હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે સૌરાષ્ટ્રમાં જ મળશે અદ્યતન કેન્સર સારવાર!
આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્ર દર્દીઓને પણ મળશે સારવારનો લાભ : એઈમ્સ રાજકોટમાં ૭૫૦ના નિર્ધારિત દરે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધા શરૂ થશેઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સોમવારે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે : હાઈ એનર્જી લીનિયર એક્સીલરેટર, વાઈડ બોર સીટી સિમ્યુલેટર અને એચડીઆર બ્રેકીથેરાપી જેવી આધુનિક ટેકનોલોજીથી કેન્સરની વધુ ચોકસાઈપૂર્વક સારવાર શકય બનશે

રાજકોટ : સૌરાષ્ટ્ર અને કચ્છના કેન્સરના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. હવે કેન્સરની અદ્યતન રેડિયોથેરાપી સારવાર માટે મોટા શહેરો સુધી લાંબા અંતરની મુસાફરી કરવાની મજબૂરીમાં ઘટાડો થશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રયાસોથી એઈમ્સ રાજકોટ ખાતે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આગામી તા. ૨ નવેમ્બરના સોમવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાના હસ્તે આ સુવિધાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.
એઈમ્સ રાજકોટના રેડિયેશન ઓન્કોલોજી વિભાગમાં હાઈ એનર્જી લીનિયર એક્સીલરેટર, વાઈડ બોર સીટી સિમ્યુલેટર અને હાઈ ડોઝ રેટ (HDR) બ્રેકીથેરાપી યુનિટ જેવી અદ્યતન મશીનરી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી કેન્સરના દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક અને અસરકારક રેડિયોથેરાપી સારવાર મળી શકશે.
હાઈ એનર્જી લીનિયર એક્સીલરેટર દ્વારા IMRT, VMAT, IGRT, SRS, SRT અને SBRT જેવી આધુનિક સારવાર પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાશે. આ ટેકનોલોજી કેન્સરગ્રસ્ત ભાગને ચોક્કસ નિશાન બનાવી રેડિયેશન પહોંચાડવામાં મદદરૂપ બનશે. સાથે જ આસપાસના સ્વસ્થ અંગો અને પેશીઓને થતી અસર શકય તેટલી ઓછી રાખી શકાશે. જ્યારે વાઈડ બોર સીટી સિમ્યુલેટર દ્વારા દર્દીના શરીરની સ્થિતિ અનુસાર વિગતવાર ચિત્ર મેળવી સારવારનું ચોકસાઈપૂર્વક આયોજન કરી શકાશે.
આ ઉપરાંત HDR બ્રેકીથેરાપી યુનિટ દ્વારા પસંદગીના દર્દીઓને વિશેષ પ્રકારની રેડિયેશન સારવાર આપવામાં આવશે. આ પદ્ધતિમાં કેન્સરગ્રસ્ત ભાગની નજીકથી રેડિયેશન આપવામાં આવે છે. ખાસ કરીને ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશયના અંદરના ભાગનું કેન્સર તથા યોનિના કેટલાક પ્રકારના કેન્સરમાં આ સારવાર ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ સુવિધાનો સૌથી મોટો ફાયદો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને આસપાસના વિસ્તારોના દર્દીઓને મળશે. અત્યાર સુધી અદ્યતન કેન્સર સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે અન્ય મોટા શહેરો સુધી જવું પડતું હતું. હવે રાજકોટમાં જ આધુનિક સારવારની સુવિધા ઉપલબ્ધ થવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોનો મુસાફરીનો સમય, ખર્ચ અને માનસિક તણાવ ઘટશે.
ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ સારવાર માટે એઈમ્સ નવી દિલ્હી ખાતે લાગુ દર મુજબ એઈમ્સ રાજકોટમાં માત્ર રૂ.૭૫૦નો નિર્ધારિત દર રાખવામાં આવ્યો છે. બીજી તરફ કેટલીક ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રકારની સારવાર પાછળ આશરે રૂ.૨.૫૦ લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. આમ, સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારો માટે અદ્યતન કેન્સર સારવાર રાહતદરે મેળવવાની તક ઊભી થશે. આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ પાત્ર લાભાર્થીઓને યોજનાના નિયમો મુજબ આવરી લેવાતી સારવારનો લાભ પણ મળી શકશે.
એઈમ્સ રાજકોટમાં રેડિયોથેરાપી સેવાઓને કીમોથેરાપી અને સર્જિકલ ઓન્કોલોજી સાથે સંકલિત કરવામાં આવશે.સ્ત્રીરોગ, જનરલ સર્જરી, ઈએનટી અને ઓર્થોપેડિક્સ સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબોના સહયોગથી દર્દીના કેન્સરનો પ્રકાર, તબક્કો અને એકંદર આરોગ્યને ધ્યાનમાં રાખીને સારવારનું આયોજન કરવામાં આવશે.
આ સુવિધા માત્ર દર્દીઓની સારવાર પૂરતી સીમિત નહીં રહે, પરંતુ એઈમ્સના અનુતાાતક વિદ્યાર્થીઓની તાલીમની ગુણવત્તામાં પણ વધારો કરશે. સાથે જ કેન્સર સંશોધન ક્ષેત્રે નવી તકો ઊભી થશે. આધુનિક મશીનરી, નિષ્ણાત તબીબોની ટીમ અને રાહતદરે સારવારની ઉપલબ્ધતા સાથે એઈમ્સ રાજકોટ સૌરાષ્ટ્રના કેન્સર સારવાર ક્ષેત્રે એક નવું સીમાચિホ સ્થાપિત કરવા જઈ રહ્યું છે.










