<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

સગાની દિકરીની પાછળ પડેલા અંકિતને ઠપકો દેતાં તેની ધમકીથી પ્રમોદે જીવ દીધો'તોઃ ગુનો નોંધાયો

સાડા ત્રણ મહિના પહેલા ખોખડદડમાં યુપીના યુવાને આપઘાત કર્યાની ઘટનામાં સાચી વિગતો બહાર આવી આપઘાત કરનારા પ્રમોદની અંતિમવિધીનો વિડીયો બનાવીને પણ અંકિતે સોશિયલ મિડીયામાં વહેતો કરી દીધો હતોઃ આજીડેમ પોલીસે મૃતકના ભાઇ દિપકની ફરિયાદ પરથી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૬: શહરેના કોઠારીયા વિસ્‍તાર વેલનાથ જડેશ્વર પાર્ક-૪માં ખોખડદળ પુલ પાસે ઇન્‍દ્રદેવસિંગના મકાનમાં રહેતાં મુળ ઉત્તરપ્રદેશના પ્રમોદ પ્રયાગનારાયણ નિશાદ (ઉ.વ.૨૮) નામના યુવાને સાડા ત્રણ મહિના પહેલા ગાળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં યુવાનને તેના જ વતનના શખ્‍સે ત્રાસ આપી મરી જવા મજબૂર કર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી છે.

જાણવા મળ્‍યા મુજબ ખોખડદળ પાસે રહેતાં પ્રમોદ નિશાદે ગત તા. ૬/૨ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પોલીસે આપઘાત કરનારના ભાઇ યુપીના પતરાહી ગામે રહેતાં દિપકકુમાર પ્રયાગનારાયણ નિશાદની ફરિયાદ પરથી  તેના જ ગામના અંકિત તુલારામ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદી દીપકકુમાર અગાઉ પાલનપુર ખાતે મજૂરી કામ કરતા હતા અને તેમનો નાનો ભાઈ પ્રમોદ રાજકોટ ખાતે મજૂરી અર્થે આવ્‍યો હતો. તા. ૬/૨ના રાત્રિના સમયે દીપકકુમાર પર વતનના મિત્ર જગતસિંહનો ફોન આવ્‍યો હતો કે પ્રમોદે રાજકોટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ સાંભળી દીપકકુમાર તાત્‍કાલિક રાજકોટ સિવિલ હોસ્‍પિટલ પહોંચ્‍યા હતાં, જ્‍યાં પોલીસે પ્રમોદના મળતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવી લાશ વારસદારોને સોંપી હતી. તે સમયે પોલીસે આજીડેમ પોલીસ મથકમાં અકસ્‍માતે મોતની નોંધ કરી હતી.  પ્રમોદની અંતિમ વિધિ વતન ઉત્તર પ્રદેશ ખાતે પુર્ણ કર્યા બાદ પરિવારમાં વાતચીત દરમિયાન આ આત્‍મહત્‍યા પાછળનું અસલી કારણ બહાર આવ્‍યું હતું.

પ્રમોદની પત્‍નિ સોનિકાસીંગે જેઠ દિપકકુમારને જણાવ્‍યું કે તેમના જ ગામનો અંકિત તુલારામ રાજકોટમાં પ્રમોદ સાથે કામ કરતો હતો. અંકિતને પ્રમોદના એક સગાની દિકરી સાથે એકતરફી પ્રેમ હતો અને તે તેની પાછળ-પાછળ જઈ હેરાન કરતો હતો. આ બાબતની જાણ પ્રમોદને થતાં તેણે અંકિતને ટોકયો હતો અને કહ્યું હતું કે-મારા સગાની દીકરીને હેરાન ન કરતો. આ વાતનો ખાર રાખીને આરોપી અંકિતે પ્રમોદને ધમકી આપી હતી કે જો તું આ બાબતની જાણ કોઈને કરીશ તો તને જીવવા નહીં દઉં.

આરોપી અંકિતે પ્રમોદને સતત માનસિક ત્રાસ આપી આત્‍મહત્‍યા કરવા મજબૂર કર્યા બાદ પણ તેની હેરાનગતિ બંધ થઈ નહોતી. પ્રમોદે ફાંસો ખાઈ લીધા બાદ વતનમાં જે જગ્‍યાએ તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી, તે સ્‍મશાનનો વીડિયો પણ આરોપી અંકિતે પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો અને ત્‍યારબાદ તે વિડીયો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર અપલોડ કરીને પરિવારને વધુ માનસિક આઘાત પહોંચાડ્‍યો હતો.

આરોપી અંકિત દ્વારા કાકાની દીકરીના એકતરફી પ્રેમની અદાવત રાખી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાથી અને અસહ્ય માનસિક ત્રાસ અપાતો હોવાથી પ્રમોદે કંટાળીને આ આત્‍મહત્‍યા કરી હોવાનું સ્‍પષ્ટ થતાં ભાઈ દીપકકુમારે રાજકોટ આવીને આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી અંકિત તુલારામ વિરૂધ્‍ધ આત્‍મહત્‍યાની દુષ્‍પ્રેરણા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. કે. કુરીયાએ કાર્યવાહી કરી હતી.

(2:47 PM IST)