News of Wednesday, 25th November 2026
કોટેચા ચોકમાં ટ્રાફિક એએસઆઇને પટ્ટા ઉતારવાની ધમકી આપનારની ઓળખ થઇ
માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યોઃ નિવૃત એએસઆઇનો પુત્ર હોવાનું ખુલતાં વિશેષ તપાસ

રાજકોટ તા. ૨૫: શહેરના કાલાવાડ રોડ પર બંદોબસ્તની ફરજ દરમિયાન જાહેર રોડ પર અડચણરૂપ પાર્ક કરેલી મોટરસાયકલ હટાવવા કહેતા એક અજાણ્યા શખ્સે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે જીભાજોડી કરી બોલાચાલી તથા ધમકી આપતાં વિડીયો વાયરલ થયો હતો. ટ્રાફિક શાખાના એએસઆઇને પટ્ટા ઉતારવાની ધમકી અપાતાં તેમણે જાતે જ પટ્ટો ઉતારીને આ શખ્સને આપી દીધો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં આ શખ્સ નિવૃત એએસઆઇનો પુત્ર હોવાનું ખુલ્યું છે.
જાણવા મળ્યા મુજબ શહેર પોલીસ ટ્રાફિક શાખામાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ભીમાભાઇ માનસંગભાઇ સરવૈયા (ઉ.વ.૪૯) મંગળવારે ૨૪મીએ સવારે નવેક વાગ્યાથી નોકરી હેઠળ કાલાવડ રોડ પર હતાં. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના માનનીય ગવર્નરના પત્નિ શ્રીમતિ સંગીતા સક્સેના રાજકોટ આવ્યા હોઇ અને તેમની ઝેડ પ્લસ સુરક્ષા કેટેગરીને ધ્યાનમાં રાખી તેઓ અહિ બંદોબસ્તમાં હતા. શ્રીમતિ સંગીતા સક્સેના શ્રોફ રોડ ખાતે આવેલ પ્રયાગ-ઈ એપાર્ટમેન્ટથી કાલાવાડ રોડ પર આવેલ રેસ્ટોરન્ટ જવાના હોવાથી કાલાવાડ રોડ પરના રૂટમાં ટ્રાફિક વ્યવસ્થાની ગોઠવણ માટેએએસઆઇ ભીમભાઇ સરકારી મોટરસાયકલ લઈને અહિ આવ્યા હતાં.
આ દરમિયાન બપોરના આશરે સવાબારેક વાગ્યાના સુમારે કાલાવાડ રોડ પર કોટેચા ચોકથી શ્રી રામ ફ્લાઈ ઓવર, કે.કે.વી. ચોક પહેલા કોઈ જગ્યાએ રીતિક રોશન આવવાનો હોવાથી લોકો પોતાના વાહનો જાહેર રોડ પર પાર્ક કરીને જોવા ઉભા હતા. આ જ માર્ગ પરથી લદ્દાખના ગવર્નર સાહેબના પત્નિ પણ પસાર થવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે જાહેર રોડ પરથી અડચણરૂપ વાહનો હટાવી લેવા ફરિયાદી લોકોને જણાવી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ જીજે૦૩એલપી-૭૮૬૭ જાહેર રોડ પર અડચણરૂપ પાર્ક કરીને રીતિક રોશનને જોવા ઉભો હતો. તેને રોડ પરથી બાઈક બાજુની શેરીમાં રાખવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મોટરસાયકલના ચાલકે ત્યાં હાજર ટ્રાફિક બ્રિગેડના પાર્થભાઇ હેરમા, આશીષભાઇ બાવળીયા તથા દક્ષાબેન નિમાવત સાથે જીભાજોડી કરી હતી.
આ વખતે બાઇકચાલકે ટીઆરબીને હું મારુ બાઇક શેરીમાં નહિ અહિ જ રાખીશ તેમ કહ્યું હતું. આથી તેને એએસઆઇ ભીમભાઇ દ્વારા બંદોબસ્ત અંગે સમજ આપવા છતાં તેણે હું લાઈન બોય છું, હમણાં તારા પટ્ટા ટોપી ઉતારી દઈશ તેવી ધમકી આપી બોલાચાલી કરી ત્યાંથી ભાગી ગયો હતો.
આ અંગે વિડીયો પણ વાયરલ થયો હતો. માલવીયાનગર પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ બાઇકચાલક નિવૃત એએસઆઇનો પુત્ર હોવાની માહિતી મળતાં વધુ તપાસ હાથ ધરાઇ છે.
(3:54 PM IST)










