તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
મનપામાં બાબાસાહેબ આંબેડકરનું તૈલચિત્ર મુકાશે :૧૪ એપ્રિલે ભવ્ય લોકાર્પણ
મનપા બિલ્ડિંગને ‘ડો. બાબાસાહેબ આંબેડકર ભવન' નામ આપ્યા બાદ હવે બંધારણના ઘડવૈયાને કાયમી સન્માન ૧૯૯૦માં ભાજપના શાસનમાં નામકરણની પહેલ, ૨૦૧૭માં જનરલ બોર્ડની મંજૂરી :મુખ્ય કચેરીમાં ગૌરવપૂર્ણ સ્થળે તૈલચિત્ર સ્થાપિત કરાશેઃચાર કોર્પોરેટરોની રજૂઆતને સફળતા

રાજકોટ, તા.૨૧: ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક સમરસતાના પ્રણેતા ડો. બાબાસાહેબ આંબેડકરની કાયમી સ્મળતિ જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં તેમનું ભવ્ય તૈલચિત્ર સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા બિલ્ડિંગને ‘ડો. બાબાસાહેબ આંબેડકર ભવન' નામકરણ કરવાની વર્ષો જૂની પહેલ બાદ હવે બાબાસાહેબની ગરિમાને અનુરૂપ તૈલચિત્ર મૂકવાની રજૂઆતને પણ સફળતા મળી છે. આગામી ૧૪ એપ્રિલ, ૨૦૨૭ના રોજ બાબાસાહેબની જન્મજયંતીના અવસરે તૈલચિત્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે.
આ અંગે વોર્ડ નં. ૯ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય રાજુભાઈ અઘેરા, વોર્ડ નં. ૬ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમાર, વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર સંજયભાઈ સાગઠિયા તથા વોર્ડ નં. ૨ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા બિલ્ડિંગને ડો. બાબાસાહેબ આંબેડકર ભવન નામ આપવાની પહેલ વર્ષ ૧૯૯૦માં ભાજપના શાસન દરમિયાન કરવામાં આવી હતી.
તત્કાલીન મેયર વિનોદભાઈ શેઠના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન સભ્ય વિજયભાઈ રૂપાણીએ નામકરણની દરખાસ્ત રજૂ કરી હતી, જેને પૂર્વ ધારાસભ્ય અને સભ્ય ગોવિંદભાઈ પટેલે ટેકો આપ્યો હતો.
ત્યારબાદ ૧૩ એપ્રિલ, ૨૦૧૭ની દરખાસ્તના અનુસંધાને રાજુભાઈ અઘેરાએ રજૂ કરેલી દરખાસ્તને દલસુખભાઈ જાગાણીએ ટેકો આપતાં ૧૮ એપ્રિલ, ૨૦૧૭ના રોજ જનરલ બોર્ડના ઠરાવ નં. ૧૮થી મંજૂરી આપવામાં આવી હતી.
ચારેય કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરની સ્મળતિને વધુ ગૌરવપૂર્ણ બનાવવા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પોર્ચમાં સિવિક સેન્ટરની દીવાલ ઉપર અથવા અન્ય યોગ્ય સ્થળે ગ્રેનાઇટ કે માર્બલનું સુંદર બોક્સ બનાવી તેમાં બાબાસાહેબનું ભવ્ય તૈલચિત્ર સ્થાપિત કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે ૨૦ જૂન, ૨૦૨૬ના રોજ મળેલી જનરલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ નિર્ણય બદલ મ્યુનિસિપલ કમિશનર તુષાર ડી. સુમેરા, મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયા, શાસકપક્ષના નેતા ડો. હિરેન ખીમાણિયા અને શાસકપક્ષના દંડક સંજયસિંહ રાણા સહિતના પદાધિકારીઓનો ચારેય કોર્પોરેટરોએ આભાર વ્યક્ત કર્યો છે.
બાબાસાહેબની જન્મજયંતીએ તૈલચિત્રનું લોકાર્પણ
આગામી ૧૪ એપ્રિલ, ૨૦૨૭ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના અવસરે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં સ્થાપિત થનારા તૈલચિત્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. બંધારણના ઘડવૈયાને કાયમી સન્માન આપવાની આ પહેલને ચારેય કોર્પોરેટરોએ મહત્ત્વપૂર્ણ ગણાવી છે.
(3:38 PM IST)










