<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

કર્મચારીઓના નામે થતી ખોટી રજૂઆતો વિરૂધ્‍ધ સિવિલ હોસ્‍પિટલના આઉટસોર્સ કર્મચારીઓનું કલેક્‍ટરને આવેદન

અસ્‍તિત્‍વ કર્મચારી સંગઠન સંઘ દ્વારા કરાયેલી રજૂઆતમાં ત્રણસોથી વધુ કર્મચારીઓની સહિઓઃ કર્મચારીઓની જાણ વગર તેમના નામે ફરિયાદો થતી હોવાનો આક્ષેપઃ આરોગ્‍ય મંત્રી, તબિબી અધિક્ષકને પણ રજૂઆત

રાજકોટ તા. ૨૭:  પી.ડી.યુ. (સિવિલ) હોસ્‍પિટલ ખાતે ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓના સંગઠન ‘અસ્‍તિત્‍વ કર્મચારી સંગઠન સંઘ, રાજકોટ-ગુજરાત' દ્વારા જિલ્લા કલેક્‍ટરશ્રીને આવેદનપત્ર પાઠવી હોસ્‍પિટલના કર્મચારીઓના નામે થતી કથિત ખોટી રજૂઆતો સામે વિરોધ નોંધાવવામાં આવ્‍યો છે.

આવેદનપત્રમાં જ જણાવ્‍યા મુજબ પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં કાર્યરત આઉટસોર્સ કર્મચારીઓ અસ્‍તિત્‍વ કર્મચારી સંગઠન સંઘના સભ્‍યો છે. સંગઠનનો આક્ષેપ છે કે રજનીકાંત સોલંકીના ગુજરાત જનતા જાગળતિ મંચ દ્વારા અવાર-નવાર પોતાની મનમાની કરીને અને હોસ્‍પિટલના કર્મચારીઓને કોઈ જાણ કર્યા વિના ખોટી ફરિયાદો તથા આવેદનપત્રો આપવામાં આવે છે.

સંગઠનના હોદ્દેદારોએ કર્મચારીઓને વિશ્વાસમાં લઈને કરેલી પૂછપરછમાં કર્મચારીઓએ જણાવ્‍યું હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે કે તેમને એજન્‍સી તરફથી મળતા લાભોથી સંતોષ છે. સરકારશ્રી અને શ્રમ આયુક્‍ત દ્વારા નક્કી કરાયેલા લઘુતમ વેતન મુજબના તમામ લાભો એજન્‍સી દ્વારા સમયસર ચૂકવવામાં આવી રહ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. વધુમાં અંગત ફાયદા અને સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા માટે આવી રજૂઆતો કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને, કર્મચારીઓના નામે થતી આવી કથિત ખોટી અરજીઓને ધ્‍યાને ન લેવા કલેક્‍ટરશ્રીને વિનંતી કરવામાં આવી છે.

આ આવેદનપત્રની નકલ આરોગ્‍ય મંત્રીશ્રી (ગાંધીનગર) અને પીડીયુ હોસ્‍પિટલના તબીબી અધિક્ષકશ્રીને પણ મોકલવામાં આવી છે. આવેદન પત્રમાં ત્રણસોથી વધુ કર્મચારીઓની સહીઓ પણ છે. 

(3:50 PM IST)