News of Monday, 6th July 2026
પારડીની જુબેદા પતિ સાથે ચાલી જતા તેનો ખાર રાખી પ્રેમીએ છરી ઝીંકી પતાવી દીધી'તી
શાપર-વેરાવળ પોલીસે વેશપલ્ટો કરી આરોપી પ્રવિણ વાઘેલાને હરીદ્વારથી ઝડપી લીધો : હત્યામાં સામેલ સગીર આરોપી પણ મળી આવ્યો

તસ્વીરમાં પકડાયેલ આરોપી (નીચે બેઠેલ) સાથે ડીવાયએસપી કે.જી.ઝાલા, પીઆઇ આર.બી.રાણા તથા સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ, તા., ૬: રાજકોટના ભાગોળે કોઠારિયા સોલવન્ટમાં રહેતી જુબેદા ગુડ્ડી નામની મહિલાની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી ભાગી ગયેલા આરોપી પ્રવિણ ઉર્ફે લાખાણો ગલાભાઈ વાઘેલા (ઉ.વ. ૪૦, રહે. હાલ મોરબી, મૂળ સુરેન્દ્રનગર)ને શાપર-વેરાવળ પોલીસે હરીદ્વારના રેલવે સ્ટેશન પરથી વેશપલટો કરી ઝડપી લીધો છે. તેની સાથે હત્યામાં સંડોવાયેલો સગીર આરોપી પણ મળી આવ્યો છે.
મળતી વિગત મુજબ પારડી પાસે હત્યાનો ભોગ બનનાર જુબેદાબેન ગુદડીને આરોપી સાથે અફેર હતું. પારડીમાં પાડોશમાં રહેતા પ્રવિણ સાથે દસેક મહિના સુધી અફેર ચાલ્યું હતું. આ પછી જુબેદા પતિ અયુબ સાથે રહેવા જતી રહી હતી. જેનો ખાર રાખી આરોપી પ્રવિણે તા. ૧૨ના રોજ પારડી જઈ રિક્ષાની ઠોકર મારી પાડી દીધા બાદ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
પારડીની મહિલાના હત્યાના આરોપીનું હરીદ્વારનું લોકેશન મળતાં શાપર પોલીસ ત્યાં પહોંચી હતી. એક વખત હરીદ્વાર પોલીસ પહોંચી ત્યારે મુરાદાબાદ જતો રહ્યાની માહિતી મળતાં પોલીસ ત્યાં ગઈ હતી. પરંતુ હરીદ્વારમાં જ હોવાની ખાતરી થતાં ફરીથી ત્યાં તપાસ કરી આરોપીને ઝડપી લીધો. શાપર પોલીસે મળતકની પુત્રી ખુશીની ફરિયાદી બનાવી ગુનો દાખલ કર્યો હતો. આરોપી સાથે સગીર પણ ઝડપાયો છે અને પૂછપરછ ચાલુ છે.
આ કાર્યવાહી શાપર (વે) પો.સ્ટે.ના પીઆઇ આર.બી.રાણા, એએસઆઇ દિવ્યરાજસિંહ સરવૈયા, એએસઆઇ ક્રીપાલસિંહ રાણા, મહેન્દ્રભાઇ ધાંધલ, દિનેશભાઇ ખાટરીયા, જગશીભાઇ ઝાલા, પીસી અલ્પેશભાઇ ડામસીયા, લગધીરસિંહ જાડેજા, વિમલ વેકરીયા, રાજદીપસિંહ જાડેજા, મનસુખભાઇ ચૌહાણ, દિવ્યેશભાઇ શામળા તથા ગોંડલ ના.પો.અધી. કચેરીમાં ફરજ બજાવતા એએસઆઇ છત્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે
(11:56 AM IST)










