<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

પૂ.જલારામ બાપાના ૨૨૭મા જન્‍મજયંતી પર્વે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્‍યક્ષ રાજુભાઈ ધ્રુવ દ્વારા શત શત વંદન

રાજકોટ, તા., ૧૬: દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ... આ માત્ર એક પંક્‍તિ નથી, પરંતુ ભારતીય સંસ્‍કળતિના સેવા, દાન, કરુણા અને પરોપકારના ઉચ્‍ચતમ મૂલ્‍યોને જીવનમાં ઉતારનાર પૂજ્‍ય જલારામ બાપાના સમગ્ર જીવનનું જાણે અમર સૂત્ર છે. પોતાના માટે નહીં, પરંતુ બીજાના દુઃખને દૂર કરવા અને ભૂખ્‍યા માનવીના પેટમાં અન્નનો એક કોળિયો પહોંચાડવા માટે જ જેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું, એવા સંતશિરોમણી પૂજ્‍ય જલારામ બાપાની આજે ૨૨૭મી જન્‍મજયંતી નિમિત્તે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન રાજુભાઈ ધ્રુવે ભાવભીની શ્રદ્ધા સાથે બાપાના ચરણોમાં શત શત નમન કરતા જણાવેલ કે, સૌરાષ્‍ટ્રની પવિત્ર ધરતી પર આવેલા વિરપુરને વિશ્વના આધ્‍યાત્‍મિક નકશા પર વિશેષ સ્‍થાન અપાવનાર પૂજ્‍ય જલારામ બાપાનું જીવન એટલે માનવસેવા, અન્નદાન, નિઃસ્‍વાર્થ ભક્‍તિ અને સમરસતાનો જીવંત મહિમા. બાપાએ પોતાના જીવન દ્વારા સાબિત કર્યું હતું કે ઈશ્વરની સાચી ભક્‍તિ માત્ર પૂજા-પાઠ કે કર્મકાંડમાં નથી, પરંતુ માનવતાની સેવા અને જરૂરિયાતમંદના દુઃખમાં સહભાગી થવામાં રહેલી છે.

બાળપણથી જ જલારામ બાપાને સાધુ-સંતો પ્રત્‍યે અપાર શ્રદ્ધા અને ગરીબો તથા જરૂરિયાતમંદો પ્રત્‍યે અનોખી કરુણા હતી. ઘરના આંગણે આવતા સાધુ-સંતો અને અતિથિઓની સેવા કરવામાં તેમને વિશેષ આનંદ મળતો. સંસારની સુખ-સુવિધાઓ કરતાં પરોપકાર અને ઈશ્વરભક્‍તિમાં તેમનું મન વધારે રમતું હતું. તેમના જીવનમાં પૂજ્‍ય ભોજલરામ બાપાના માર્ગદર્શનનું વિશેષ સ્‍થાન રહ્યું. ગુરુના આશીર્વાદ અને પ્રેરણાથી જલારામ બાપાએ માનવસેવાને પોતાના જીવનનો મુખ્‍ય ધ્‍યેય બનાવ્‍યો.

પૂજ્‍ય જલારામ બાપાના જીવનનું સૌથી મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક કાર્ય એટલે વિરપુરમાં શરૂ કરેલું સદાવ્રત. બાપાએ અન્નદાનને ઈશ્વરની આરાધનાનું શ્રેષ્ઠ માધ્‍યમ માન્‍યું હતું. તેમના દ્વારે આવનાર કોઈપણ વ્‍યક્‍તિ ભૂખી ન રહે તેવો તેમણે સંકલ્‍પ કર્યો હતો. કોઈ વ્‍યક્‍તિ કયા સમાજની છે, કયા ધર્મની છે, કઈ જ્ઞાતિની છે કે તેની આર્થિક સ્‍થિતિ કેવી છે, તેની કોઈ પૂછપરછ નહીં. ભૂખ્‍યા માનવીને ભોજન આપવું એ જ બાપાની નજરમાં સાચો ધર્મ હતો.

આજે પણ વિરપુરમાં સદાવ્રતની આ પવિત્ર પરંપરા અવિરત ચાલુ છે. વર્ષોથી અહીં કોઈપણ જાતના નાત-જાત, ધર્મ, સંપ્રદાય કે ઊંચ-નીચના ભેદભાવ વિના બંને સમય ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. વિરપુર આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને જરૂરિયાતમંદો માટે ભોજનની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ રહે છે.

જલારામ બાપાનું જીવન એટલે જીવંત માનવતાનો સંદેશ છે.પૂજ્‍ય જલારામ બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક જરૂરિયાતમંદો, ગરીબો, સાધુ-સંતો અને અસહાય લોકોની સેવા કરી હતી. તેમની સાથે જોડાયેલી અનેક લોકપ્રચલિત પ્રસંગકથાઓ આજે પણ શ્રદ્ધાળુઓમાં પ્રેરણા જગાવે છે.

વિરપુરની ધરતી પર કોઈ મોટો કે નાનો નથી, કોઈ અમીર કે ગરીબ નથી. દરેક વ્‍યક્‍તિ માટે સન્‍માન અને સેવા સમાન છે. આ જ જલારામ બાપાના જીવનદર્શનની સૌથી મોટી વિશેષતા છે.

સદાવ્રતની પરંપરા આપણને એક મહત્ત્વનો સંદેશ આપે છે કે સમાજમાં કોઈ વ્‍યક્‍તિ ભૂખી ન રહે તે માટે માત્ર સરકાર કે સંસ્‍થાઓની જ નહીં, પરંતુ દરેક નાગરિકની પણ નૈતિક જવાબદારી છે. અંતમાં રાજુભાઈ ધ્રુવે પૂજ્‍ય જલારામ બાપાના ચરણોમાં શત શત વંદન કરતાં જણાવ્‍યું હતું કે, ઁજ્‍યાં સુધી માનવતાની ભૂખ જીવંત છે, ત્‍યાં સુધી જલારામ બાપાની અન્નસેવાની જ્‍યોત કયારેય ઓલવાશે નહીં. વિરપુરનું સદાવ્રત એ માત્ર એક પરંપરા નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે માનવતાનો અમર વારસો છે, સંત શિરોમણી જલારામબાપા ની અખૂટ અમર પ્રસાદી છે.

(4:16 PM IST)