<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

બ્રહ્મ સમાજની 'જ્ઞાન સંકલ્પ યોજના' નો વિદ્યાર્થી પ્રણવ જોશી ઇસરોમાં જુનિયર સાયન્‍ટિસ્‍ટ તરીકે સિલેક્‍ટ

નેનો સેટેલાઇટ પ્રોજેક્‍ટ પર કાર્યરત છે પ્રણવ જોશી સરકારી યુનિવર્સિટીમાં મિકેનીકલ એન્‍જીનિયરીંગનો અભ્‍યાસ સાથે ગેટ (ગ્રેજ્‍યુએટ એપ્‍ટીટ્‍યુટ ટેસ્‍ટ ઇન એન્‍જીનિયરીંગ) ની તૈયારી કરે છે : શ્રી સમસ્‍ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત ‘જ્ઞાન સંકલ્‍પ યોજના' હેઠળ અભ્‍યાસ કરી પ્રણવ જોશી આગળ આવ્‍યા છે. ત્રણ વખત ઇસરોની મુલાકાત લઇ રિસર્ચ પેપર રજુ કરવાની અનેરી સિધ્‍ધિ

અકિલા વેબ એડિશનના એડિટર અને અકિલાના એકઝીક્‍યુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે ઇસરોમાં જુનિયર સાયન્‍ટિસ્‍ટ તરીકે સિલેકટ થનાર પ્રણવ જોશી, મિનલબેન જોશી, ડો. અતુલભાઇ વ્‍યાસ, સુરભિબેન આચાર્ય અને તરૂણભાઇ પંડયા તસવીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ શ્રી સમસ્‍ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત ‘જ્ઞાન સંકલ્‍પ યોજના' હેઠળ આર્થિક રીતે જરૂરિયાતમંદ પરંતુ તેજસ્‍વી વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ સુધી રાજકોટની પ્રતિષ્ઠિત શાળાઓમાં વિનામૂલ્‍યે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના બીજા જ વર્ષે આ યોજનામાં પસંદ થયેલા વિદ્યાર્થી જોશી પ્રણવ નિલેશભાઈ આજે પોતાની પ્રતિભાના બળે ‘ઈસરો' સુધી પહોંચ્‍યા છે. ‘અકિલા' ખાતે તેણે પોતાની સિધ્‍ધિ વિશે વિગતે વાત કરી હતી.

હાલ રાજકોટની સરકારી એન્‍જીનિયરીંગ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્‍જાિનિયરિગમાં અભ્‍યાસ કરતા પ્રતિભાવંત વિદ્યાર્થી પ્રણવ જશીએ  ધોરણ ૯ થી ૧૨ સુધી રાજકોટમાં કાર્યરત બ્રહ્મ સમાજની જ્ઞાન સંકલ્‍પ યોજનાના લાભાર્થી તરીકે અભ્‍યાસ કર્યો હતો. તેણે ધોરણ ૧૦ માં ૯૯.૩૨ પીઆર અને ધોરણ ૧૨માં ૯૦ ટકા જેવું ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યા બાદ હાલમાં મિકેનિકલ એન્‍જિનિયરિગનો અભ્‍યાસ કરી રહ્યા છે. સાથે જ તેને આંતરરાષ્ટ્રીય સિમેન્‍સ કંપની દ્વારા ચાર વર્ષની ઇન્‍ટરનશિપ પ્રાપ્ત થઈ છે. તાજેતરમાં તેની ઈસરો દ્વારા જુનિયર સાયન્‍ટિસ્‍ટ તરીકે પસંદગી થઈ છે અને હાલ તે નેનો સેટેલાઇટ પ્રોજેક્‍ટ પર કાર્યરત છે. વધુમાં, તેનું સંશોધનપત્ર (રીસર્ચ પેપર) ઈસરોના જર્નલમાં પણ પ્રકાશિત થયું છે.

પ્રણવ જોશીએ જણાવ્‍યું કે, અમારી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું નેનો સેટેલાઇટ ક્‍લબ બનાવાયું જેમાં હું પસંદગી પામ્‍યો અને તેમાં કામ કરવાનું શરૂ કર્યું. ઇસરો દ્વારા સરકારી યુનિવર્સિટીમાંથી નેનો પ્રોજેક્‍ટ માટે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવેલા જેમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થઇ અને ગવર્નમેન્‍ટે ૨ કરોડ રૂપિયાનું બજેટ પણ આ સંશોધન માટે યુનિવર્સિટીને ફાળવ્‍યું છે. પ્રણવ કહે છે, મને ડિઝાનિગનો અને મેન્‍યુફેક્‍ચરીંગનો શોખ હતો મિકેનીકલ બાજુ જ રિસર્ચ કરવાનો પહેલેથી ગોલ હતો. બોર્ડનું સારૂ પરિણામ આવ્‍યું અને બધે ઓપ્‍શન ખુલ્‍લા હતા છતા માટે આઇઆઇટીમાં જવું હોય હાલ રાજકોટમાં સરકારી કોલેજમાં મિકેનીકલ એન્‍જીનિયરીંગનો અભ્‍યાસ લઇ ગેટ (ગ્રેજ્‍યુએટ એપ્‍ટીટ્‍યુટ ટેસ્‍ટ ઇન એન્‍જીનિયરીંગ) ની તૈયારી કરી રહ્યો છું. ગેટમાં સારા માર્ક લાવી આઇઆઇટી મદ્રાસમાં એડમીશન મેળવી આ રીસર્ચ આગળ ધપાવવાનો હાલ મારો ઘ્‍યેય છે.

મિકેનીકલ એન્‍જીનિયરિગમાં જોડાયા ત્‍યારે પ્રણવ જોશીએ વિચાર્યું પણ નહોતુ કે ઇસરોમાં આવા કોઇ સંશોધનની તક મળશે. ગર્વનમેન્‍ટ એન્‍જીનિયરિગ યુનિવર્સિટીમાં એક વર્ષ પહેલા એક સેમિનાર યોજાયેલો જેમાં ઇસરોના વૈજ્ઞાનિકો આવેલા તેમણે વિદ્યાર્થીના પરિણામો અને ઇન્‍ટરવ્‍યુ લીધા જેમાં પ્રણવ જોશીની જુનિયર સાયન્‍ટીસ્‍ટ તરીકે પસંદગી થઇ. પ્રણવ ધોરણ ૯ થી ૧૨ માં શ્રી સમસ્‍ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા સંચાલિત ‘જ્ઞાન સંકલ્‍પ યોજના' હેઠળ અભ્‍યાસ કરી આગળ આવ્‍યા છે. તે પોતાના અભ્‍યાસનો શ્રેય શ્રી સમસ્‍ત બ્રહ્મ સમાજને આપે છે. તે માટે સમાજના તમામ વડીલો પ્રત્‍યે તેમણે કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી. હાલ કોલેજકાળમાં પણ તે આ યોજના હેઠળ આગળ વધી રહ્યા છે.

આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણી કશ્‍યપભાઈ શુક્‍લે જણાવ્‍યું હતું કે, સમાજના છેવાડાના આર્થિક રીતે જરૂરિયાતમંદ પરંતુ પ્રતિભાશાળી બાળકોને ગુણવત્તાયુક્‍ત શિક્ષણ મળે તેની જવાબદારી સમાજની છે. આ જ હેતુથી જ્ઞાન સંકલ્‍પ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રણવ જેવી સફળતાઓ આ યોજનાને વધુ મજબૂત બનાવે છે. તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો કે બ્રહ્મ સમાજનો કોઈપણ તેજસ્‍વી વિદ્યાર્થી માત્ર આર્થિક સંજોગોને કારણે ઉચ્‍ચ શિક્ષણથી વંચિત નહીં રહે. જ્‍યારે શ્રી સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ તથા યોજનાના સ્‍વપ્નદ્રષ્ટા દર્શનિતભાઈ જાનીએ જણાવ્‍યું હતું કે, સામાન્‍ય પરિવારમાંથી આવેલો વિદ્યાર્થી પોતાની મહેનત અને પ્રતિભાથી ઈસરો સુધી પહોંચે તે જ યોજનાનᅠી સાચી સફળતા છે. આવા વિદ્યાર્થીઓ સમાજ માટે પ્રેરણાષોત બને છે. એક પ્રણવમાંથી પ્રેરણા લઈને અનેક પ્રણવો વિવિધ ક્ષેત્રોમાં દેશ અને સમાજનું નામ રોશન કરે તેવી તેમની શુભેચ્‍છા હતી. તેમણે ઉમેર્યું કે, એક દીવડો અનેક દીપકોને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે આજના વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં સમાજને પાછું આપવાની ભાવના સાથે આગળ આવે ત્‍યારે જ યોજનાનું સાચું સાર્થક્‍ય સિદ્ધ થશે.

યોજનાના પ્રોજેક્‍ટ ચેરમેન ડો. અતુલભાઈ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, દર વર્ષે પારદર્શક પરીક્ષા દ્વારા ૨૦૦ અરજીમાંથી ધોરણ ૯માં ૨૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને તેમની ધોરણ ૧૨ સુધીની સંપૂર્ણ શૈક્ષણિક જવાબદારી સમાજ દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમણે જણાવ્‍યું કે માત્ર પ્રવેશ અપાવવો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સતત શૈક્ષણિક માર્ગદર્શન અને પ્રગતિની દેખરેખ પણ રાખવામાં આવે છે. જેના પરિણામે દર વર્ષે ધોરણ ૧૦ અને ૧૨માં યોજનાના વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામો મેળવી રહ્યા છે. ભવિષ્‍યમાં પણ વધુને વધુ દીકરા-દીકરીઓ ઉચ્‍ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે જ્ઞાન સંકલ્‍પ યોજના સતત કાર્યરત રહેશે. આ યોજના બ્રહ્મ સમાજના અગ્રણી કશ્‍યપભાઈ શુક્‍લ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્‍ટ કોઓર્ડિનેટર ડો. અતુલભાઈ વ્‍યાસ તથા સુરભીબેન આચાર્ય તેમજ સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્‍યોના સહયોગથી સંચાલિત થઈ રહી છે.

પ્રણવ નિલેશભાઈ જોશીને આંતરરાષ્ટ્રીય સિમેન્‍સ કંપનીમાં પણ ઇન્‍ટર્નશીપ કરવાની સુવર્ણ તક મળી છે. અભ્‍યાસની સાથે તે પણ કરી રહ્યા છે. આખા ભારતમાંથી ૧૦૦૦૦ એપ્‍લીકેશન આવેલી જેમાંથી ૩૦૦ ની પસંદગી થયેલી જેમાં પ્રણવનો સમાવેશ થાય છે. તેઓ સોફટવેરની ટ્રેનિગ આ ઇન્‍ટર્નશીપ અંતર્ગત લઇ રહ્યા છે. નેનો સેટેલાઇટ પ્રોજેક્‍ટ અંતર્ગત પ્રણવ સેટેલાઇટ કેટલી ઉંચાઇ પર છે, કઇ દિશામાં જાય છે તે માપવાની જે સિસ્‍ટમ હોય તેના મિકેનીકલ વિભાગમાં તે કાર્યરત છે. આ સેટેલાઇટનું વજન ૩ કિલોથી પણ ઓછુ હોય છે. જેથી તે નેનો કહેવાય છે. આવાજ સેટેલાઇટ પર ઇસરો દ્વારા તેમને કામ સોંપાયું છે. પ્રણવ જોશીએ ત્રણ વખત ઇસરોની મુલાકાત લીધી છે. એમાં પણ રિસર્ચ પેપર માટે ગયેલા ત્‍યારે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્‍લ સાથે પણ મુલાકાત થઇ હતી જેમની પાસેથી ઘણુંજ જાણવા મળ્‍યું હતુ અને તેમની સાથે એક દિવસ રહેવાની તક મળી હતી તેમને મળી ખુબજ પ્રેરણા મળી હતી. આ દરમિયાન પ્રણવ જોશીએ એક એન્‍જીનિયરીંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થી તરીકે ઇસરોના વૈજ્ઞાનિકો અને ડિરેક્‍ટર્સ સામે પોતાનું સંશોધનપત્ર રજુ કર્યું હતુ જે બહુ મોટી ગર્વની વાત કહી શકાય.

ભવિષ્‍ય અંગે પ્રણવ જોશીએ જણાવ્‍યું કે મારો ધ્‍યેય પહેલા ગેટની પરીક્ષા પાસ કરી આઇઆઇટીમાં પ્રવેશ મેળવી એરો સ્‍પેસ રીસર્ચમાં આગળ વધવાની ઇચ્‍છા છે. અભ્‍યાસની સાથે ગેટ પરીક્ષાની તૈયારી, રીસર્ચ વગેરે પર તેઓ સમય ફાળવે છે. ભવિષ્‍યમાં વિદ્યાર્થિઓને આગળ વધવામાં પણ મદદ કરવી છે. પોતાના આદર્શ તરીકે સુરભિબેન અને અતુલભાઇને ગણાવ્‍યા હતા. પ્રણવના પરિવારમાં પિતા નિલેશભાઇ કે જેઓ ફેક્‍ટરીમાં કાર્ય કરે છે, માતા મિનલબેન જોશી, ભાઇ સોહમ જોશી છે. યુવાઓ માટે પ્રણવ જોશીએ જણાવ્‍યું હતું કે, કોઇ વિદ્યાર્થી અભ્‍યાસમાં પ્રોબ્‍લેમ ફેસ કરે છે તેઓએ પોતાના વિચારોને આકાશ આપવું જોઇએ. હું નહીં કરી શકુ તેવું મનમાં રાખવું જોઇએ નહીં.

અંતમાં શ્રી સમસ્‍ત બ્રહ્મ સમાજ-રાજકોટે જ્ઞાન સંકલ્‍પ યોજનાના સહયોગી દાતાશ્રીઓ, શાળા સંચાલકો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં પણ સતત સહયોગ આપવાની અપીલ કરી હતી. મુલાકાત દરમિયાન પ્રણવ જોશીની સાથે પ્રોજેક્‍ટ ચેરમેન ડો. અતુલભાઈ વ્‍યાસ, સુરભિબેન આચાર્ય, મિનલબેન જોશી, તરૂણભાઇ પંડ્‍યા ઉપસ્‍થિત રહ્યા હતા. વધુ વિગત માટે સંપર્ક પ્રણવ જોશીઃ ૯૩૨૭૬ ૦૭૫૮૧, કશ્‍યપભાઈ શુકલ (સંસ્‍થાના મુખ્‍ય માર્ગદર્શક), દર્શિતભાઈ જાની પ્રમુખશ્રી - ૯૮૭૯૦ ૦૯૩૯૨,દિપકભાઈ પંડયા મહામંત્રીશ્રી - ૯૮૨૫૨ ૯૩૬૫૮.

દર્શીત જાની

સમસ્‍ત બ્રહ્મસમાજ-રાજકોટ પ્રમુખ

કશ્‍યયપભાઇ શુકલ

સમસ્‍ત બ્રહ્મસમાજ-રાજકોટ

 

પ્રણવ જોશી ઇસરોની નાવિક સીસ્‍ટમની ક્ષતિ નેનો સેટેલાઇટથી સુધારવા પ્રયાસરત

ઇસરોની જે નાવિક સિસ્‍ટમ એટલેકે જીપીએસ સીસ્‍ટમ હોય તેમાં જે એરર એટલે કે ક્ષતિઓ આવે તે ઓછી કરવા અથવા સુધારવા માટે પ્રણવ જોશીએ સંશોધનપત્ર રજુ કર્યું. પ્રણવ જોશી કહે છે, ઇસરોની જે સિસ્‍ટમ છે એટલે જેને અત્‍યારે આપણે જીપીએસ સીસ્‍ટમ કહીએ છીએ તેવી ઇસરોની નાવિક સીસ્‍ટમ છે એમાં રીયલ ટાઇમ એરર આવવાનું સમાચાર માધ્‍યમો દ્વારા મારા ધ્‍યાન પર આવ્‍યું. સરળ ભાષામાં કહીએ તો આપણે જે જગ્‍યાએ પહોંચવું છે તે જગ્‍યાએ પહોંચતા આ સીસ્‍ટમ આપણને ચાર પાંચ મીટર આગળ પાછળ બતાવે છે. એટલે કે તેમાં ક્ષતિ છે. આ ભૂલને મે મારા રિસર્ચ દ્વારા શોધી કાઢી અને તેને બરાબર કરવાના પ્રયાસ કરી રહ્યો છુ. જેના માટે અમે નેનો સેટેલાઇટ ડેવલપ કરી રહ્યા છીએ.

ઇસરોએ તેની જર્નલમાં પ્રસિધ્‍ધ કર્યું પ્રણવ જોશીનું સંશોધનપત્ર

હાલ ભારતમાં ટેક્રોલોજી ક્ષેત્રે શું પ્રોબ્‍લેમ છે અને ભારત શેનો સામનો કરી રહ્યો છે તે વર્તમાનપત્રો, ઇન્‍ટરનેટ, સમાચાર માધ્‍યમોથી પ્રણવે સંશોધન કર્યું અને વર્ષ ૨૦૨૪ માં જે ઘટનાઓ બની હતી અને નેનો સિસ્‍ટમમાં એરર આવી હતી તેના પરથી પ્રણવ જોશીને વિચાર આવ્‍યો કે, આ પ્રોબ્‍લેમ ને સોલ્‍વ કઇ રીતે કરી શકાય? એના પર પ્રણવ જોશીએ મિકેનિકલ એન્‍જાિનિયરિગના અભ્‍યાસની સાથે રિસર્ચ પેપર લખવાની શરૂઆત કરી.

અલગ અલગ રીસર્ચ પેપર, સ્‍પેસ એજન્‍સીના રીપોર્ટ વગેરે પરથી ડેટા એનાલિસીસ કરી સંશોધનપત્ર તૈયાર કર્યું. આ સંશોધનપત્ર તૈયાર કરતા પ્રણવને ૮ મહિના જેટલો સમય લાગ્‍યો. ઉલ્‍લેખનીય છે કે આ સંશોધનપત્ર ઇસરોએ તેની જર્નલમાં પ્રસિધ્‍ધ કર્યું છે. એક વિદ્યાર્થી તરીકે પહેલીવાર પ્રસિધ્‍ધ થયું છે. રાજકોટમાંથી કદાચ પ્રણવ જોશી એકમાત્ર કહી શકાય. આ રીસર્ચ પેપરનો વિષય ભારતીય ઉપમહાદ્વિપ પર આયનો સ્‍પીરીચ ઇન્‍ટીલેશન થાય છે તેનું રિયલ ટાઇમ મોનીટરિગ કરવું એટલે કે એક નેનો સેટેલાઇટ કરવું તે હતો.

(3:32 PM IST)