<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ખોટી અફવાઓથી દૂર રહેવા અને પેનિક ન થવા પરસોતમભાઇ રૂપાલાની અપીલ

રાજકોટ જિલ્‍લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ : ઇંધણની કોઇ અછત નથી, વહીવટી તંત્ર સ્‍થિતિ પર નજર રાખી રહ્યું છેઃ પુરવઠો સુચારૂ રૂપે મળી રહેશે તેવી ખાતરી આપતા સાંસદ

રાજકોટ, તા. ૨૨: રાજકોટ શહેર અને જિલ્‍લામાં છેલ્‍લા થોડા સમયથી ઇંધણની અછત વર્તાશે તેવી ચાલી રહેલી અફવાઓ અને આશંકાઓ વચ્‍ચે તંત્ર દ્વારા મહત્‍વની સ્‍પષ્ટતા કરવામાં આવી છે. રાજકોટ જિલ્‍લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્‍થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ છે, જેથી નાગરિકોએ સહેજ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી તેમ સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ પત્રકારો સાથેના વાતચીતમાં જણાવ્‍યું હતું.

પરશોત્તમભાઇ રૂપાલાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્‍લામાં પેટ્રોલિયમ પેદાશોની કોઈ અછત નથી. લોકોમાં ખોટો ભય ફેલાઈ રહ્યો છે, જેના કારણે પેટ્રોલ પંપો પર બિનજરૂરી લાઈનો જોવા મળી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જનતાએ કોઈપણ પ્રકારના ‘પેનિક' (ગભરાટ)માં આવ્‍યા વગર જરૂર પૂરતું જ ઇંધણ ખરીદવું જોઈએ.

રાજકોટ જિલ્‍લામાં પેટ્રોલ અને ડીઝલનો સ્‍ટોક પૂરતો છે. નાગરિકો અફવાઓથી દોરવાઈને પેટ્રોલ પંપો પર લાઈનો ન લગાવે. વહીવટી તંત્ર સમગ્ર પુરવઠા સાંકળ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

તેમણે જણાવ્‍યું કે રાજકોટ જીલ્લામાં કેટલાક વિસ્‍તારોમાં ડીઝલના પૂરવઠાને લઇ સમસ્‍યા ઉભી થઇ છે તેનાથી સરકાર સંપૂર્ણ પણે વાકેફ છે. આ અછત પાછળના મૂળભૂત અને ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પેટ્રોલીયમ મંત્રાલય અને ઓઇલ કંપનીઓના ઉચ્‍ચ અધિકારીઓ સાથે આ બાબતે તાકીદની સમીક્ષા બેઠક યોજવામાં આવશે. 

 

(3:36 PM IST)