તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
‘‘ફીફા'' ફીવર વચ્ચે અંડર-૧૪ અને અંડર-૧૭ ફેટબોલ ટુર્ના.માં ખેલાડીઓનું આક્રમક પ્રદર્શન
આરસીસી બેન્ક અને ડીસ્ટ્રી. ફુટબોલ એસો. આયોજિત ‘‘જયંતિલાલ કુંડલિયા મેમોરિયલ કપ'' ફુટબોલ ટુર્નામેન્ટ

રાજકોટ : શહેરમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે, ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ અને ડીસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રેલવે લોકો કોલોનીના વિશાળ અને સુવિધાયુક્ત ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ‘‘શેઠ શ્રી જયંતિલાલ કુંડલિયા મેમોરિયલ કપ'' ફૂટબોલ ટુર્નામેન્ટ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું બન્ને સંસ્થાની પ્રેસ યાદી જણાવે છે.
આ ટુર્નામેન્ટ રાજકોટના યુવા ફૂટબોલ ખેલાડીઓ માટે તેમની પ્રતિભાને રાષ્ટ્રીય સ્તર પર લઈ જવાનું એક મહત્વનું પ્લેટફોર્મ બની રહી છે. ખાસ કરીને અંડર-૧૪ અને અંડર-૧૭ બોયઝ વિભાગમાં આ વર્ષે ખેલાડીઓનો અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ટુર્નામેન્ટના સફળ સંચાલન માટે ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના સીઈઓ ડો. પુરુષોત્તમ પીપરીયા, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી પ્રકાશ શંખાવલા અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર જુલીબેન પીપરીયાનો વિશેષ સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયેલ છે. તેમની સતત દેખરેખ અને પ્રોત્સાહનને કારણે ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બેન્ક અને એસોસિએશનના સંયુક્ત પ્રયાસોથી ખેલાડીઓને શ્રેષ્ઠ મેદાન, રેફરી અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ટુર્નામેન્ટના પ્રારંભથી જ પ્રેક્ષકો અને ખેલાડીઓમાં અદમ્ય ર્ઉત્સાહ જોવા મળે છે. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોને નકારાત્મક પ્રવળત્તિઓથી દૂર રાખીને રમતગમતના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો છે.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અંડર-૧૪ વિભાગમાં કુલ ૧૫ ટીમોએ ભાગ લીધો છે. ગઇકાલની અંડર-૧૪ વિભાગની રોમાંચક મેચોમાં એસએનકે-એ ની ટીમે માસ્ટર એફસી બ્લુ સામે ૩-૦ ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. તેમજ TGS Wadi School ની ટીમે ક્રાઇસ્ટ સ્કૂલ સામે ૬-૦ થી એકતરફી જીત મેળવી હતી. આ ઉપરાંત, વાયસીસીની ટીમે જીનિયસ સ્કૂલ સામે ૩-૦ થી અને આરડીએસએ રેલ્વેની ટીમે વાયસીસી મવડી સામે ૩-૦ થી વિજય પ્રાપ્ત કર્યો હતો.
અંડર-૧૭ વિભાગમાં ૧૨ ટીમો વચ્ચે રસાકસી જોવા મળી હતી. આ વિભાગની મહત્વની મેચોમાં વાયસીસીની ટીમે એસએનકે-બી ને ૫-૦ થી હરાવી હતી. જ્યારે ડીએલએસએસ જય ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમે ક્રાઇસ્ટ સ્કૂલ સામે ૫-૦ થી જીત નોંધાવી હતી. આ ઉપરાંત, ટીજીએસની ટીમે એસએનકે-એ સામે ૫-૧ ના સ્કોરથી વિજય મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી.
૨૫ જૂનના આયોજિત મેચોમાં રાજકોટ સિટી પોલીસની ટીમે વાયસીસી એસએફની ટીમને ૨-૦ થી, એસએનકે સ્કૂલની ટીમે વાયસીસી ‘એ' ટીમને ૧-૦ થી અને ડીએલએસએસ જય ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમે એસજીવીપી રીબડાની ટીમને ૪-૦ થી મહાત આપીને ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.
રપ જૂનના રોજ અંડર-૧૭ વિભાગમાં પણ રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા. આરડીએસએ રેલ્વેની ટીમે ક્રાઇસ્ટ સ્કૂલની ટીમને ૧-૦ થી, એસએનકે ‘એ' ટીમે માસ્ટર એફસી બ્લૂની ટીમને ૩-૦ થી, એસજીવીપી રિબડાની ટીમે એસએનકે ‘બી' ટીમને ૪-૦ થી અને ગ્રીનવૂડ ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમે રાજકોટ સિટી પોલીસની ટીમને ૨-૧ થી પરાજય આપેલ.
એસોસિએશન દ્વારા નિર્ધારિત નિયમો અને શિસ્તના માળખામાં રહીને દરેક ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. રેફરી દ્વારા પણ મેચોનું સંચાલન ખૂબ જ કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારના વિવાદ વગર મેચો સંપન્ન થઈ હતી.
ટુર્નામેન્ટના સફળ આયોજન પાછળ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા અને સેક્રેટરી રોહિત બુંદેલા સહિતના સભ્યોના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ આટલી ભવ્યતા સાથે આયોજિત થઈ રહી હોવાનું પણ જણાવાયું છે.
આવી ટુર્નામેન્ટો સામાજિક સ્તરે પણ ખૂબ મોટું પરિવર્તન લાવે છે. આ મેમોરિયલ કપના માધ્યમથી રાજકોટના ફૂટબોલ ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર થવાની તક મળી રહી છે.
આ રોમાંચક ટુર્નામેન્ટની આગામી મેચોનો લ્હાવો માણવા તથા આપણા યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રાજકોટના તમામ રમતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને રેલવે લોકો કોલોનીના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પધારવા માટે બન્ને સંસ્થા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(2:26 PM IST)










