<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬’ : ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ઉપસચિવ સંકેતસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશિક ચાવડા સહિતના પદાધિકારીઓની હાજરીમાં સંત તુલસીદાસ પ્રાથમિક શાળા, એસ વી વિરાણી હાઇસ્કુલ અને રમેશભાઈ એમ છાયા કન્યા હાઈસ્કૂલમાં ભૂલકાઓનો દબદબાભેર શાળાપ્રવેશ

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ શૈક્ષણિક અભિયાન અંતર્ગત રાજકોટ દક્ષિણ વિધાનસભા-૭૦ ના વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓમાં મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે નાનાં-નાનાં ભૂલકાઓનો ઉત્સાહભેર શાળાપ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ નથી, પરંતુ સશક્ત સમાજ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણનો સાચો પાયો છે. આવતીકાલના સશક્ત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આજના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ, સંસ્કાર અને ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ તેવો સૂર વ્યક્ત કરાયો હતો. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે તમામ વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે આગળ વધવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રાજકીય અને વહીવટી પદાધિકારીઓની પ્રેરક હાજરી
રાજકોટ દક્ષિણ વિધાનસભા ૭૦ ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગના પ્રોટોકોલ ઉપસચિવ સંકેતસિંહ વાઘેલાની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ કૌશિક ચાવડા, કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, રાજકોટ શહેરના મંત્રી નિશાબેન રાણપરા તેમજ પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય અજયભાઈ પરમાર અને રાજકોટ શહેર આઇટી સેલના નિખિલભાઇ રાઠોડ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત સ્થાનિક સ્તરે વોર્ડ નંબર ૭ ના કોર્પોરેટરો દર્શનભાઈ ભીલ, વર્ષાબેન પાંધી અને ખ્યાતિબેન ગોહેલે પણ હાજર રહીને બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
વિવિધ શાળાઓમાં યોજાયા કાર્યક્રમો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૬ સંત તુલસીદાસ પ્રાથમિક શાળા, એસ વી વિરાણી હાઇસ્કુલ તેમજ રમેશભાઈ એમ છાયા કન્યા હાઈસ્કૂલ ખાતે પ્રવેશોત્સવના રંગારંગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળાના પ્રથમ દિવસે શૈક્ષણિક પરિસરોમાં પગ મૂકતા જ નાનકડા ભૂલકાઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વહીવટી અને રાજકીય પદાધિકારીઓએ બાળકોના વાલીઓ સાથે પણ સીધો સંવાદ સાધ્યો હતો અને કન્યા કેળવણીના આ મહોત્સવને સફળ બનાવવા માટે મહત્તમ સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

(10:25 AM IST)