તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
રસ્તા મુદ્દે જનઆક્રોશઃ કોઠારિયાના ઋષિપ્રસાદ વિસ્તારમાં મહિલાઓ થાળી-વેલણ સાથે રસ્તા પર
૧૫ વર્ષથી ડામર રોડના વાયદા અધૂરા, ચોમાસામાં કાદવ-કીચડ અને પાણી ભરાવાથી લોકો ત્રાહિમામઃ અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા મનપા તંત્ર સામે વિરોધઃ હવે કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

કોર્ટના દ્વાર ખખડાવાની ચિમકી : રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૮ના કોઠારીયા વિસ્તારમાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટીમાં રસ્તા પ્રશ્ને મહિલાઓ થાળી વેલણ વગાડી મનપા તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કરી આ સમસ્યા ઉકેલવા માંગ કરી છે અને જો આ સમસ્યા તાકિદે નહિ ઉકેલાય તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઉપરોકત તસ્વીરમાં મહિલાઓ થાળી-વેલણ વગાડી રહયા છે. તેમજ કાચા રસ્તાઓ તથા રસ્તાઓ પર વરસાદ વિના પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨.૧૯)
રાજકોટ,તા.૩૦: શહેરમાં ખરાબ રસ્તાઓનો પ્રશ્ન દિવસેને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો રસ્તાની સમસ્યાથી પરેશાન થઈ તંત્ર સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે. બે દિવસ પહેલાં મોરબી રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ નગરના રહીશોએ ખરાબ રસ્તાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આજે વોર્ડ નંબર-૧૮ના કોઠારિયા વિસ્તારમાં આવેલી ઋષિપ્રસાદ સોસાયટીના રહીશો પણ રસ્તા પર ઉતર્યા હતા. ખાસ કરીને મહિલાઓએ થાળી-વેલણ વગાડી મહાનગરપાલિકા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક ડામર રોડ બનાવવાની માંગ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા અંદાજે ૧૫ વર્ષથી વિસ્તારમાં માત્ર મેટલિંગ કરવામાં આવ્યું છે, પરંતુ આજદિન સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો નથી. પરિણામે દર ચોમાસામાં રસ્તા પર પાણી ભરાઈ જાય છે, કાદવ-કીચડ અને મોટા ખાડાઓ સર્જાતા વાહનચાલકો, વડીલો, મહિલાઓ અને સ્કૂલ જતાં બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણી વખત લોકો ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી અનુભવે છે અને અકસ્માતનો ભય સતત સતાવતો રહે છે.
રહીશોએ જણાવ્યું હતું કે રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા અંગે અનેક વખત રાજકોટ મહાનગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત સંબંધિત અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાથી કંટાળેલા સ્થાનિકોએ આખરે વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
વિરોધ દરમિયાન મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં વિસ્તારમાં ગુણવત્તાયુક્ત ડામર રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો તેઓ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) અથવા પિટિશન દાખલ કરી કાનૂની લડત શરૂ કરશે. સાથે જ વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
શહેરમાં સતત એક પછી એક વિસ્તારોમાં રસ્તાના પ્રશ્ને લોકો રસ્તા પર ઉતરી રહ્યા હોવાથી શહેરમાં માર્ગ સુવિધા અને વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. હવે મહાનગરપાલિકા આ વધતા જનઆક્રોશ વચ્ચે કોઠારિયા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક કાર્યવાહી કરે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.
(2:56 PM IST)










