તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ઘંટેશ્વરમાં ભાડુ માંગવા ગયેલા પિન્ટુ ઉર્ફે કાનાને મિત્ર મેરામે છરીના ઘા ઝીંકયા
બોલેરો અને સ્વિફ્ટ ગાડીના ભાડાના પૈસા બાબતે થયેલી બોલાચાલીઃ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૧૫: શહેરમાં સામાન્ય પૈસાની લેતીદેતીમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા એક ડ્રાઈવર યુવકે તેના જ મિત્ર પાસે પોતાની ગાડીઓનું ભાડું માંગતા મિત્રએ ઉશ્કેરાઈ જઈને પીઠના ભાગે છરીનો ઘા ઝીંકી હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદ મુજબ પિન્ટુભાઈ ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ પરમાર (રહે. શિવનગર શેરી નં. ૩) નામના ૨૧ વર્ષીય યુવકે તેના મિત્ર મેરામ પરેશાને પોતાની બે ગાડીઓ બોલેરો અને સ્વિફ્ટ ત્રણ મહિના પહેલા ભાડેથી ચલાવવા આપી હતી. બોલેરોનું માસિક ૪૦,૦૦૦ અને સ્વિફ્ટનું ૩૫,૦૦૦ એમ કુલ ભાડું નક્કી કરવામાં આવ્યું હતું.
છેલ્લા બે મહિનાનું ભાડું બાકી હોવાથી પિન્ટુભાઈ અવારનવાર ફોન કરતો હતો, પરંતુ મેરામ વાયદાઓ આપતો હતો.. ગઈકાલે મેરામએ ફોન કરીને પિન્ટુભાઈને પૈસા લઈ જવા માટે પોતાના ઘરે ૨૫ વારીયા ક્વાર્ટર પાછળ, ઘંટેશ્વર ખાતે બોલાવ્યો હતો.
જ્યારે પિન્ટુભાઈ પૈસા લેવા માટે મેરામના ઘરે પહોંચ્યો ત્યારે મેરામએ ‘‘અત્યારે પૈસા નથી, પછી આપીશ'' તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. મામલો બિચકતા મેરામેં ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. પિન્ટુભાઈ જ્યારે સીડી ઉતરીને નીચે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી મેરામએ છરી વડે હુમલો કરી પિન્ટુભાઈની પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.
હુમલો કર્યા બાદ પણ આરોપી મેરામએ ધમકી આપી હતી કે, જો હવે બીજી વાર ભાડાના રૂપિયા માંગવા આવીશ તો તને જાનથી મારી નાખીશ. ઈજાગ્રસ્ત પિન્ટુભાઈને તાત્કાલિક મોરબી રોડ પર આવેલી માધવ ક્લિનિકમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની પીઠના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. આ અંગે પિન્ટુભાઈએ ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં મેરામ પરેશા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હેડકોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલે જાહેરનામાના ભંગ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(1:25 PM IST)










