<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પૂ. લાલબાપુ દ્વારા સદ્‌ભાવના બળદ આશ્રમને રૂા. રપ લાખનું અનુદાન

ગાયત્રી આશ્રમ ગધેથડના પૂ. લાલબાપુએ અબોલ જીવોની વહારે આવીને સમાજને પ્રેરણા આપી : બળદોના નીભાવનું કાર્ય ઇશ્વરીય છે, તેમાં સહભાગી બનોઃ પૂ. લાલબાપુ - ગૌવંશનું રક્ષણ કરવું સમાજની ફરજ

રાજકોટ, તા. રપઃ સૌરાષ્‍ટ્રમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે વિવિધ વિસ્‍તારોમાં સર્જાયેલી દુષ્‍કાળની પરિસ્‍થિતિમાં સૌથી વિકટ હાલત અબોલ બળદોની થઈ છે. ઘાસચારાના તીવ્ર અભાવે ખેડૂતો અને પશુપાલકો કમને પણ પોતાના બળદોને રાહત કેમ્‍પમાં મૂકવા મજબૂર બન્‍યા છે. આવા કપરા સમયે રાજકોટના સદભાવના બળદ આશ્રમ દ્વારા ૮,૦૦૦થી વધુ નિરાધાર બળદોની સારસંભાળ રાખવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. જીવદયાના આ ઉમદા સેવાયજ્ઞની સરાહના કરતા ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્‍ય સંત શ્રી લાલબાપુએ સદભાવના આશ્રમને રૂપિયા ૨૫ લાખનું માતબર આર્થિક યોગદાન આશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા ને અર્પણ કરી સમાજને સેવાની નવી પ્રેરણા પૂરી પાડી છે.

અબોલ પશુઓ પ્રત્‍યે અપાર કરુણા ધરાવતા પૂજ્‍ય લાલબાપુ હંમેશા જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. અગાઉ જ્‍યારે સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં ગાયોમાં લંપી વાયરસનો જીવલેણ રોગચાળો ફાટી નીકળ્‍યો હતો, ત્‍યારે પણ પૂજ્‍ય બાપુએ પોતાના તપોબળ અને દેશી ઔષધિના પ્રયોગો થકી લાખો ગાયોને નવજીવન બક્ષ્યું હતું. હાલમાં બળદો પર આવી પડેલી આફતના સમયે સદભાવના આશ્રમના સેવાકાર્યથી પ્રભાવિત થઈને બાપુએ આર્થિક સહયોગ આપ્‍યો છે, જેથી અન્‍ય દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ પણ આ પુણ્‍યકાર્યમાં સહભાગી બને અને અબોલ પશુઓનો સારી રીતે નિભાવ થઈ શકે.

આ પ્રસંગે પૂજ્‍ય લાલબાપુએ સદભાવના બળદ આશ્રમ, રાજકોટના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, ઉપપ્રમુખ રાજેશભાઈ રૂપાપરા તેમજ તમામ ટ્રસ્‍ટીઓની સેવાભાવનાને બિરદાવતા ભાવવાહી આશીર્વચન પાઠવ્‍યા હતા. બાપુએ જણાવ્‍યું હતું કે, આજના સ્‍વાર્થી સમયમાં મૂંગા અને અબોલ પશુઓના આંસુ લૂછનારા બહુ ઓછા લોકો હોય છે. જેમને ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ આધાર નથી તથા માત્ર પેટ ભરવા સિવાય કોઈ સ્‍વાર્થ નથી, તેવા હજારો બળદોને સાચવવા એ કોઈ સામાન્‍ય માણસનું કામ નથી, પરંતુ પૂર્વજન્‍મના પુણ્‍યશાળી આત્‍માઓ જ આ મહાયજ્ઞ કરી શકે છે. આપત્તિના આ સમયમાં ગૌવંશનું રક્ષણ કરવું એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે તેમ જણાવી બાપુએ સંસ્‍થાના સેવાભાવીઓને ખૂબ રાજીપો અને આશીર્વાદ આપ્‍યા હતા.

જીવદયા સંદેશ

આ અબોલ બળદોને ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ સહારો નથી. આપત્તિના સમયે ખેડૂતો ભારે હૈયે બળદોને કેમ્‍પમાં મૂકવા મજબૂર બન્‍યા છે, ત્‍યારે તેમનું જતન કરવું એ મહાપુણ્‍યનું કાર્ય છે. સદભાવના આશ્રમની ટીમ જે રીતે હજારો અબોલ જીવોની સેવા કરી રહી છે તે સાચા અર્થમાં ઈશ્વરીય કાર્ય છે. સમાજના વધુને વધુ લોકો આ સેવાયજ્ઞમાં જોડાય તેવી મારી અભ્‍યર્થના છે. તેમ પૂજ્‍ય સંત શ્રી લાલબાપુ (ગધેથડ ગાયત્રી આશ્રમ)એ જણાવ્‍યું હતું.

૧૦૦ વીઘા જમીન અર્પણ કરનારા દાતાઓનું સન્‍માન

બળદોના નિભાવ માટે પોતાની આશરે ૧૦૦ વીઘા જેટલી કિંમતી જમીન નિઃશુલ્‍ક આપીને ઉમદા સત્‍કાર્ય કરનારા સેવાભાવી દાતાઓラ હરદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા (નાના મવા), જયદીપસિંહ પ્રવીણસિંહ જાડેજા (નાના મવા), નરેન્‍દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ પ્રવીણસિંહ જાડેજા (PCC), ચેતનસિંહ પ્રવીણસિંહ જાડેજા (PCC) અને તુષારભાઈ ગોવિંદભાઈ ઊંધાડ (મવડી)નો પૂજ્‍ય લાલબાપુએ હૃદયપૂર્વક આભાર માની ધન્‍યવાદ પાઠવ્‍યા હતા.

દરરોજ ૨૪ વખત ગાયત્રી મંત્ર બોલો, કલ્‍યાણ થશેઃ પૂ. લાલબાપુ

દારુ પીનારા અને તેના પરિવાર બરબાદ થાય છેઃ સત્‍ય, ધર્મ, નીતિ, ન્‍યાય યાદ રાખો

રાજકોટ, તા.રપઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ નદીના કાંઠે આવેલા સુઙ્કસિદ્ધ તીર્થધામ ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્‍ય લાલબાપુએ ગાયત્રી મંત્રના કરોડો જાપ કરીને દિવ્‍ય ઉર્જા સર્જી છે. આ આશ્રમ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્‍થાનું પરમ કેન્‍દ્ર બની ગયો છે. ગાયત્રી ઉપાસના, નિઃસ્‍વાર્થ અન્નક્ષેત્ર અને સેવા દ્વારા  ગાયત્રી આશ્રમ  દિવ્‍ય ચેતનાધામ બન્‍યું છે.

પ્રવચન દરમિયાન પૂજ્‍ય લાલબાપુએ માનવ કલ્‍યાણ, વ્‍યસનમુક્‍તિ અને ધર્મના માર્ગે ચાલવા અંગે અત્‍યંત પ્રેરણાદાયી અને માર્મિક સંદેશ આપ્‍યો હતો. પૂજ્‍ય લાલબાપુએ જણાવ્‍યું હતું કે, વર્તમાન કળિયુગમાં ચારેબાજુ માહોલ અત્‍યંત ખરાબ થયો છે, આવા કપરા સમયમાં માત્ર મંત્રજાપ જ મનુષ્‍યની રક્ષા કરી શકે છે. જો લોકો દરરોજ નિયમિતપણે માત્ર ૨૪ વખત ગાયત્રી મંત્રનો માનસિક જાપ કરે, તો પણ માતા ગાયત્રી તેમનું કલ્‍યાણ કરી દે છે. બાપુએ શ્રદ્ધાળુઓને આહ્વાન કરતા કહ્યું કે, પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ઓછામાં ઓછા છ મહિના સુધી આ પ્રયોગ અવશ્‍ય કરો, તેના પરિણામો ચોક્કસ જોવા મળશે.

સમાજમાં વધી રહેલા દૂષણો પર પ્રહાર કરતા બાપુએ જણાવ્‍યું હતું કે, દારૂ જેવા વ્‍યસનો કરનારા વ્‍યક્‍તિઓ પોતે તો બરબાદ થાય જ છે, પરંતુ સાથે-સાથે તેમના આખા પરિવારને પણ બરબાદ કરી નાખે છે. વ્‍યસનથી દૂર રહીને પરિવાર અને સમાજનું ઉત્‍થાન કરવું જોઈએ.

કુદરતી આફતો અંગે વાત કરતા પૂ.બાપુએ કહ્યું કે, મનુષ્‍ય જ્‍યારે પોતાના મૂળ કર્મ અને ફરજ ચૂકી જાય છે, ત્‍યારે જ સમાજ અને પ્રકળતિ પર આફતો આવે છે. ખાસ કરીને દુકાળ જેવી વિકટ પરિસ્‍થિતિમાં મૂંગા પશુઓ અને ગૌવંશની નિઃસ્‍વાર્થ સેવા કરવી એ જ સાચો ધર્મ છે. પ્રવચનના અંતે પૂજ્‍ય લાલબાપુએ જીવનનો સાર સમજાવતા કહ્યું કે, દરેક વ્‍યક્‍તિએ પોતાના જીવનમાં શ્નસત્‍ય, ધર્મ, નીતિ અને ન્‍યાયઙ્ખ આ ચાર મૂલ્‍યોને કાયમ યાદ રાખવા જોઈએ અને તેનું  અનુસરણ કરવું જોઈએ.

 

(2:50 PM IST)