તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
સાંઢિયાપુલ તાત્કાલિક ખુલ્લો મુકોઃ ૨૪ કલાકમાં નિર્ણય નહીં લેવાય તો જવાબદારી તંત્રનીઃ કોંગ્રેસ આક્રમક
ગોકળગતિએ ચાલતી કામગીરીના કારણે હજારો વાહન ચાલકો ત્રાહીમામઃ ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીનો આક્રોશ

રાજકોટ, તા. ર૧: શહેરના સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા જામનગર રોડ પર આવેલ સાંઢિયાપુલની વિસ્તળતિકરણ કામગીરી પૂર્ણ થઈ જવા છતાં પુલને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં વિલંબ થતા કોંગ્રેસે તંત્ર સામે કડક વાંધો ઉઠાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીએ વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખી આગામી ૨૪ કલાકમાં પુલને જાહેર જનતા માટે ખુલ્લો મુકવાની માંગ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ગોકળગાય ગતિએ ચાલેલી કામગીરીના કારણે લાખો વાહનચાલકો રોજિંદી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક વખત ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ પણ ફસાવાના બનાવો બન્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, ભોમેશ્વર ફાટક તરફ આપવામાં આવેલા ડાયવર્ઝનના કારણે ભોમેશ્વર વિસ્તાર સહિત બજરંગવાડી, રેલનગર, ગાયત્રીધામ, સત્યમ શિવમ સુંદરમ, પરાસર પાર્ક, કળષ્ણપરા અને વોરા સોસાયટીના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત માધાપર, જામનગર રોડ વિસ્તાર તેમજ સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી, રેન્જ ડીઆઈજી કચેરી અને કોર્ટ સહિતની સરકારી કચેરીઓમાં અવરજવર માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણૂક બાદ જ પુલ ખુલ્લો મુકવાની હઠના કારણે જનહિતને અવગણવામાં આવી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો પુલ બંધ રહેવાના કારણે અકસ્માત કે જાનહાનિ જેવી ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત એજન્સીની રહેશે
(2:51 PM IST)










