<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

મનપાની ૪૯ વર્ષ જૂની મ્‍યુનિસિપલ કોર્ટને બંધ કરવા દરખાસ્‍ત

કેસોની સંખ્‍યા ઘટી, પરંતુ પગાર અને સ્‍ટેશનરીનો વાર્ષિક ખર્ચ ૧.૧૩ કરોડઃ રાજ્‍ય સરકારને દરખાસ્‍ત મોકલાશે

 

 

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા માટે વર્ષ ૧૯૭૭માં સ્‍થાપવામાં આવેલી જુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ (મ્‍યુનિસિપલ) કોર્ટને હાલની પરિસ્‍થિતિમાં બંધ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. કોર્ટમાં કેસોની સંખ્‍યા સતત ઘટી રહી હોવા છતાં મહાનગરપાલિકાને વર્ષે અંદાજે રૂ. ૧.૧૩ કરોડનો ખર્ચ ભોગવવો પડતો હોવાથી કોર્ટ બંધ કરવા રાજ્‍ય સરકારને દરખાસ્‍ત મોકલવાનો નિર્ણય સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્‍યો છે.

મ્‍યુનિસિપલ કોર્ટ શરૂ કરવાનો મુખ્‍ય હેતુ તે સમયે ખાદ્ય ભેળસેળ અને શોપ્‍સ એન્‍ડ એસ્‍ટાબ્‍લિશમેન્‍ટ એક્‍ટ હેઠળના કેસ ચલાવવાનો હતો. રાજ્‍ય સરકાર દ્વારા કોર્ટ માટે એક જુડિશિયલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ, એક સિનિયર ક્‍લાર્ક, બે જુનિયર ક્‍લાર્ક અને બે પટાવાળા સહિતના સ્‍ટાફ મંજૂર કરવામાં આવ્‍યો હતા.

કોર્ટના તમામ કર્મચારીઓના પગાર ઉપરાંત બિલ્‍ડિંગના સમારકામ, ફર્નિચર, સ્‍ટેશનરી, સફાઈ અને અન્‍ય ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉઠાવવામાં આવે છે. કોર્ટ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના બિલ્‍ડિંગમાં કાર્યરત હોવા છતાં સમગ્ર સંચાલન ખર્ચ મનપાની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે.

હાલમાં ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ એક્‍ટ-૨૦૦૬ અમલમાં હોવાથી ખાદ્ય ભેળસેળને લગતા મોટાભાગના કેસ એડજ્‍યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ચાલી રહ્યા છે. પરિણામે મ્‍યુનિસિપલ કોર્ટમાં પેન્‍ડિંગ રહેલા ફોજદારી કેસોની સંખ્‍યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. કોર્ટમાં ભેળસેળને લગતા ફોજદારી કેસો ઘટયા હોવા છતાં કર્મચારીઓના પગાર, સ્‍ટેશનરી અને અન્‍ય વહીવટી ખર્ચનો સંપૂર્ણ બોજ રાજકોટ મહાનગરપાલિકાને ઉઠાવવો પડી રહ્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આ કોર્ટ પાછળ વાર્ષિક અંદાજે રૂ. ૧.૧૩ કરોડનો ખર્ચ થયો હતો.

કોર્ટ દ્વારા કરવામાં આવતી પેનલ્‍ટીની આવકની સરખામણીએ મહાનગરપાલિકાનો ખર્ચ ઘણો વધારે હોવાનું પણ સામે આવ્‍યું છે. વધુમાં, આ મ્‍યુનિસિપલ કોર્ટમાં રાજકોટ મહાનગરપાલિકા સિવાયના અન્‍ય કેસોની પણ સુનાવણી થતી હોવા છતાં તેનો સમગ્ર ખર્ચ માત્ર રાજકોટ મહાનગરપાલિકાએ જ ભોગવવો પડે છે. તેની સામે કોર્ટ દ્વારા કરાયેલી દંડની આવક મનપાને મળતી નથી.

આર્થિક ભારણ, કેસોની ઘટતી સંખ્‍યા અને બદલાયેલી કાયદાકીય પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને મ્‍યુનિસિપલ જેએમએફસી કોર્ટ બંધ કરવાની દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી છે. આ માટે સ્‍ટેન્‍ડિંગ કમિટી મારફતે સામાન્‍ય સભાની મંજૂરી મેળવી રાજ્‍ય સરકારને સત્તાવાર દરખાસ્‍ત મોકલવામાં આવશે

(3:30 PM IST)