તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
પરીક્ષા સુધારા કાયદો વધુ કડક બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ માફિયાઓ ઉપર સીધો પ્રહાર કર્યો છે
લાયકાતનો થશે જયજયકાર, વડાપ્રધાનના યુવા તરફી નિર્ણયને વધાવતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટ : દેશના લાખો મહેનતુ વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓના સપનાઓને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરેલા ‘પેપર લીક વિરોધી વિધેયક ૨૦૨૬'ને રાજુભાઈ ધ્રુવે હૃદયપૂર્વક આવકાર્યો છે. આ કડક કાયદા મારફતે દેશની શિક્ષણ વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા બદલ રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ કાયદો દેશની યુવા શક્તિના ભવિષ્યને સુરક્ષિત કરતો અત્યંત પ્રશંસનીય અને સમયસરનો નિર્ણય છે. આ પરીક્ષા સુધારા કાયદાને વધુ કડક બનાવીને નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ માફિયાઓ ઉપર સીધો પ્રહાર કર્યો છે.
લોકસભા અને રાજ્યસભામાં પસાર થયેલો આ સુધારેલો કાયદો પેપર લીક કરનાર માફિયાઓ અને સંગઠિત ગુનાહિત નેટવર્ક સામે લાલ આંખ કરે છે. નવા કાયદાની જોગવાઈઓ સ્પષ્ટ કરે છે કે માત્ર અફવાઓથી પ્રામાણિક ઉમેદવારોને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ કૌભાંડ આચરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થશે. આ અંતર્ગત પેપર લીક કરનારા દોષિતોને ૧૦ વર્ષ સુધીની જેલની સજા અને ૧૦ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના કાયદાની મર્યાદાઓ દૂર કરીને હવે સંગઠિત ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવા સુધીના સખત પગલાં લેવામાં આવશે.
આ કાયદાના અમલીકરણથી NEET, JEE, SSC અને UPSC જેવી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોનો તંત્ર પર વિશ્વાસ વધુ મજબૂત થશે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું હતું કે હવે તપાસ અને ન્યાય પ્રક્રિયા ખૂબ ઝડપી બનશે. કોઈપણ પેપર લીકની ઘટનાની તપાસ પોલીસ અથવા સેન્ટ્રલ એજન્સીઓએ માત્ર ૬૦ દિવસમાં પૂરી કરવી પડશે. આ ઉપરાંત, આવા આંતરરાજ્ય કૌભાંડો પકડવા કેન્દ્ર સરકાર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટ મારફતે રોજબરોજ સુનાવણી કરીને ત્રણ મહિનામાં ચુકાદો આપવામાં આવશે.
જો કોઈ સંસ્થા પરીક્ષામાં ગેરરીતિ માટે જવાબદાર ઠરશે તો રદ થયેલી પરીક્ષાનો તમામ ખર્ચ તેમની પાસેથી વસૂલવામાં આવશે. રાજુભાઈ ધ્રુવે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતળત્વમાં દેશ ઝીરો ટોલરન્સની નીતિ પર આગળ વધી રહ્યો છે. પરીક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની છેડછાડ હવે જરા પણ સાંખી લેવામાં આવશે નહીં.
પેપર લીકના કારણે રદ થતી અથવા વિલંબમાં મુકાતી પરીક્ષાઓથી વિદ્યાર્થીઓને આર્થિક અને માનસિક નુકસાન વેઠવું પડતું હતું. પરંતુ હવે આ કાયદો દેશના શિક્ષણ અને રોજગાર જગતમાં એક નવો અધ્યાય શરૂ કરશે. આ સાહસિક અને યુવાતરફી નિર્ણય માટે રાજુભાઈ ધ્રુવે સમગ્ર રાષ્ટ્રના યુવાનો વતી કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને બિરદાવી છે અને મેરિટનો જ હંમેશા વિજય થશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

(3:43 PM IST)










