્‍તારના એક મહિલા સભ્‍ય ગ્રેજ્‍યુએટ ન હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્‍યું છે. ભાજપના પ્રદેશ મોવડીમંડળ દ્વારા શિક્ષણ સમિતિના સભ્‍ય માટે ગ્રેજ્‍યુએટ હોવાનો માપદંડ નક્કી કરવામાં આવ્‍યો હોવાનું કહેવાય છે. ત્‍યારે આ મામલે પ્રદેશ કક્ષાએ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર પક્ષના કાર્યકરોની મીટ મંડાઈ છે.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપના ૧૧ અને કોંગ્રેસના એક ઉમેદવારે ગત તા. ૩૦ સપ્‍ટેમ્‍બરે ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. તા. ૧ ઑક્‍ટોબરે ચૂંટણી અધિકારી અને મેયર ડૉ. નેહલ શુક્‍લ દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. તમામ ફોર્મ માન્‍ય રહેતાં કુલ ૧૨ સભ્‍યોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્‍યા હતા.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સામાકાંઠા વિસ્‍તારના ભાજપના એક મહિલા સભ્‍ય ગ્રેજ્‍યુએટ ન હોવાનો ગણગણાટ શરૂ થયો છે. આ મુદ્દો શહેર ભાજપના હોદ્દેદારો મારફતે પ્રદેશ કક્ષા સુધી પહોંચ્‍યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે દ્વારા મહિલા સભ્‍યની શૈક્ષણિક લાયકાત અંગે તપાસ કરવામાં આવશે. તપાસમાં તેઓ ગ્રેજ્‍યુએટ ન હોવાનું સામે આવશે તો તેની સંપૂર્ણ વિગતો પ્રદેશ મોવડીમંડળને મોકલવામાં આવશે. ત્‍યારબાદ પ્રદેશ કક્ષાએથી મળનારી સૂચના અનુસાર આગળનો નિર્ણય લેવાશે.

જો સંબંધિત મહિલા સભ્‍ય ગ્રેજ્‍યુએટ ન હોય તો તેમની પાસેથી રાજીનામું લેવામાં આવશે કે અન્‍ય કોઈ નિર્ણય લેવાશે તે અંગે હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. સમગ્ર મામલે પ્રદેશ ભાજપ શું નિર્ણય લે છે તેની પક્ષના કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

(3:27 PM IST)