<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

મનપામાં ૨૭૫ બીલોના ચૂકવણા અટકયા

કેટલાક બીલોમાં જરૂરી આધાર-પુરાવા ન હોવાથી નિયમ મુજબ કાર્યવાહીઃ તંત્રનો દાવો

રાજકોટતા.૨૨:  મહાનગરપાલિકામાં નવી બોડી સત્તામાં આવ્‍યા બાદ અગાઉના કાર્યકાળના બાકી રહેલા આશરે ૨૭૫ બિલોના ચૂકવણાં અટકાવી દેવામાં આવ્‍યા હોવાની ચર્ચાએ જોર પકડ્‍યું છે. તેમાં સમાજકલ્‍યાણ શાખાના સૌથી વધુ ૧૯૯ બિલો અને સ્‍નાનાગાર શાખાના ૫૬ બિલોનો સમાવેશ થાય છે.

વિરોધ પક્ષનો આક્ષેપ છે કે ભાજપની કરકસર'ના નામે લેવાતા નિર્ણયો શહેરના વિકાસ કાર્યોને અસર પહોંચાડી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકાનું કહેવું છે કે કેટલાક બિલોમાં જરૂરી આધાર-પુરાવા ન હોવાથી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ અગાઉ જાહેર કર્યું હતું કે કોઈપણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ૬૦ દિવસમાં બિલ મંજૂરી માટે રજૂ ન થાય તો તે ખર્ચ મંજૂર કરવામાં નહીં આવે. આ નિર્ણય બાદ વર્ષો જૂના બિલોના ભાવિ અંગે સવાલો ઊભા થયા છે.

નિષ્‍ણાતોનું માનવું છે કે જો યોગ્‍ય રીતે પૂર્ણ થયેલા કામોના ચૂકવણાં લાંબા સમય સુધી અટકશે, તો ભવિષ્‍યમાં કોન્‍ટ્રાક્‍ટરો અને એજન્‍સીઓ મહાનગર પાલિકાના ટેન્‍ડરમાં ભાગ લેવામાં અચકાશે. તેની સીધી અસર શહેરના વિકાસ કાર્યોની ગતિ પર પડી શકે છે.

તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં. ૧૬ના કોંગી કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણે એવો પ્રશ્ન પુછયો હતો કે, વર્ષ ૨૦૧૭થી લઈ ૨૦૨૬ સુધીના સમય ગાળામાં જૂના કેટલા બીલોની ચુકવણી કરવાની બાકી છે જેના જવાબમાં સમાજ કલ્‍યાણ શાખાના અધિકારીએ લેખિતમાં એવી કબુલાત કરી છે કે રાજ્‍ય સરકાર, કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમો જેમાં મહાનુભાવોની જન્‍મ જયંતિ, યોગ દિવસ, પતંગ મહોત્‍સવ, વિવિધ સંગીત સંધ્‍યા, લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમોના ૧૯૯ બીલની ચુકવણી કરવાની બાકી છે. જ્‍યારે તાાનાગાર શાખાના ૫૬ બીલોની ચુકવણી કરાઈ નથી. જેમાં એવુ નોટીંગ કરવામાં આવ્‍યું છે કે, નિયમાનુસાર પુરતા આધારપુરાવા એજન્‍સી દ્વારા રજૂકરવામાં ન આવ્‍યા હોવાના કારણે બીલ અટકાવી દેવામાં આવ્‍યા છે. તમામ શાખાઓના આશરે ૨૭૫ જેટલા બીલોના ચુકવણા બાકી છે

(3:30 PM IST)