News of Wednesday, 27th May 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો: સમયસર પરિણામ જાહેર ન થતા કાર્યકરોએ કુલપતિ કચેરીનો ઘેરાવ કર્યો, પરીક્ષા વિભાગમાં તોડફોડ
B.Com સેમ-6 અને BAના પરિણામમાં વિલંબથી વિદ્યાર્થીઓ પરેશાન: NSUIએ આમરણાંત ઉપવાસની આપી ચીમકી, યુનિવર્સિટી તંત્રએ 2 દિવસમાં પરિણામ જાહેર કરવાની આપી ખાતરી

રાજકોટ તા.૨૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરિણામ મુદ્દે NSUIના કાર્યકરોએ મંગળવારે જોરદાર હોબાળો મચાવ્યો હતો. http://B.Com સેમ-6 અને BAના પરિણામો સમયસર જાહેર ન થતા રોષે ભરાયેલા NSUIના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસમાં ધસી ગયા હતા અને કુલપતિ કચેરીનો ઘેરાવ કર્યો હતો.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. કાર્યકરોએ પરીક્ષા વિભાગમાં જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટેબલ ખુરશીઓની તોડફોડ કરી હતી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડો, પરિણામ જાહેર કરો તેવા નારા લગાવીને સમગ્ર કેમ્પસ ગજવી મૂક્યું હતું.
NSUIનો આક્ષેપ છે કે યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલમાં લેવાયેલી http://B.Com સેમ-6 અને BAની પરીક્ષાના પરિણામ 4 મહિના બાદ પણ જાહેર કરવામાં આવ્યા નથી. પરિણામના અભાવે હજારો વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે એડમિશન લઈ શકતા નથી. ઘણા વિદ્યાર્થીઓની નોકરીની તકો પણ છીનવાઈ રહી છે.
હોબાળા બાદ યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ NSUIના આગેવાનો સાથે બેઠક કરી હતી. NSUIએ ચીમકી આપી હતી કે જો 48 કલાકમાં પરિણામ જાહેર નહીં થાય તો કુલપતિ કચેરી સામે આમરણાંત ઉપવાસ પર ઉતરવામાં આવશે.
કુલપતિએ ખાતરી આપી કે ટેકનિકલ કારણોસર પરિણામમાં વિલંબ થયો છે. પરીક્ષા વિભાગને સૂચના આપી દેવામાં આવી છે અને આગામી 2 દિવસમાં http://B.Com સેમ-6નું પરિણામ જાહેર કરી દેવાશે. BAનું પરિણામ પણ આગામી સપ્તાહ સુધીમાં જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ છે. કુલપતિની ખાતરી બાદ NSUIએ હાલ પૂરતો આંદોલન સમેટી લીધો છે.
(4:07 PM IST)










