News of Friday, 15th May 2026
દરખાસ્ત કોર્ટના હુકમનો ભંગ કરતા કલેકટર, ડેપ્યુટી કલેકટર, મામલતદારને સિવિલ જેલમાં બેસાડવા અરજી
કોઠારીયા કિંમતી જમીનના પ્રકરણે રેવન્યુ નોંધ પ્રમાણીત કરવાના મામલે દરખાસ્ત કોર્ટના હુકમનો અનાદાર કરતા કલેકટર સહિતના અધિકારીઓને કોર્ટમાં હાજર થવાનું ફરમાન : દરખાસ્ત કોર્ટના હુકમનો ખુલ્લેઆમ ભંગ થતા જવાબદારોને સિવિલ જેલમાં મોકલવાની અરજીથી ચકચાર

રાજકોટ, તા. ૧પ : રાજકોટના કલેકટર, ડેપ્યુટી કલેકટર તથા તાલુકા મામલતદાર દ્વારા અદાલતના હુકમનું ઉલ્લંઘન કરાતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટીસ ઈશ્યુ કરતી સીવીલ કોર્ટ ઇસ્યુ કરી હતી.
દરખાસ્ત કોર્ટનો સ્પષ્ટ હુકમ હોવા છતાં તેનો ખુલ્લેઆમ ભંગ થતાં રાજકોટના કલેકટર, ડેપ્યુટી કલેકટર તથા તાલુકા મામલતદારને અદાલતમાં હાજર થવા કોર્ટે ફરમાન કરેલ છે. સાથોસાથે સિવિલ જેલમાં બેસાડવા અરજી થયેલ છે.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી દ્વારા પોતાની માલીકીની અને કબ્જા ભોગવટાની ખેતીની જમીન કે જે તેઓએ રજી.વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ હોય અને તેઓની માલીકીની અને કબ્જા ભોગવટાની ખેતીની જમીનની રેવન્યુ નોંધ જે તે સમયે સરકારશ્રી દ્વારા રેવન્યુ રેકર્ડે પ્રમાણીત કરેલ હોય. પરંતુ, નવી માપણી થતાં રેવન્યુ ઓથોરીટીની ભૂલના કારણે તેઓની માલીકીની અને કબ્જા, ભોગવટાવાળી ખેતીની જમીનની રેવન્યુ નોંધ કરેલ નહીં જેથી તે સબંધે ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી દ્વારા જે તે સમયે જરૂરી આધાર પુરાવા સાથે સરકારશ્રીને તે અંગેની રજુઆત કરેલ. પરંતુ, સરકારશ્રી દ્વારા રેકર્ડ પરનાં માલીક ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણીને એવો પ્રત્યુતર પાઠવવામાં આવેલ કે સદરહુ જમીન રૂડા વિસ્તારમાં આવે છે અને તેથી કિંમતી જમીન હોય તેથી રેવન્યુ નોંધ પ્રમાણીત થઈ શકે નહીં.
ઉપરોકત હકીકતના આધારે, રજી.વેચાણ દસ્તાવેજના આધારે કાયદેસરના માલીક હોય અગાઉ રેવન્યુ નોંધ પ્રમાણીત થયેલ હોય તેવા કિસ્સામાં ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણીએ રાજકોટના મહે. અધિક સીની.સીવીલ જજ ની કોર્ટમાં પોતાની માલીકીની ખેતીની જમીનના રક્ષણ માટેનો દાવો અદાલત સમક્ષ દાખલ કરેલ અને પોતે વર્ષોથી સદરહુ જમીનના માલીક હોય જે માલીક રજી.વેચાણ દસ્તાવેજના આધારે બનેલ હોય. જે જમીન ગાંડુભાઈના પિતા મેઘજીભાઈ કરશનભાઈ માયાણીએ વે.દ.અનુ.નં.૧૨૪૦ તા.૨૨/૫/૧૯૫૮ના રોજ રાજકોટ તાલુકાના ગામ કોઠારીયાના રે.સ.નં.૨૮૨/૧ની જમીન એકર ૭-૨૦ ગુઠા તથા રે.સ.નં.૨૮૨/૨ની જમીન એકર ૨-૦૦ ગુઠા તથા રે.સ.નં.૨૮૪ની જમીન એકર ૭-૦૮ ગુઠા એમ કુલ મળી જમીન એકર ૧૬-૨૮ ગુઠા ખરીદ કરેલ. પરંતુ રેવન્યુ ઓથોરીટીએ રે.સ.નં.૨૮૨/૨ની જમીન એકર ૨-૦૦ ગુઠાનો વર્ષોથી કબ્જો, ભોગવટો માલીકી દરજજે, વારસાઈ દરજજે વાદી(ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી)નો આવેલ હોય તે નવી માપણી વખતે રેવન્યુ રેકર્ડમાં ચડાવેલ નહીં કે નવી માપણી વખતે કોઈ પક્ષકારોને નોટીસ પણ કરવામાં આવેલ નહીં જે સંદર્ભે વાદી દ્વારા જરૂરી તમામ આધાર-પુરાવાઓ, રજી.વેચાણ દસ્તાવેજો, પ્રમોલગેશનથી તમામ રેવન્યુ નોંધો, ડીએલઆર દ્વારા પંચરોજકામ, ખુદ મામલતદારની જુબાની, કોઠારીયા ગામનું સર્વે રજીસ્ટ્રર, જંગલ બુક, હિસ્સા ફોર્મ નં.૪, માપણીશીટ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ જેમાં તેઓ વર્ષોથી સદરહુ જમીનના માલીક અને કબ્જે ભોગવટેદાર હોય જેથી અદાલત દ્વારા તેઓનો દાવો મંજુર કરવામાં આવેલ. પરંતુ, મહેસુલ વિભાગ દ્વારા અદાલતના હુકમની નોંધ પ્રમાણીત કરવાની સ્પષ્ટ જોગવાઈ / પરિપત્ર હોય જેથી વાદી દ્વારા રેવન્યુ ઓથોરીટીને અદાલતના હુકમ અન્વયેની હુકમી નોંધ કરવા માટેની વિનંતી કરવામાં આવેલ. પરંતુ, પ્રતિવાદી દ્વારા અદાલતના હુકમની કોઈ નોંધ કરેલ નહીં અને ડીલે કોન્ડોનમાં અપીલ દાખલ કરેલ. પરંતુ અપીલમાં કોઈ સ્ટેઁ પ્રતિવાદીને મળેલ નહીં. વાદી સીનીયર સીટીઝન હોય, પોતાની માલીકીની ખેતીની જમીન હોવા છતાં ડીક્રીના ફુટ્સ મળતા ન હોય અને ન્યાય મેળવવા માટે છેલ્લાં ૧૮ વર્ષથી પ્રયત્ન કરતા હોય તેમ છતાં પ્રતિવાદીને દાવા વાળી જમીન સબંધે કોઈપણ પ્રકારનો હકક, હીત, હિસ્સો કે લાગતુ વળગતુ ન હોય તેમ છતાં સીનીયર સીટીઝનને હેરાન પરેશાન કરવાના આશયથી જ અદાલતની હુકમી નોંધ પ્રમાણીત કરતા ન હોય જેથી ન છુટકે ફરીથી સીનીયર સીટીઝન ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી દ્વારા અદાલત સમક્ષ દરખાસ્ત દાખલ કરવામાં આવેલ જે દરખાસ્તમાં અદાલત દ્વારા પ્રતિવાદી/સરકારશ્રીના અધિકારીઓને અદાલત દ્વારા જે હુકમનામું કરેલ છે તે હુકમનામાની અમલવારી કરી ૩૦ દિવસમાં રીપોર્ટ કરવાનો અદાલતે જણાવેલ જે હકીકતની જાણ પ્રતિવાદી/સરકારશ્રીના અધિકારીઓને કરવા છતાં નિયત સમય મર્યાદામાં અદાલતના હુકમનું પાલન કરેલ ન હોય કે નિયત સમય મર્યાદામાં કોઈ રીપોર્ટ કરેલ ન હોય જેથી મુળ વાદી/ડીક્રી હોલ્ડર સીનીયર સીટીઝન ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી દ્વારા અદાલતના હુકમનો તિરસ્કાર કરવા બદલ અરજી કરતાં અદાલતે પ્રતિવાદી/સરકારશ્રીના અધિકારીઓ- કલેકટર, ડેપ્યુટી કલેકટર તથા રાજકોટ તાલુકા મામલતદારને અદાલતમાં હાજર થવા ફરમાન કરેલ. જેમાં રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા મુદત માંગવામાં આવેલ. પરંતુ અદાલતે મુદત આપવા અંગે ઈન્કાર કરેલ અને કોર્ટના સ્પષ્ટ હુકમ હોવા છતાં તેનું પાલન શા માટે કરેલ નથી અને શા માટે કન્ટેન્ટની કાર્યવાહી કરવી નહીં તે અંગેની પુછા કરતા મામલતદાર દ્વારા કાચી નોંધ પાડવામાં આવેલ. પરંતુ ડીક્રી હોલ્ડર દ્વારા અદાલતને વિનંતી કરેલ કે કાયદાની જોગવાઈ અન્વયે જયારે અદાલતે સ્પષ્ટ હુકમ અને હુકમનામું કરેલ હોય ત્યારે રેવન્યુ ઓથોરીટીની જવાબદારી છે કે, રેવન્યુ ઓથોરીટીએ આવી હુકમી નોંધ પ્રમાણીત કરવી જોઈએ જે ન કરીને સરકારી અધિકારીઓએ અદાલતના હુકમની તોહીન કરેલ છે.
આ કામે ડીકી હોલ્ડર (સીનીયર સીટીઝન)દ્વારા અદાલતને વિનંતી કરવામાં આવેલ કે, તાજેતરમાં તા.૩૧/૩/૨૦૨૬ ના રોજ ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ-૧૩૫(ડી)મા જે સુધારો કરવામાં આવેલ છે તેમાં જયારે કોઈ કોમ્પિટન્ટ ઓથોરીટી દ્વારા કે કોર્ટ દ્વારા કે ટ્રીબ્યુનલ દ્વારા કોઈ હુકમ કે ડીકી કરવામાં આવેલ હોય તો રેવન્યુ ઓથોરીટીએ કોઈપણ જાણ કર્યા વગર હુકમ મળ્યેથી તાત્કાલીક આવી નોંધ પ્રમાણીત કરવી જોઈએ. જયારે હાલના કિસ્સામાં તો દરખાસ્ત કોર્ટે રેવન્યુ ઓથોરીટીને સ્પષ્ટ ૩૦ દિવસમાં હુકમનું પાલન કરી તે અંગેની જાણ કરવાનું જણાવેલ હોય જે હુકમની જાણ તા.૨/૩/૨૦૨૬ના રોજ રેવન્યુ ઓથોરીટીને કરવામાં આવેલ હોય તેમ છતાં તેઓએ તા.૮/૪/૨૦૨૬ સુધી આ હુકમનું પાલન કરેલ ન હોય જેથી જ કન્ટેન્ટની અરજી દાખલ કરવામાં આવેલ તેમાં પણ મુદત માંગવામાં આવેલ જેમાં પણ અદાલત સમક્ષ તા.૧૧/૫/૨૦૨૬ મુકરર કરવામાં આવેલ તેમાં પણ કાચી નોંધ પાડવામાં આવેલ જેથી ડીકી હોલ્ડર દ્વારા અદાલત સમક્ષ દરખાસ્ત કોર્ટે જે હુકમ કરેલ હોય તે હુકમનું શબ્દસહઃ પાલન કરેલ ન હોય તથા તાજેતરમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ-૧૩૫(ડી)માં ઓર્ડીનન્સ નં.૧/૨૦૨૬ તા.૩૧/૩/૨૦૨૬ના રોજ જે ફેરફાર કરવામાં આવેલ તેનું રેવન્યુ ઓથોરીટીએ પાલન કરેલ ન હોય જેથી રેવન્યુ ઓથોરીટીના અધિકારીઓને સીવીલ જેલમાં બેસાડવાની અરજી ડીકી હોલ્ડર દ્વારા કરવામાં આવતા અદાલત દ્વારા અરજન્સ શો-કોઝ નોટીસનો હુકમ કરવામાં આવેલ છે. આ હુકમ થતાં રેવન્યુ ઓથોરીટીની કચેરી તથા અધિકારીઓમાં ચકચાર થવા પામેલ છે.
આ કામમાં વાદી/ડીકી હોલ્ડર ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી તરફે રાજકોટના એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા, હાર્દિક જાદવ તેમજ આસીસ્ટન્ટ તરીકે અનિરૂધ્ધ સોલંકી, પ્રતિક પંડયા, દર્શિત ટોળીયા, એસા ટાંક રોકાયેલ હતા.
પરેશભાઇ મારૂ
વાદી ડીક્રી-હોલ્ડરના એડવોકેટ
(12:00 PM IST)










