તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
પંકજ હાપલીયાએ દર્શનાર્થીનો સ્વાંગ રચી ચાંદીનું છત્તર, ફળુ ચોર્યા'તાઃ સાચવનાર સુરેશ પણ પકડાયો
ગ્રીનલેન્ડ ચોકડીએ પરસાણા પરિવારના કુળદેવીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની સુચના અંતર્ગત બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એન. આર. ડોબરીયા અને ટીમે ભેદ ઉકેલ્યોઃ ક્રિપાલસિંહ જાડેજા અને સુખદેવભાઇ દાંતીની બાતમી : સુરેશ કેટરીંગનું કામ કરે છે, પંકજ તેની સાથે રહે છેઃ પૈસાની ખેંચ થતાં ચોરી કર્યાનું રટણ

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પરસાણા પરિવારના કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજીના મંદિરમાંથી ચાંદીનું છત્તર અને સૂરાપૂરાનું ચાંદીનું ફળુ ચોરી જવાની ઘટનામાં બી-ડિવીઝન પોલીસે ગુનો ઉકેલી પેડક રોડ પર નારાયણનગરમાં રહેતાં પંકજ બાબુભાઇ હાપલીયા (ઉ.વ.૪૩) અને કેટરર્સનું છુટક કામ કરતાં મોરબી રોડ ઓમ પાર્કના સુરેશ ધરમશીભાઇ ગોધાણી (ઉ.વ.૫૧)ને પકડી લઇ રૂા. ૧,૯૫,૦૦૦ના ચાંદીના છત્તર અને ફળુ કબ્જે કર્યા છે. પંકજે ચોરી કરી પોતાના શેઠ સુરેશને વેંચવા માટે આપ્યા હતાં. પણ બંને છત્તર-ફળુ વેંચી રોકડી કરે એ પહેલા પકડાઇ ગયા હતાં.
ચોરીના આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે નવાગામ આણંદપર ખોડીયાર પાર્ક-૫માં રહેતાં જસમતભાઇ દયાળજીભાઇ પરસાણાની ફરિયાદ પરથી દાખલ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગણેશ પાર્ક પૂનમ હોલવાળી શેરીમાં પરસાણા પરિવારના સૂરાપૂરા દાદાના મંદિરની બાજુમાં પરસાણા પરિવારના કુળદેવીશ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલુ છે. આ મંદિરથી દેખરેખ કુટુંબી ટપુભાઇ પરસાણા રાખે છે. ગત પાંચમી જુનના રોજ ટપુભાઇ પાસેથી એક શખ્સ મંદિરે દર્શન કરવા છે તેમ કહી ચાવી લઇને ગયા બાદ પાછો ચાવી આપવા ન આવતાં તપાસ થતાં ચોરીની જાણ થઇ હતી.
આ ગુનો ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ. સુખદેવભાઇ દાંતીને બાતમી મળતાં પંકજ હાપલીયા અને સુરેશ ગોધાણીને પકડી લીધા હતાં. પંકજ દર્શનાર્થીનો સ્વાંગ રચી મંદિરમાંથી ચોરી કરી ગયાનું ખુલ્યું હતું. તેણે ચોરાઉ છત્તર, ફળુ સુરેશને આપ્યા હતાં. પોલીસ સુત્રોના કહેવા મુજબ પંકજને ઘરમાંથી કાઢી મુકાયો છે, તે પરણેલો પણ નથી. સુરેશ છુટક કેટરીંગનુ઼ કામ કરતો હોઇ પંકજ તેની સાથે જ રહે છે. પંકજને પૈસાની જરૂર હોઇ તે મંદિરમાં દર્શન કરવાના બહાને ગયો હતો અને ચોરી કરી તેણે સુરેશને છત્તર, ફળુ આપ્યા હતાં. સુરેશે પોતે ગ્રાહક શોધી વેંચી નાંખશે તેમ કહી આ ચોરાઉ વસ્તુ પાસે રાખી હોઇ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પંકજે વધુ કોઇ આવા ગુના આચર્યા છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની સુચના અંતર્ગત પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં ડી. સ્ટાફના પીએસઆઇ એન. આર. ડોબરીયા, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, નરેશભાઇ ચાવડા, મેહુલભાઇ પંડયા, કોન. દિલીપભાઇ ખાંભરા, હાર્દિકભાઇ ગાજીપરા, જગમાલભાઇ જાદવ, સુખદેવભાઇ દાંતી, નિરલભાઇ ધડુકે આ કામગીરી કરી છે.
(2:47 PM IST)










