તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
મઢી ચોકમાં બસ આડે ટુવ્હીલર મુકી ડ્રાઇવરની ફરજમાં રૂકાવટઃ મહિલા એડવોકેટ સામે ગુનો
તમે ભારે વાહન શું કામ સીટીમાં લાવો છો, કોણે પરમીશન આપી કહી બસ આડે ટુવ્હીલર મુકી બસની ચાવી લઇ લીધી! : જામનગર ડેપોની બસના ડ્રાઇવર કમલેશભાઇ કદાવલાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ મહિલાએ મુસાફરની સાથે પણ ઝઘડો કર્યો

રાજકોટ તા. ૯: શહેરના રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં રસ્તા પર સરકારી એસ.ટી. બસના ડ્રાઇવરની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી બસને અટકાવી ચાવી ઝૂંટવી લેવા બદલ એક મહિલા એડવોકેટ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. ટ્રાફિક જેવી સામાન્ય બાબતે થયેલી આ માથાકૂટને કારણે મુસાફરો પણ અટવાયા હતા.
આ બનાવમાં જામનગરના અને એસ.ટી. નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને ત્યાં રણજીતસાગર રોડ ઇવા પાર્કમાં રહેતાં કમલેશભાઇ અરશીભાઇ કદાવલા (ઉ.વ. ૪૫)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે નેહાબેન ગાંધી નામના મહિલા વિરૂધ્ધ ફરજમાં અડચણ ઉભી કરવાનો ગુનો નોંધ્યો છે. કમલેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે સવારે જામજોધપુરના ઘુનડાથી રાજકોટ રૂટની એસ.ટી. બસ નંબરજીજે૧૮ઝેડ-૮૩૦૫ લઈને રાજકોટ આવી રહ્યા હતા. સવારે સાડા નવેક વાગ્યાની આસપાસ જ્યારે બસ રૈયા ચોકડી થઇ હનુમાન મઢી પાસે પહોંચ્યા ત્યારે ત્યારે આગળ રિક્ષા હોવાથી તેણે બસનું હોર્ન વગાડયું હતું.
કમલેશભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે હું મેં હોર્ન વગાડતાં આ સમયે ત્યાંથી ટુવ્હીલર નં. જીજે૦૩કેએમ-૭૩૦૪ લઇને અક મહિલા પસાર થઇ રહ્યા હતાં. તેણીએ તેનું ટુવ્હીલર મારી બસ આડે રાખી દીધુ હતું અને ‘શું કામ તમે ભારે વાહન શહેરની અંદર લઇને આવો છો? તમને કોણે પરમિશન આપી' તેમ કહી મારી સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. તેણે ઉગ્ર બોલાચાલી કરતાં મેં તેમનું નામ પુછતાં તેણે પોતાનું નામ નેહાબેન ગાંધી હોવાનું અને પોતે એડવોકેટ હોવાનું કહ્યું હતું.
આ પછી અમારી બસના એક મુસાફર નીચે ઉતર્યા હતાં અને આ મહિલાને કહ્યું હતું કે અમારે મોડુ થાય છે, તમે તમારુ વાહન સાઇડમાં લઇ લો અને બસને આગળ વધવા દો. આ સાંભળી આ મહિલાએ બસના મુસાફર સાથે પણ ઝઘડો કર્યો હતો અને મારી પાસેથી બસની ચાવી લઇ લીધી હતી. તેમજ તેનું ટુવ્હીલર બસની આગળ આડુ રાખી દીધુ હતું. આમ આ મહિલાએ અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી સરકારી બસને નિર્ધારીત સમયે એસટી ડેપો ખાતે પહોંચાડવામાં વિલંબ ઉભો કર્યો હતો. તેમ વધુમાં કમલેશભાઇએ જણાવતાં પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(3:37 PM IST)










