<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સોમનાથ પ્રવાસ માત્ર એક રાજકીય મુલાકાત નથી પરંતુ કર્મયોગીના કર્મ અને આસ્થાનો સંગમ છે : રાજુભાઈ ધ્રુવ

ભલે પધાર્યા વડાપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહેલા નરેન્દ્રભાઇ મોદીને હૃદયથી આવકાર

રાજકોટઃ સમય જ્યારે ઇતિહાસના પાના પલટે છે ત્યારે અમુક ક્ષણો માત્ર ઘટના નથી રહેતી પણ યુગ-પરિવર્તનનો સંકેત બની જાય છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી જેવા રાજ્યોમાં લોકશાહીના મહાપર્વમાં વિજય પતાકા લહેરાવીને ગુજરાતના પનોતા પુત્ર અને  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પધારી રહ્યા છે, ત્યારે આ પ્રવાસ માત્ર એક રાજકીય મુલાકાત નથી, પરંતુ કર્મ અને આસ્થાનો સંગમ છે એવું ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

તેઓએજણાવ્યું હતું કે, વડાપ્રધાન ઉપરાંત સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન તરીકે યશસ્વી કામગીરી કરનારા નરેન્દ્રભાઈ મોદી સોમનાથ દાદાની વિરાસતનાં ૭૫માં વર્ષની ઉજવણી માટે આવી રહ્યા છે ત્યારે તેમના આગમનને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ વધાવી રહ્યા છે. સોમનાથ મહાદેવના જીર્ણોદ્ધારને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 'અમૃત મહોત્સવ' એ વાતનું પ્રતીક છે કે ભારત પોતાની ભવ્ય અને દિવ્ય વિરાસતને ભૂલ્યું નથી. ૭૫ વર્ષ પૂર્વે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે શૂન્યમાંથી સર્જન કરવાનો જે સંકલ્પ કર્યો હતો, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ સંકલ્પ સાંસ્કૃતિક પુનરુત્થાનનો વટવૃક્ષ બની ચૂક્યો છે. સોમનાથના સાનિધ્યમાં ઉજવાઈ રહેલો આ ઉત્સવ એ 'વિજય' અને 'વિશ્વાસ'નો સમન્વય છે. એક તરફ લોકશાહીનો વિજયોત્સવ છે, તો બીજી તરફ સનાતન આસ્થાનો અમૃતકાળ છે.

રાજુભાઈ ધ્રુવના મતે નરેન્દ્રભાઈ માટે સૌરાષ્ટ્ર એ માત્ર ભૂગોળ નથી, પણ સંવેદના છે. તેમના શાસનકાળની ફિલોસોફી 'અશકયને શક્ય બનાવવાની' રહી છે. ભૂતકાળમાં ડોકિયું કરી જોઈએ તો જે ધરા તરસતી હતી, ત્યાં નર્મદાના નીર પહોંચાડી ભગીરથ કાર્ય કર્યું. એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લાઈટ હાઉસ પ્રોજેકટ એ સાબિતી છે કે વિકાસ માત્ર શહેરો પૂરતો સીમિત નથી, પણ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની ૨૫ વર્ષની આ સફર વાસ્તવમાં એક 'રાજર્ષિ' જેવી છે. સત્તાને ભોગનું સાધન નહીં, પણ સેવાનો યજ્ઞ માનીને તેમણે રાષ્ટ્રહિત વિરોધી પરિબળો સામે પ્રચંડ સંઘર્ષ કર્યો છે. ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓને પોતાની આંખોમાં આંજીને રાત-દિવસ પુરુષાર્થ કરવો એ કોઈ સામાન્ય રાજનીતિ નથી, પણ રાષ્ટ્રભકિતની પરાકાષ્ઠા છે.

આજે ભારત 'લોકલથી ગ્લોબલ' બન્યું છે. તેમની વિદેશનીતિએ વિશ્વને એ સ્વીકારવા મજબૂર કર્યું છે કે ભારત હવે માત્ર અનુગામી નથી, પણ વિશ્વની દિશા નિર્ધારિત કરનાર માર્ગદર્શક છે. રાજુભાઈ ધ્રુવ જણાવે છે કે નરેન્દ્રભાઈ માત્ર સપના બતાવનારા નેતા નથી, પણ એ સપનાઓને હકીકતના ધરાતલ પર ઉતારનારા 'કર્મયોગી' છે. ગુજરાત મોડેલથી શરૃ થયેલો આ વિકાસનો અશ્વમેધ યજ્ઞ આજે સમગ્ર ભારતમાં પ્રસરી રહ્યો છે. ખાસ કરીને જ્યારે નેતૃત્વમાં પારદર્શિતા હોય, હૃદયમાં પ્રામાણિકતા હોય અને લક્ષ્યમાં માત્ર રાષ્ટ્રહિત હોય, ત્યારે પરિણામો ઐતિહાસિક જ આવે છે. આગામી સોમવારે જ્યારે વડાપ્રધાન સોમનાથની રેતી પર પગ મૂકશે, ત્યારે એ માત્ર એક નેતાનું સ્વાગત નહીં હોય, પણ એક એવા વ્યકિતત્વનો સત્કાર હશે જેણે ભારતને' આત્મનિર્ભરતા'અને 'સ્વમાન'નો મંત્ર આપ્યો છે.રાષ્ટ્રના આ સપૂતને વધાવવા ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

(2:56 PM IST)