તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
Gen-Z વિદ્યાર્થી આંદોલનને 'રાષ્ટ્રવિરોધી' ગણાવતા પ્રિન્સિપાલ સામે NSUI નેતા દિયાબા રાજપૂતનો ભારે આક્રોશ : હોદ્દા પરથી હાંકી કાઢવા કરી સખ્ત માંગ
વિદ્યાર્થીઓના અપમાન બદલ જાહેરમાં માફી માગવાની માંગ સાથે NSUI રાષ્ટ્રીય સંયોજક દિયાબા રાજપૂતે રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની આપી ચીમકી

રાજકોટ : નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયા દ્વારા દિલ્હીના જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા Gen-Z વિદ્યાર્થીઓને 'રાષ્ટ્રવિરોધી' અને 'પરદેશી ફંડિંગ' જેવા શબ્દોથી નવાજવામાં આવતાં વિવાદ સર્જાયો છે. આ શરમજનક નિવેદન સામે NSUI ના રાષ્ટ્રીય સંયોજક દિયાબા રાજપૂતે અત્યંત સખ્ત વિરોધ નોંધાવ્યો છે.
દિયાબા રાજપૂતે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, બેરોજગારી અને ૩૪ જેટલાં પેપર લીક થવાથી કંટાળીને ૨૧ યુવાનોએ આત્મહત્યા કરી ત્યારે મૌન રહેનારા સત્તાધીશો આજે પોતાના હક્ક માટે લડતા યુવાનોને બદનામ કરી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓનું વાતાવરણ ડહોળતા આવા તત્વો ભાજપની ચમચાગીરી બંધ કરે.
દિયાબા રાજપૂતે માંગ કરી છે કે દિનેશ ડઢાણીયાને તમામ શૈક્ષણિક અને સત્તાવાર હોદ્દા પરથી તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને તેઓ વિદ્યાર્થીઓની જાહેરમાં માફી માગે. જો ત્વરિત પગલાં લેવામાં નહીં આવે, તો દિયાબા રાજપૂતની આગેવાની હેઠળ સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
(11:52 AM IST)










