તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
માનવ અધિકાર મંચમાં ફરિયાદ કરતા પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવાઇઃ કાલે સુનાવણી
લોકસંસદ વિચારમંચના ધરણાના કાર્યક્રમને મંજુરી છતાં પોલીસ દ્વારા ડિટેઇન કરતા દિલ્હી ખાતે જંતરમંતર ઉપર સોનમ વાંગચૂકના સમર્થનમાં પોલીસે ધરણાનો કાર્યક્રમ યોજવા દિધો ન હતો

રાજકોટઃતા.૯,લોકસાંસદ વિચારમંચના ધરણાના કાર્યક્રમને મંજુરી છતા પોલીસ દ્વારા ડિટેઇન કરતા આ અંગે માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરતા પંચ દ્વારા પોલીસ કમિશ્નરને નોટીસ પાઠવાઇ છે અને કાલે સુનાવણીમાં જવાબદાર પોલીસ અધિકારીને હાજર રહેવા હુકમ કરાયો છે.
લોકસંસદ વિચાર મંચ અને જાગળત નાગરિકોની સંયુક્ત યાદી મુજબ દિલ્હી ખાતે જંતર મંતર પર સોનમ વાંગચૂંકના સમર્થનમાં NEET માં પારદર્શિતા અંગે, વિદ્યાર્થીઓના હિતમાં મંચ દ્વારા લોકશાહી ઢબે શિસ્તબધ્ધ રીતે શાંતિપૂર્ણ તારીખ ૧૯/૦૭/૨૦૨૬ રાજકોટના ભક્તિનગર સર્કલ ખાતે સાંજના સમયે ધરણા યોજવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરના હકારાત્મક વલણના પગલે ઘરણાં અંગેની મંજૂરી નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ રાજકોટ શહેર જગદીશ દ્વારા તારીખ ૧૮/૭/૨૦૨૬ ના પત્રથી મંજૂરી આપવામાં આવી હતી. ભક્તિનગર સર્કલ ખાતે ધરણા યોજવામાં આવે એ પહેલા પોલીસે ધરણાના કાર્યક્રમ ઉપર ધરણાની મંજૂરી માંગનાર ગજેન્દ્રસિંહ ઝાલા અને સંસ્થાના આંદોલનકારીઓ દિલીપભાઈ આસવાણી, પ્રવીણભાઈ લાખાણી, કમલેશભાઈ જોટંગીયા એડવોકેટ ઈન્દુભા રાઓલ, કાંતિભાઈ પ્રજાપતિ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, જયંતીભાઈ હિરપરા સહિતના આઠ આંદોલનકારીને રાજકોટ શહેરની પોલીસની જુદી જુદી ટીમો બનાવી આંદોલનકારીઓના નિવાસસ્થાને અને ભક્તિનગર સર્કલ ખાતેથી ત્રિકોણ બાગ ખાતેથી જામનગર રોડ ઉપરથી જુદા જુદા સ્થળોથી આંદોલનકારીઓને ડીટેઇન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. મંજૂરી હોવા છતાં મંજૂરી રદ થઈ છે કે કેમ તેની જાણ સંસ્થાને કરવામાં આવી નહોતી. કયા કારણોથી ડીટેઇન કરવામાં આવ્યા છે તે અંગેની જાણ પણ સંસ્થાને કે અટકાયતમાં લેવાયેલ કોઈ પણ આંદોલનકારીને કરવામાં આવી નહોતી.
ભારતીય બંધારણમાં શિસ્તબધ્ધ રીતે લોકશાહીઢબે દરેક નાગરિકોને વિરોધાત્મક કાર્યક્રમો આપવા માટેના અધિકારો આપેલ છે ભારતીય બંધારણમાં સ્વતંત્રનો અધિકાર (અનુચ્છેદ ૧૯ થી ૨૨) માં (૨) નંબરથી જાહેર સ્થળે એકઠા થવાની સ્વતંત્રતા (શાંતિપૂર્વક અને હથિયાર વિના) આપવામાં આવી છે. પોલીસની મંજૂરી લેવામાં આવી હોવા છતાં કરવામાં આવેલી અટકાયતો એ ગેર બંધારણીય અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હોય જે અટકાયતી પગલાં ને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગર ખાતે પડકારવામાં આવેલ સંસ્થાના મોભી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીએ માનવ અધિકાર પંચમાં ગેરકાયદેસર અટકાયત અંગે લેખિતમાં રાવ કરી હતી.
આ ફરિયાદના પગલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડો. કે. જે. ઠાકર દ્વારા તારીખ ૧૦/૦૮ ના પત્ર ક્રમાંક રાજકોટ શહેર/૭૬/૨૬ થી રાજકોટ શહેર પોલીસ કમિશનરને હુકમ કરવામાં આવેલ છે કે ધરણા ની મંજૂરી હોવા છતાં અટકાયતી પગલા લેવામાં આવ્યા હોય ત્યારે સંબંધિત પોલીસ અધિકારીને તારીખ ૧૦/૦૯/૨૦૨૬ થી બપોરના એક વાગ્યે વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો છે. અને કામનો અહેવાલ આ કામની સુનાવણી પહેલા આયોગ સમક્ષ રજૂ કરી દેવા સૂચિત કરવામાં આવેલ છે. તેમ લોક સંસદ વિચાર મંચના દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, એડવોકેટ ઈન્દુભા રાઓલ તથા જયંતીભાઈ હિરપરાની યાદીમાં જણાવાયું છે
(3:41 PM IST)










