તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧૦ ગેસ સિલીન્ડર મળતાં પેન્ટ્રી કાર મેનેજરની ધરપકડ
રાજકોટ રેલ્વે સ્ટેશન પર રેલ્વે પોલીસની કાર્યવાહી : પીએસઆઇ બી. જે. જાડેજા અને ટીમે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૦: અહિના રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે સમયસુચકતા વાપરીને સંભવિત દુર્ઘટના ટાળી છે. પ્લેટફોર્મ નંબર-૧ ઉપર આવી પહોંચેલી ટ્રેન નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરોના જીવ જોખમમાં મૂકાય તે રીતે ગેરકાયદેસર રીતે છુપાવીને રાખવામાં આવેલા ૧૦ નંગ ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રેલવે પોલીસે આ ગંભીર બેદરકારી બદલ ટ્રેનના પેન્ટ્રી કાર મેનેજરની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે.
આ કામગીરીની વિગત એવી છે કે, રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના આર્મ્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ નરસંગભાઈ જોગડા તથા તેમના સાથી પોલીસ સ્ટાફના માણસો સર્વેલન્સ અને હાજરી માસ્તરની ફરજ પર હતા. આ સ્ટાફમાં હેડકોન્સ. મનસુખભાઈ, જયવિરસિંહ, વનરાજભાઈ તેમજ આર્મ્ડ કોન્સ. સાગરભાઈ, નીલેશભાઈ અને આરપીએફ કોન્સ્ટેબલ રાજેશભાઈ જાદવ સામેલ હતા. આ તમામ અધિકારીઓ રેલવે સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થો, પ્રોહિબિશન અને અન્ય ગેરકાયદેસર પ્રવળત્તિઓ અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બપોરે આશરે સવા ત્રણે વાગ્યે શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન પ્લેટફોર્મ પર આવી પહોંચતા પોલીસે તેના કોચ પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું.
ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી ત્યારે રેલવે પોલીસ સ્ટાફે શંકાસ્પદ હિલચાલના આધારે ટ્રેનના એસ-૭ કોચ અને પેન્ટ્રી કાર વચ્ચે આવેલા સામસામેના બાથરૂમની ઉપર, છતના ભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન ત્યાં છુપાવીને રાખેલા રેલવે અનધિકળત આશરે ૫ કિલોગ્રામની ક્ષમતાવાળા નાના ૧૦ નંગ ગેસ સિલિન્ડર જોવામાં આવ્યા હતા. ચાલુ ટ્રેનમાં આટલી મોટી સંખ્યામાં જ્વલનશીલ પદાર્થો મળતા જ પોલીસે તુરંત જ કાર્યવાહી કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે હાજર પેન્ટ્રી કારના મેનેજરની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શીશુપાલસિંહ દેવીસિંહ ગુર્જર (ઉ.વ. ૪૩, રહે. ગામ-મજરા હારકાપુરા, જિ. ભીંડ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. મેનેજર પાસે ટ્રેનમાં પેન્ટ્રી કાર ચલાવવા અંગેના નિયમો અને શરતોની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે રેલવે વિભાગ તરફથી તેમને માત્ર બહારથી તૈયાર જમવાનું મંગાવીને જ મુસાફરોને પીરસવાની મંજૂરી આપવામાં આવી હતી. ટ્રેનની અંદર ગેસ સિલિન્ડર રાખવા કે રાંધવા માટે તેમની પાસે કોઈ કાયદેસરના આધારભુત પુરાવા કે પરમિટ નહોતી.
પોલીસે ઇન્ડેન કંપનીના ખાલી ૬ નંગ ગેસ સિલિન્ડર કિંમત ૩,૦૦૦ અને મીની ભારત કંપનીના આશરે ૫ કિલોગ્રામની ક્ષમતાવાળા ૪ નંગ ગેસ સિલિન્ડર કિંમત ૨,૦૦૦ના કબજે કર્યા હતા. આ ૪ સિલિન્ડરો પૈકી ૩ સિલિન્ડરમાં આશરે ૨-૨ કિલોગ્રામ જેટલો જ્વલનશીલ ગેસ ભરેલો હતો, જે ગમે ત્યારે મોટી આગ કે અકસ્માત સર્જી શકે તેમ હતો. પોલીસે કુલ ૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કલમ-૪૭ મુજબ નોટિસ આપી ધોરણસર અટકાયત કરી છે. આ મામલે આરોપી વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ અને ઇન્ડિયન એક્સપ્લોઝીવ એક્ટની કલમ-૫ અને ૯ (બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પીઆઇ એચ. એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. જાડેજા, પીએસઆઇ કે. યુ. વાળા અને ડી. સ્ટાફ ટીમે કરી હતી.
(3:33 PM IST)










