<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

શાળાઓ- બાંધકામ સાઇટ- હોસ્‍પિટલો- ધાર્મિક સ્‍થળો સહિતની મિલ્‍કતો મચ્‍છરોના ઘરઃ ૧.૬૧ લાખની વસુલાત

ચોમાસા દરમ્‍યાન ડેન્‍ગ્‍યુ વિરોધી માસ અંતર્ગત આરોગ્‍ય શાખાની કામગીરી : મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મનપાની ઝુંબેશઃ ૨૮૬૪ મિલ્‍કતોની તપાસઃ ૧૮૦૨ને નોટીસ

રાજકોટ તા.૨૯: ચોમાસાની ઋતુ દરમિયાન મચ્‍છરજન્‍ય રોગો જેવા કે ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકુનગુનિયાના રોગચાળાને નિયંત્રિત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર જુલાઈ માસને ‘‘ડેન્‍ગ્‍યુ વિરોધી માસ'' ની ઉજવણી સંદર્ભે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

શહેરમાં વરસાદ અને અનુકૂળ તાપમાન તથા ભેજના કારણે એડીસ અને એનોફિલીસ મચ્‍છરની ઉત્‍પત્તિ વધવાની સંભાવના રહે છે. આથી મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સતત સર્વેલન્‍સ, મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થળોની તપાસ, આરોગ્‍ય શિક્ષણ તથા જનજાગળતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત તા. ૦૧ થી તા. ૨૮ જુલાઇ દરમિયાન શહેરના વિવિધ વિસ્‍તારોમાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૮૬૪ પ્રિમાઇસીસની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૪૧ શાળાઓ, ૨૬૦ બાંધકામ સાઇટ, ૩૨૬ ઉદ્યોગો, ૧૨૮ હોસ્‍પિટલો, ૫૮ હોસ્‍ટેલો, ૧૯૧ સરકારી કચેરીઓ, ૭૩ ધાર્મિક સ્‍થળો, ૧૦૪ ભંગારના ડેલા, ૨૦૭ હોટલો, ૮૯ કોમ્‍પ્‍લેક્ષ/એપાર્ટમેન્‍ટ, ૨૭૯ સેલર તથા ૯૨૩ અન્‍ય સંસ્‍થાઓનો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન જ્‍યાં મચ્‍છરની ઉત્‍પત્તિ અથવા મચ્‍છર ઉત્‍પન્ન થાય તેવી પરિસ્‍થિતિ જોવા મળતા રહેણાંક સહિત કુલ ૧૮૦૨ આસામીને નોટિસો આપવામાં આવી તેમજ ૨૧૭ આસામીઓ પાસેથી રૂા.૧,૬૧,૧૫૦/- નો વહિવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્‍યો.

આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના તમામ શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો તથા આયુષ્‍માન આરોગ્‍ય મંદિરો ખાતે આરોગ્‍ય શિક્ષણ, પત્રિકા વિતરણ, જનજાગળતિ રેલી તથા માર્ગદર્શન કાર્યક્રમો યોજી નાગરિકોને મેલેરિયા, ડેન્‍ગ્‍યુ અને ચિકુનગુનિયાથી બચવાના ઉપાયો અને નિયંત્રણ અર્થે લેવાના થતા ૫ગલા વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા. આથી મચ્‍છર ઉત્‍પતિ અટકાવવા અને આ રોગથી બચવા માટે મચ્‍છરના પોરાનો નાશ કરવો એ અત્‍યંત આવશ્‍યક છે.(૨

 

(2:47 PM IST)