તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં વાયરીંગ કામ વખતે વિજકરંટ લાગતાં ગાંધીગ્રામના પાર્થ ચોૈહાણનું મોત
રાયફલ શૂટીંગ સ્ટુડીયોમાં કામ કરતી વખતે કરૂણ બનાવઃ મુળ પોરબંદરના ગોરાણા ગામના ચોૈહાણ પરિવારે ૨૫ વર્ષનો આધારસ્તંભ દિકરો ગુમાવ્યોઃ સોરઠીયા પ્રજાપતિ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં મુળ પોરબંદરના ગોરાણા ગામના ૨૫ વર્ષના યુવાનનું શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા બની રહેલા રાયફલ શૂટીંગ સ્ટુડિયો ખાતે ઇલેક્ટ્રીક કામ વાયરીંગ કામ કરતી વખતે વિજકરંટ લાગવાથી મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ ગાંધીનગર શેરી નં. ૬માં રહેતો પાર્થભાઇ મનસુખભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫) નામમનો સોરઠીયા પ્રજાપતિ યુવાન શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે રાયફલ શૂટીંગ સ્ટુડીયોનું કામ ચાલુ હોઇ તેમાં ઇલેક્ટ્રીક કામ કરતો હતો ત્યારે વિજકરંટ લાગતાં ઢળી પડયો હતો. તેનું મૃત્યુ થયાની જાણ થતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. વી. ભગોરા સહિતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
વધુ વિગત મુજબ મૃત્યુ પામનાર પાર્થભાઇ ચોૈહાણ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો અને અપરિણીત હતો. તેના પિતા મનસુખભાઇ ચોૈહાણ ફર્નિચર કામ કરે છે. પાર્થભાઇ ઇલેક્ટ્રીશીયન તરીકે કામ કરતો હતો. પોલીસ હેડક્વાર્ટર ખાતે વાયરીંગ કામ ચાલુ હોઇ તે અહિ બીજા કારીગરો સાથે કામ કરતો હતો ત્યારે વાયરીંગ વખતે કોઇપણ કારણોસર જોરદાર કરંટ લાગતાં તેનું મૃત્યુ થયું હતું. આ પરિવાર મુળ પોરબંદરના ગોરાણા ગામનો વતની છે. યુવાન અને આધારસ્તંભ દિકરાના મૃત્યુથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.
(2:23 PM IST)










