તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
ગોંડલ પંથકની બંધ પડેલ રેશનીંગ દુકાનનું કાયમી જોડાણ રદ્દ કરાયું: લલુડી વોકળાની દૂકાન હાથીખાનામાં ખસેડાશે
ચાર વર્ષમાં ઉજ્જવલા યોજનામાં ૫૮૮ ગેસ કનેકશન અપાયાઃ પૂરવઠા સમિતિની બેઠક મળી

રાજકોટ, તા. ૨૧: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં અનાજના જથ્થા, પુરવઠા અને વિતરણની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે ગોંડલ તાલુકાની બંધ થયેલી વાજબી ભાવની દુકાનની જગ્યાએ નવી વાજબી ભાવની દુકાન ખોલવાપાત્ર ન હોવાથી તેને કાયમી જોડાણ કરવાની કાર્યવાહી કરવા તેમજ લલુડી વોકળી વિસ્તારની વાજબી ભાવની દુકાન જર્જરિત થઈ ગઈ હોવાથી સ્થળફેર કરીને તેને કેનાલ રોડ પર હાથીખાના વિસ્તારમાં ખસેડવાની મંજૂરી આપી હતી.
આ તકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે પૂછેલા પ્રશ્નોના જવાબમાં નાયબ કલેક્ટર સુશીલ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૩થી વર્ષ ૨૦૨૬ સુધીમાં ‘‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'' હેઠળ ૫૮૮ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૦૪ વર્ષ દરમિયાન પેટ્રોલપંપ અને ગેસ એજન્સીઓની નિયમિત તપાસણી હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ રેશન કાર્ડ તથા લાભાર્થીઓના ઈ-કે.વાય.સી. કામગીરી તેમજ ગંગાસ્વરૂપા બહેનો, વળદ્ધ નિરાધાર લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
લાભાર્થીઓને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઘઉં, ચોખા, બાજરી, તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠું અને ખાદ્યતેલ જેવા આવશ્યક ખાદ્યપદાર્થોનો પૂરતો જથ્થો નિયમિતપણે પૂરો પાડવામાં આવ્યો છે.
(4:05 PM IST)










