News of Tuesday, 15th September 2026
રાજમાર્ગોને‘હોકર્સ ફ્રી'બનાવવાની પોલિસી માટે વાંધા-સૂચનોની મુદ્દત પૂર્ણ
હવે આગામી જનરલ બોર્ડમાં ડ્રાફ્ટ પોલિસી દરખાસ્ત સ્વરૂપે મુકાશે :મંજૂરી અંગે લેવાશે નિર્ણય

રાજકોટઃ તા.૧૫: શહેરના રાજમાર્ગોને ‘હોકર્સ ફ્રી' બનાવવા તેમજ હોકર્સ અને લારી-ગલ્લાનો વ્યવસાય કરતા નાના વેપારીઓને વ્યવસાય માટે વ્યવસ્થિત સ્થળ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી હોકર્સ અંગેની ડ્રાફ્ટ પોલિસી સામે વાંધા-સૂચનો રજૂ કરવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. હવે આ ડ્રાફ્ટ પોલિસીને આગામી જનરલ બોર્ડની બેઠકમાં દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવશે અને તેના પર મંજૂરીની મહોર મારવા અંગે નિર્ણય લેવાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલી ડ્રાફ્ટ પોલિસી અગાઉ મનપાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી હોકર્સ, વેપારીઓ તથા સંબંધિત લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. વાંધા-સૂચનો રજૂ કરવાની નિર્ધારિત મુદ્દત પૂર્ણ થતાં હવે મળેલા વાંધા અને રચનાત્મક સૂચનોને ધ્યાનમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ડ્રાફ્ટ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ હોકર્સને વ્યવસ્થિત રીતે રોજગારની તક અને વેપાર માટે યોગ્ય સ્થળ મળી રહે તે સુનિヘતિ કરવાનો છે. તેની સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિકની સરળ અવરજવર, સ્વચ્છતા અને જાહેર વ્યવસ્થા જળવાઇ રહે તે બાબતને પણ મહત્વ આપવામાં આવ્યું છે. શહેરમાં લારી-ગલ્લા અને હોકર્સ તરીકે વ્યવસાય કરતા નાના વેપારીઓ સ્થાનિક આર્થિક વ્યવસ્થાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. આવા નાના વેપારીઓના રોજગાર અને હિતનું રક્ષણ થાય તથા બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થા અને સ્વચ્છતામાં અડચણ ઊભી ન થાય તે માટે સંતુલિત વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ આ પોલિસી મારફતે કરવામાં આવ્યો છે. હોકર્સને નિયત અને વ્યવસ્થિત સ્થળ, જરૂરી પાયાની સુવિધાઓ તથા પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની જોગવાઈઓ સાથે તૈયાર કરાયેલી ડ્રાફ્ટ પોલિસી હવે જનરલ બોર્ડ સમક્ષ પહોંચશે. બોર્ડમાં ચર્ચા બાદ પોલિસીને મંજૂરી આપવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
(2:46 PM IST)










