<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

નવાગામમાં નામચીન સંજય ઉર્ફે ટકો અને દીપકે પોલીસમેનને ગાળો દઇ એપલ મોબાઇલ લૂંટી લીધો!

કોલ મળતાં જ ૧૧૨ જનરક્ષક ગાડી ૭ મિનીટમાં પહોંચી ગઇ છતાં મોડા આવ્‍યાનું કહી ડખ્‍ખો કર્યો દીપકના કન્‍ટ્રોલ રૂમના કોલને આધારે પોલીસ પહોંચી ત્‍યારે દીપકે મોડા આવ્‍યાનું કહી માથાકુટ કરીઃ એ વખતે સંજય ટકાએ પણ આવીને પોલીસમેન સાથે ઝપાઝપી કરીઃ ૪૦ હજારનો મોબાઇલ લૂંટી બંને ટુવ્‍હીલર પર ભાગ્‍યાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૩: શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા માટે રાત-દિવસ કાર્યરત પોલીસ જવાનો હવે અસામાજિક તત્‍વોના નિશાને હોય તેમ જણાય છે. કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનની ૧૧૨ જનરક્ષક વાનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્‍સ્‍ટેબલ પર નવાગામ આણંદપર પાસે બે શખ્‍સોએ હુમલો કરી, ઝપાઝપી કરી તેમની પાસેથી રૂપિયા ૪૦,૦૦૦ની કિંમતનો આઈફોન લૂટી લેવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે કફરજમાં રૂકાવટ અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુનામાં સામેલ બે શખ્‍સો પૈકી એક અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મુળ બગસરા ગોકુલપરાના અને હાલ માયાણીનગર ખીજડાવાળા રોડ પર હેતાં અને કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતાં વિશાલભાઇ નરેશભાઇ વઘાસીયા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી નવાગામ આણંદપરમાં રહેતાં સંજય ઉર્ફે ટકો રોજાસરા અને દીપક પલારીયા વિરૂધ્‍ધ ફરજમાં રૂકાવટ અને લૂંટનો ગુનો નોંધી બંનેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગત મુજબ કોન્‍સ્‍ટેબલ વિશાલભાઈ વઘાસીયા ૧૨મીએ રાત્રિના સમયે ૧૧૨ જનરક્ષક વાનમાં  બેડી ગામ ખાતે હતાં. ત્‍યારે તેની સાથે  ડ્રાઈવર પ્રભાતભાઈ પણ  ફરજ પર હતા. દરમિયાન રાત્રિના ૧૦:૨૮ કલાકે કંટ્રોલ રૂમ તરફથી કોલ મળ્‍યો હતો કે નવાગામ આણંદપરની રંગીલા સોસાયટીમાં દીપકભાઈ નામના વ્‍યક્‍તિના ઘર પાસે કેટલાક લોકો ઝઘડો કરવા આવ્‍યા છે. કોલ મળતાની સાથે જ કોન્‍સ્‍ટેબલ વિશાલભાઈ માત્ર સાત જ મિનિટમાં એટલે કે ૧૦:૩૫ વાગ્‍યે નવાગામ સોમનાથ રેસીડેન્‍સી સામે પહોંચ્‍યા હતા.

પોલીસ ટીમ સ્‍થળ પર પહોંચી અને કોલ કરનાર દીપકભાઈ ઉર્ફે ભુરો પલારીયાને મળી હતી અને શું માથાકુટ છે તેની પૃછા કરી હતી. ત્‍યારે ત્‍યારે દીપકે પોલીસ સાથે ઉધ્‍ધત વર્તન ચાલુ કર્યુ હતું અને તમે કેમ મોડા આવ્‍યા? તેવું કહી બોલાચાલી શરૂ કરી હતી. આથી કોન્‍સ્‍ટેબલ વિશાલભાઇએ કોલ મળતાંની સાથે જ આવ્‍યા છીએ તેવું કહ્યું હતું. આ દરમિયાન ત્‍યાં હાજર સંજય ઉર્ફે ટકો રોજાસરા નામના શખ્‍સે પણ પોલીસ કોન્‍સ્‍ટેબલ વિશાલભાઈ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. તેને ગાળો બોલવાની ના પાડતાં તે વધુ માથાકુટ કરવા માંડયો હતો. મામલો એટલો બિચકયો હતો કે બાદમાં દીપક અને સંજય ઉર્ફે ટકો બંનેએ મળી પોલીસમેન વિશાલભાઇનો એપલ કંપનીનો આઈફોન ૧૪ પ્‍લસ કિંમત રૂ. ૪૦,૦૦૦નો ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી. પોલીસ કોન્‍સ્‍ટેબલને શારીરિક રીતે અડચણ ઊભી કરી અને તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ નાખી, દીપક પલારીયા અને સંજય રોજાસરા બંને એક એક્‍સેસ મોટરસાઈકલ પર સવાર થઈને ભાગી ગયા હતા. આ મોટરસાઈકલની નંબર પ્‍લેટ પર આગળના ભાગે ૭૭ લખેલા હતાં.  ફરજ પરના પોલીસ જવાન સાથે થયેલી આ લૂંટ અને હુમલાની ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. કોન્‍સ્‍ટેબલ વિશાલભાઈએ આ બાબતે સંજય ઉર્ફે ટકો અને દીપક પલારીયા વિરૂધ્‍ધ કુવાડવા રોડ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવતાં પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ અજયરાજસિંહ બી. ઝાલા સહિતે તપાસ શરૂ કરી છે. બે આરોપીઓ પૈકીનો સંજય ઉર્ફે ટકો અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે અને પાસાની હવા પણ ખાઇ ચુક્‍યો છે. વિસ્‍તારમાં પણ તે માથાભારેની છાપ ધરાવતો હોવાનું લોકોનું કહેવું છે.

(3:46 PM IST)