News of Wednesday, 1st July 2026
રાજકોટ જિલ્લામાં અધવચ્ચે અભ્યાસ છોડી ગયેલા ૩ર૯૪૮ પૈકી ૨૦૫૪નો પુનઃપ્રવેશઃ ૮૮૯૪ના વાલીઓ ફરી ભણાવવા માંગતા નથી
જિલ્લા પંચાયત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઓનલાઇન ટ્રેકીંગ : ૬૬૯૫ વિદ્યાર્થીઓ સ્થળાંતર કરી ગયાઃ ૯૭૫૪નો અન્ય શાળાઓમાં પ્રવેશ

રાજકોટ, તા. ૧: ગુજરાત સરકાર દ્વારા ગયા અઠવાડિયે યોજાયેલી રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ડ્રોપ આઉટ દર ઘટાડવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. ધો. ૧ થી ૧૦ માં અધવચ્ચે અભ્યાસ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી ભણતા કરવા ઓનલાઇન ટ્રેકીંગ સિસ્ટમનો અમલ કરવામાં આવી રહયો છે. ધો. ૧ થી ૮ નું કાર્યક્ષેત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું અને ધો. ૯-૧૦ શિક્ષણાધિકારીનું કાર્યક્ષેત્ર છે. સરકારી સિસ્ટમ ડ્રોપ આઉટની દ્રષ્ટિએ ટ્રેકીંગ માટે ધો. ૧ થી ૧૦ સુધીની સળંગ એક વ્યવસ્થા છે. રાજકોટમાં જિલ્લા પંચાયત અને જિલ્લા શિક્ષણાધિકારીના કાર્યક્ષેત્રમાંથી ધો. ૧ થી ૧૦ માંથી વર્ષ ર૦ર૪-રપ માં ૩ર૯૪૮ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરી ગયેલા તેને ધ્યાને રાખીને કામગીરી ચાલી રહી છે. શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલ રોજેરોજ સમીક્ષા કરી ગયા છે.
રાજકોટ જિલ્લામાંથી અધવચ્ચે અભ્યાસ છોડી ગયેલા ૩ર૯૪૮ વિદ્યાર્થીઓ પૈકી આજ સુધીમાં ર૦પ૪ થી વધુ વિદ્યાર્થીઓનું ફરી નામાંકન કરવામાં આવ્યું છે. ૯૧પ૪ વિદ્યાર્થીઓએ મૂળ શાળામાંથી બીજી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ૬૬૯પ વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા કે રાજયમાં સ્થળાંતર કરી ગયા છે. ૮૮૯૪ વિદ્યાર્થીઓના વાલીઓએ કોઇપણ કારણસર પોતાના બાળકને ફરીથી ભણાવવાનો ઇન્કાર કરી દીધો છે. જેમાં ધો. ૧૦ પછી પાસ કે નાપાસ થઇને અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સરકારી તંત્ર માટે ૮૮૯૪ નો આંકડો પડકારરૂપ છે. જે વાલીઓ ડ્રોપ આઉટ પછી પોતાના બાળકોને ભણાવવા ઇચ્છતા નથી તેને શિક્ષણનું મહત્વ, ભણવા માટે સરકાર તરફથી મળતી સુવિધા વગેરે બાબતે માહિતગાર કરી બાળકોને ફરી ભણતા કરવા સરકારી તંત્ર દ્વારા પ્રયાસો ચાલુ છે. શાળાઓમાં પુનઃપ્રવેશના ૨૦પ૪ ના આંકડામાં નોંધપાત્ર વધારો થવાની તંત્રને આશા છે
(2:43 PM IST)










