<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

લાભપાંચમના શુભ અવસરે રાજકોટ યાર્ડમાં બાવન હજાર ગુણીઓની આવકઃ મગફળીનો ભાવ ૧૬૧૦

ગત વર્ષની સરખામણીએ મગફળીમાં ૩૦૦થી ૪૦૦નો ઉછાળોઃ ૧ લાખ મણ મગફળી આવીઃ ૧૧૦૦થી વધુ વાહનોમાં સોયાબીન, કપાસ, ચણા, જરૂ, ઘઉં, તલ, લસણ, અડદ, વટાણા, તુવેર, કલોંજી, મેથી-ધાણાની પણ ભરપુર આવક

માર્કેટ યાર્ડમાં આજે લાભપાંચમના શુભ મુહુર્તમાં ભારે પ્રમાણમાં ખેત પેદાશોની આવક થઇ હતી. યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, ડીરેકટરો, વાઇસ ચેરમેન, વેપારી આગેવાનો, ખેડુતો મુહુર્તના સોદામાં હાજર રહ્યા હતાં. યાર્ડના આ દ્રશ્‍યો, ખેત પેદાશો ભરેલા ટ્રક જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૪: દિવાળીના તહેવારો બાદ આજે લાભપાંચમના પવિત્ર દિવસે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશોના મુહૂર્તના સોદાઓનો ધમધમાટ શરૂ થયો છે. શનિવારે વહેલી સવારથી જ યાર્ડમાં અંદાજે ૧૧૦૦થી વધુ વાહનો ખેત પેદાશો લઈને ઉમટી પડ્‍યા હતા, જેમાં મગફળીના મુહૂર્તના સોદા પ્રતિ મણ રૂા.૧૬૧૦ના ભાવે અને મગના સોદા ૧૯૧૦ના ભાવે બોલાયા હતા. આજે શુભ અવસરે યાર્ડમાં કુલ બાવન હજાર ગુણી એટલે કે એક લાખ મણ મગફળી આવી હતી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૦૦થી ૪૦૦નો વધુ ભાવ ખેડુતોને મળ્‍યો હતો.

આજના મુહૂર્તના ભાવ અંગે ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે લાભપાંચમના મુહૂર્તમાં ૫૨,૦૦૦ ગુણી મગફળીની આવક સામે રૂા.૧૩૦૦થી ૧૮૦૦ સુધીના ભાવ રહ્યા હતાં. જેની સરખામણીએ આ વર્ષે મગફળીના ભાવમાં રૂ. ૩૦૦થી ૪૦૦ જેટલો નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે. સરકારી ટેકાના ભાવ કરતાં પણ યાર્ડમાં રોકડેથી ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ જણસીઓની અંદાજિત આવક પર નજર કરીએ તો, મગફળીની સૌથી વધુ ૧,૦૦,૦૦૦ મણ (એક લાખ ગુણી) અને સિંગફાડા/દાણાની ૪૦,૦૦૦ મણ આવક નોંધાઈ છે. આ ઉપરાંત સોયાબીનની ૩૦,૦૦૦ મણ, કપાસની ૧૦,૦૦૦ મણ, ચણાની ૮,૫૦૦ મણ, જીરૂની ૭,૦૦૦ મણ, ઘઉંની ૬,૦૦૦ મણ, સફેદ તલની ૪,૦૦૦ મણ, લસણની ૪,૦૦૦ મણ, અડદની ૩,૦૦૦ મણ અને કાળા તલની ૨,૧૦૦ મણ આવક થવા પામી છે. આ સાથે જ એરંડા, કલોંજી, તુવેર, વટાણા, મેથી અને ધાણાની પણ આવક થઈ હતી.

માર્કેટ યાર્ડમાં જણસીઓ ભરીને આવેલા વાહનોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. આ સમગ્ર વ્‍યવસ્‍થા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઈસ ચેરમેન તથા ડિરેક્‍ટરો સહિતના સ્‍ટાફ દ્વારા સુંદર રીતે સંભાળવામાં આવી હતી.

(2:52 PM IST)