<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

મહાપૂજાધામ ચોકમાં બેકાબૂ વોલ્‍વોકારે બીજી ચાર કાર, બાઇકને ઉલાળ્‍યાઃ ચારને ઇજાઃ ચાલકની બેફામ ધોલધપાટ

૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ નજીક બપોરે બનાવથી લોકો ભયભીત બની ગયાઃ અલ્‍ટોને એવી ટક્કર લાગી કે ચાર ચક્કર ફરી ગઇ : કાળા રંગની વોલ્‍વોના ચાલક ધવલ પીપળીયા નાના મવા રાજ રેસીડેન્‍સીમાં રહે છેઃ તેને મારકુટ થતાં સારવાર હેઠળઃ અન્‍ય કારચાલક આશિષભાઇ સોલંકી પણ સારવારમાં: એકને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયાઃ ધવલની કારમાં અન્‍ય બે ત્રણ લોકો પણ હતાં: નશો કર્યાની ચર્ચાએ પોલીસ તપાસ

૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ નજીક કાળી વોલ્‍વોકાર બેકાબૂ બની જતાં તેની ઠોકરે બીજી ચાર કાર ઠોકરે ચડી ગઇ હતી અને એક બાઇક પણ ઠોકરે આવી ગયું હતું. અકસ્‍માત સર્જનાર કાર અને ઠોકરે ચડનારી કારોમાં ભારે નુકસાની થઇ હતી. વોલ્‍વોકારના ચાલકને લોકોએ માર મારતાં સારવાર માટે ખસેડાયવામાં આવ્‍યો હતો. અન્‍ય કારમાં સવાર ત્રણેક લોકોને ઇજા થતાં સારવાર લેવી પડી હતી. ડ્રીંક એન્‍ડ ડ્રાઇવનો કેસ હોવાની લોકોમાં ચર્ચા થતી હોઇ પોલીસે તપાસ શરૂ કરી હતી. તસ્‍વીરમાં અકસ્‍માત સર્જનાર વોલ્‍વોકાર તથા તેની ઠોકરે ચડેલી અન્‍ય કારની હાલત જોઇ શકાય છે. ઇન્‍સેટમાં એક કારના ચાલક આશિષભાઇ તથા નીચેની તસ્‍વીરમાં કારચાલક ધવલભાઇ જોઇશકાય છે. ઘટના સ્‍થળે લોકોના ટોળા પણ જોવા મળે છે. (તસ્‍વીરઃ અભિજીત-સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: શહેરમાં અવાર-નવાર બેફામ ઝડપથી વાહનો હંકારતા ચાલકો પોતાના માટે અને ક્‍યારેક બીજાના માટે જોખમી બની જાય છે. ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલથી આગળ મહાપૂજાધામ ચોકમાં આજે બપોરે આવા જ એક ચાલકે પોતાની પાસેથી વોલ્‍વોકાર બેફામ સ્‍પીડથી હંકારી કોઇપણ કારણોસર કાબુ ગુમાવી દેતાં રસ્‍તા પરની બીજી પાંચ કાર અને એક ટુવ્‍હીલરને ઉલાળી દેતાં દેકારો મચી ગયો હતો. આ અકસ્‍માતમાં ઠોકરે ચડેલા વાહનોમાં ભારે નુકસાની થઇ હતી. અવાજને કારણે લોકોના ભેગા થઇ ગયા હતાં. એક કારનું તો વ્‍હીલ નીકળી ગયું હતું. આ અકસ્‍માતમાં ચાર લોકોને ઇજા થઇ હતી. અકસ્‍માતને પગલે વોલ્‍વોકારના ચાલકને લોકોએ બેફામ ધોકાવી નાંખ્‍યો હતો. તેની સાથે અન્‍ય બે ત્રણ શખ્‍સો પણ હતાં.

જાણવા મળ્‍યા મુજબ મવડી૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલથી મહાપૂજા ધામ ચોકવાળા રોડ પર કાળા રંગની વોલ્‍વોકાર નં. જીજે૦૩એનએફ-૬૫૬૬ બેફામ ઝડપથી નીકળી હતી અને રસ્‍તા પર જઇ રહેલી અન્‍ય ચારથી પાંચ કાર તથા એક ટુવ્‍હીલરને ધડાધડ ઠોકરે ચડાવી દેતાં એક્‍શન ફિલ્‍મ જેવા દ્રશ્‍યો સર્જાયા હતાં. એક પછી એક પાંચ કાર ઠોકરે ચડી જતાં તેમાં ભારે નુકસાની થઇ હતી. આ અકસ્‍માતમાં ઇજા પામનારા પૈકીના ૮૦ ફુટ રોડ મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે રાધે ક્રિષ્‍ના હાઇટ્‍સમાં રહેતાં આશિષભાઇ નટુભાઇ સોલંકી (ઉ.વ.૩૦)ને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યારે અન્‍ય ઇજાગ્રસ્‍તોને ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાયા હતાં. ઘટના સ્‍થળે હાજર લોકોના કહેવા મુજબ ત્રણથી ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી.

આ અકસ્‍માત એટલો ભયંકર હતો કે ઠોકરે ચડેલી તમામ કારમાં ભારે નુકસાની થઇ હતી. અલ્‍ટો કાર તો રોડ પર ચાર ચક્કર ફરી ગઇ હતી. તો એક બાઇક પણ ઠોકરે ચડી ગયું હતું. અકસ્‍માતને કારણે ધડાકા સાથે અવાજ આવતાં આસપાસના લોકો મોટી સંખ્‍યામાં દોડી આવ્‍યા હતાં. જે કાળા રંગની વોલ્‍વો કારના ચાલકે અકસ્‍માત સર્જ્‍યો હતો તે ચાલકને લોકોએ ઘેરી લઇ બેફામ ધોલધપાટ ચાલુ કરી દીધી હતી. આ વખતે પોલીસ પણ આવી જતાં ચાલક અને તેની સાથેના લોકોને ટોળામાંથી બહાર કાઢયા હતાં.

ટોળાની મારકુટને કારણે વોલ્‍વો કારના ચાલક ધવલભાઇ મહેશભાઇ પીપળીયા (ઉ.વ.૩૨-રહે. રાજ રેસીડેન્‍સી, નાના મવા રોડ)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. ધવલભાઇ  બાંધકામનો વ્‍યવસાય કરે છે અને સંતાનમાં બે દિકરી છે. તેની સાથે અન્‍ય લોકો પણ હોવાનું લોકોમાં ચર્ચાતુ હતું.

જે કાર કાળી વોલ્‍વોકારની ઠોકરે ચડી તેમાં એક્‍સયુવી નં. જીજે૦૩પીએમ-૪૯૧૨, ઓરા કાર નં. જીજે૦૩એનબી-૬૫૬૭, અલ્‍ટો જીજે૦૩ડીજી-૮૫૯૧ અને  સ્‍વીફટ જીજે૦૩સીઆર-૪૬૪૪ સામેલ છે. તેમજ એક હોન્‍ડા પણ ઠોકરે આવી ગયું હતું. આ તમામ વાહનોમાં ભારે નુકસાની થઇ હતી. એક કારનું વ્‍હીલ નીકળી ગયું હતું. સદ્દનસીબે મોટી જાનહાની થતાં રહી ગઇ હતી. અકસ્‍માત સ્‍થળે હાજર લોકોના કહેવા મુજબ અચાનક જ ફિલ્‍મના એક્‍શન સીનની જેમ કાળી વોલ્‍વોકાર આવી હતી અને ધડાધડ રસ્‍તા પરની બીજી કારોને ઉલાળી દીધી હતી. માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં આ બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

(3:14 PM IST)