<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

યુધ્‍ધ વિરામની પોઝીટીવ અસરઃ એફઆઇઆઇની વેચવાલી અટકશે તો શેરબજાર ભડકો થશેઃ પરેશ વાઘાણી

 

રાજકોટ, તા., ૧૮:   છેલ્લા ઘણા સમયથી અમેરિકા-ઈરાન વચ્‍ચે લડાઈ ચાલી રહી હતી. આવી પરિસ્‍થિતિમાં ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર ચાલુ હતો.યુદ્ધના કારણે સપ્‍લાય ચેન તૂટી રહી હતી. ક્રૂડના ભાવ વધતા જતા હતા. પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. નિકાસકારોની તો ઊંઘ ઊડી ગઈ હતી.નિકાસના ઓર્ડરોનો માલ તૈયાર હોવા છતાં,માલ મોકલી શકાય તેવી સ્‍થિતિ નહોતી. કન્‍ટેનરોના ભાડા વધી રહ્યા હતા. વીમા કંપનીઓએ વિમાના પ્રીમિયમમાં ધરખમ વધારો કરી દીધો હતો. જે માલ મોકલી ચૂકયા હતા,તે પણ સમયસર પહોંચતો ન હતો. આવી પરિસ્‍થિતિમાં ક્રૂડનું આયાત બિલ વધતું જતું હતું. ડોલર મજબૂત થઈ રહ્યો હતો.રૂપિયો ઘસાતો જતો હતો અને ચીજ વસ્‍તુઓના ભાવો બેકાબુ થઈ રહ્યા હતા. ત્‍યારે આવા સમયે અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા યુદ્ધવિરામ ની જાહેરાતે શેરબજારમાં જીવમાં જીવ લાવ્‍યો છે.જોકે યુદ્ધની ખરાબ અસર થવાની હતી તે થઈ ચૂકી છે. કંપનીઓના પરિણામો પર નેગેટીવ અસર તો જોવા મળશે જ.કદાચ એક ક્‍વાર્ટર નહીં પરંતુ બે ક્‍વાર્ટરના રીઝલ્‍ટ ખરાબ આવશે એટલે કે એપ્રિલ-જૂનનો પ્રથમ ક્‍વાર્ટર તથા જુલાઈ-સપ્‍ટેમ્‍બર એમ બે ક્‍વાર્ટર  ના પરિણામો નબળા આવી શકે છે. ત્રીજા ક્‍વાર્ટર થી કંપનીઓની નફાશક્‍તિમાં વધારો થાય તેવી શકયતા છે.

 વિદેશી નાણાકીય સંસ્‍થાઓ પેટ ભરીને શેરો વેચી રહી છે. સતત બજાર પર પ્રેશર લાવી રહી છે. જો આમાં કોઈ ફેરફાર થાય અને વિદેશી નાણાકીય સંસ્‍થાઓની વેચવાલી જો અટકે તો શેરબજારમાં મોટી તેજી સંભવ છે. વિદેશી નાણાકીય સંસ્‍થાઓ હાલમાં ભારતમાંથી પોતાનું રોકાણ પરત લઈ અને બીજા દેશોમાં રોકાણ કરી રહી છે.શેર બજારમાં હાલમાં શેરો બાયબેક કરવાની મોસમ ખીલી છે.અનેક કંપનીઓ પોતાના શેરો બાયબેક કરી રહી છે. નાના રોકાણકારો આવી બાયબેકની યોજનામાં ભાગ લઈ અને પોતાનું રોકાણ હળવું કરી રહ્યા છે અને ઊંચા ભાવે શેરો બાયબેક કરાવી રહ્યા છે.વિદેશી નાણાકીય સંસ્‍થાઓના વેચાણની સામે આપણી સ્‍થાનિક નાણાકીય સંસ્‍થાઓ ખૂબ જ મોટા પાયે શેરો ખરીદી રહી છે.બે-ત્રણ વર્ષથી શેરબજારને ટકાવી રાખવામાં આપણી સ્‍થાનિક નાણાકીય સંસ્‍થાઓનો મોટો ફાળો છે.મ્‍યુચ્‍યુઅલ ફંડ દ્વારા એસઆઈપી નો ફ્‌લો ૩૦,૦૦૦ કરોડથી વધુ છે.એસઆઈપી ના નાણાં શેરબજારમાં ઠલવાતા બજાર ટકી ગયું છે.જો કે છેલ્લા ત્રણ મહિનાથી એસઆઈપી નો ફ્‌લો સ્‍થિર થયો છે.એસઆઈપી નો ગ્રોથ અટકી ગયો છે. જો કે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે એટલે કે એસઆઈપી ૩૦,૦૦૦ કરોડ આસપાસ મહિનાની આવી રહી છે.

શેરબજારના નિષ્‍ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્‍યાનુસાર હાલમાં પ્રાઇમરી માર્કેટમાં સેકન્‍ડરી માર્કેટ કરતા સારી તેજી ચાલી રહી છે. આઈપીઓ ની વણઝાર જોવા મળી રહી છે પરંતુ એસ.એમ.ઈ આઈપીઓ વધારે આવી રહ્યા છે.મેઇન બોર્ડ આઈપીઓ ની કમી છે,ખોટ વર્તાઈ રહી છે.રોકાણકારોએ એસ.એમ. ઇ આઈ પી ઓ ભરવામાં મોટું જોખમ ઉઠાવવું પડે છે. એસ.એમ.ઈ આઇપીઓમાં યોગ્‍ય સલાહકારની સલાહ વગર રોકાણ કરવામા નુકસાન વેઠવાનો પણ વારો આવે છે.

ઈરાન-અમેરિકાના યુદ્ધ વિરામ પછી ત્રણેક મહિનામાં પરિસ્‍થિતિ રાબેતા મુજબ થતી જોવા મળશે. ક્રૂડના ભાવ ઘટશે અને મોંઘવારીમાં પણ રાહત મળતા કંપનીઓના પરિણામો પણ સુધરશે.આવનારા એક ક્‍વાર્ટર પછી શેરબજારમાં સ્‍થિરતા અને ઉછાળો જોવા મળી શકે છે.પ્રાઇમરી માર્કેટમાં પણ મેગા આઇપીઓ આવવાની શરૂઆત એક-બે મહિનામાં જ જોવા મળશે અને પ્રાઇમરી અને સેકન્‍ડરી માર્કેટ ફરી ધમધમતું જોવા મળશે.

(3:07 PM IST)