<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

પી.એમ. કિસાન ઉત્‍સવ દિવસઃ રાજકોટ જિલ્લામાં ૩૦મી ઓક્‍ટોબરે ૭૩ સ્‍થળોએ કાર્યક્રમ યોજાશે

કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીશ્રીઓ દ્વારા વીડિયો કોન્‍ફરન્‍સથી અધિકારીઓને માર્ગદર્શન અપાયું

રાજકોટ, તા.૨૯: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા. ૩૦ ઓક્‍ટોબરના રોજ, બનાસકાંઠાના ભીલડીથી દેશના ૯.૩૪ કરોડ ખેડૂતોના ખાતામાં ‘પી.એમ. કિસાન સન્‍માન નિધિ' યોજનાના ૨૪મા હપ્તા પેટે કુલ રૂ. ૧૮,૬૮૦ કરોડની રકમ ડી.બી.ટી.થી જમા કરાવશે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતની દરેક બેઠક તેમજ એક જિલ્લાકક્ષાના મુખ્‍ય કાર્યક્રમ મળીને કુલ ૭૩ સ્‍થળોએ આ કાર્યક્રમ યોજાશે. ‘પી.એમ. કિસાન ઉત્‍સવ દિવસ'ના આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ખેડૂતો, તેમના પરિવારજનો, પશુપાલકો તેમજ નાગરિકો જોડાનાર છે.

આ કાર્યક્રમના આયોજન માટે આજે કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓ તેમજ વરીષ્ઠ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં રાજ્‍યસ્‍તરીય વીડિયો કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મંત્રીઓ તેમજ વરીષ્ઠ અધિકારીઓ દ્વારા સમગ્ર આયોજન માટે સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્‍ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આ અંગે આજે જિલ્લાના અધિકારીઓની બેઠક કલેક્‍ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, બનાસકાંઠા ખાતે આયોજિત રાષ્‍ટ્રીય કક્ષાના મુખ્‍ય સમારોહનું રાજકોટ જિલ્લાના મુખ્‍ય કાર્યક્રમ સ્‍થળ સહિત તમામ એ.પી.એમ.સી., કે.વી.કે., એફ.પી.ઓ. તેમજ ગ્રામ્‍ય કક્ષાએ એલ.ઈ.ડી. સ્‍ક્રીન અને વેબકાસ્‍ટના માધ્‍યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

(2:52 PM IST)