<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

કુખ્‍યાત સંજય ઉર્ફે ટકો હવે ‘ધારીયાધારી' બન્‍યો મહિલાને ધમકી આપી બે વાહનોમાં તોડફોડ કરી

‘શેરીમાં બહાર બેસવુ નહી, વાહન રાખવુ નહી' કહી ગુંડાગીરી નવાગામની રંગીલા સોસાયટીમાં રહેતા ભાવનાબેન ધોપળને ધમકી આપી ધારીયાથી કારના કાચ તોડી આતંક મચાવતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટઃ તા.ર૧, શહેરમાં અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા કુખ્‍યાત નવાગામના સંજય ઉર્ફે ટકાએ ફરી ‘લખણ'ઝળકાવ્‍યા છે. શેરીમાં ઘર પાસે બેસેલી મહિલાને બહાર બેસવાની અને શેરીમાં વાહન નહી રાખવાનું કહી ધારીયા વડે સરાજાહેર આંતક મચાવી મહિલાની ઘર પાસે પાર્ક કાર અને ટુવ્‍હીલરમાં તોડફોડ કરતા સ્‍થાનિકોમાં ભય ફેલાયો હતો. કુવાડવા રોડ પોલીસે કુખ્‍યાત સંજય ઉર્ફે ટકા સામે ગુનો દાખલ કરી તેને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

નવાગામ (આણંદપર)માં રંગીલા સોસાયટીમાં માધવી સ્‍કુલની સામે રહેતા ભાવનાબેન હરજીભાઇ ધોપળ (ઉ.વ. પર)એ આ મામલ એ જ વિસ્‍તારમાં રહેતા કુખ્‍યાત સંજય ઉર્ફે ટકો વાઘજીભાઇ રોજાસરા સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્‍યુ કે તે ઘરકામ કરે છે સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણેયના લગ્ન થઇ ગયા છે.  તેના પતિનું બારેક વર્ષ પહેલા અવસાન થયું છે.

ગઇકાલે સાંજે ચારેક વાગ્‍યે તે ઘરની બહાર ઓટલે બેઠા હતા ત્‍યારે તેની જ શેરીમાં રહેતો આરોપીસંજય ઉર્ફે ટકો મોટા અવાજે ગાળો બોલતો હતો, ત્‍યારબાદ તેના ઘર પાસે આવી ‘શેરીમાં બહાર કોઇને બેસવુ઼ નહી અને શેરીમાં કોઇ વાહન રાખવું નહી' તેમ કહી ગાળો આપવા લાગ્‍યો હતો.તેણે ગાળો આપવાની ના પાડતા આરોપી ઘરેથી લોખંડનું ધારીયું લઇ આવ્‍યો હતો. બાદમાં ‘શેરીમાં કોઇએ વાહન મુકવા નહી' કહી તેના ઘર પાસે પાર્ક તેની ઇકો કારમાં ધારીયાના ઘા ઝીંકી કારના ત્રણેય સાઇડના કાચ તોડી નાખ્‍યા હતા એટલું જ નહી નજીકમાં પેલ તેના એકસેસમાં પણ ધારીયાના ઘા ઝીકી તોડફોડ કરી હતી.

ત્‍યારબાદ આરોપીએ ‘ જો હવે શેરીમાં વાહનો રાખ્‍યા તો હું તમને એકાદાને જાનથી મારી નાખીશ' કહી ધમકી મોટેથી ગોળો બોલવા લાગ્‍યો હતો. આ સમયે તેના ભાઇનો દિકરો શૈલેષ ત્‍યાં આવી જતા તેણે પોલીસ બોલાવી હતી બાદમાં કુવાડવા પોલીસ મથકે પહોંચી આ મામલે ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. એન.એમ. શિરોળીયાએ કુખ્‍યાત સંજય ઉર્ફે ટકા સામે  ગુનો દાખલ કર્યો હતો. કુવાડવા રોડ પોલીસના પીઆઇએ. એન. જાનીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. યુ.કે. વિઝુડાએ આ મામલે વધુ તપાસ હાથ ઘરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સંજય ઉર્ફે ટકો અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો છે જેમાં પોલીસ પર હુમલો, લૂંટના ગુનો પણ સામેલ છે.

(3:08 PM IST)