તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
કેનાલ રોડ પર ઝેરી પ્રદુષણ ફેલાવતા મશીનનો ધમધમાટ
ક્રિષ્ના ચેમ્બર બિલ્ડિંગમાં સીટ કાપવાનું મશીન ગેરકાયદે ચાલે છેઃ ઝેરી હવાથી લોકો ત્રાહીમામ તંત્રને ફરિયાદ કરવામાં આવી તો અધિકારીઓને ‘સમજાવી' લીધા?: ઝેરી મશીન વટથી ચાલે છેઃ અન્ય ગેરકાનુની પ્રવૃતિની પણ આશંકાઃ મહાપાલિકા અને પોલીસ તંત્રને પડકારઃ હિતેશભાઇ રાયચુરાની રજુઆત

રાજકોટ તા.૨૬: રાજકોટમાં ઝેરી હવા મોટો પડકાર બની ગયો છે, પણ તંત્ર તેને વધારે પ્રોત્સાહન આપતુ હોય તેમ લાગે છે. સતત ધમધમતા કેનાલ રોડ પર ઝેરી પ્રદુષણ ફેલાવતુ મશીન ગેરકાયદે ધમધમી રહયુ છે. આ મામલે ફરિયાદ કરવામાં આવી તો અધિકારીઓને સમજાવી લેવાયા હોવાના આક્ષેપો થયા છે.
આ અંગે એક પીડિત વ્યાપારી હિતેશભાઇ રાયચુરાએ વિવિધ તંત્રમાં રજુઆતો કરી છે પણ આヘર્ય છે કે, ઝેરી પ્રદુષણ કરતુ ગેરકાયદે મશીન વટથી ધમધમે છે.
કેનાલ રોડ ઉપર ક્રિષ્ના ચેમ્બર (રામ ઓૈર શ્યામ ગોલાવાળા તથા સરગમ કલબની બાજુમાં)માં પ્રથમ તેમજ બીજા માળે ૪ ઓફીસો રાખી એમા બેનર તથા અક્ષરો બનાવવાના અલગ અલગ મશીનો ચલાવે છે.
બીજા માળે એક્રંલીક સીટ કરવાનું કટીંગ મશીન છે જેમાં મશીન ચાલુ કરે ત્યારે અત્યંત ઝેરી વાયુ અને ધુમાડો નીકળે છે. જેનાથી આજુબાજુમાં રહેતા લોકોને શ્વાસ રૂંધાવો આંખો બળવી તેમજ ખંજવાળ અને ફેફસાની બીમારી થાય છે. આવા મશીન જીઆઇડીસીમાં જ ચલાવવાના હોય છે. પરંતુ આ લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર સીટીની વચ્ચે કોર્મશીયલ કોમપ્લેકસમાં આ મશીન ચલાવે છે.
શ્રી રાયચુરા કહે છે કે, આ મશીન જયા ચાલે છે તેની સામે જ અમારી ઓફીસ આવેલી છે જેમાં અમો ‘ચા' ના પેકીંગનું કામ બી.આર. એન્ટરપ્રાઇઝના નામે ચલાવીએ છીએ.
ઝેરી પ્રદૂષણ અંગે આરએમસીમાં ઓનલાઇન કમ્પલેન કરી અને જણાવ્યુ કે આ મશીન કેટલુ નુકશાનકારક છે અને અમારૂ બીલ્ડીંગ પણ જર્જરીત હાલતમાં છે અને આ મશીનમાં મે થોડી પણ બેદરકારી રાખવામાં આવેતો ભયંકર આગ લાગી શકે છે. આ ૪ વિભાગમાં ઓનલાઇન અરજી કરી. અનેક સ્થાને રજૂઆતો થઇ પણ મશીન વટથી ચાલે છે.
શ્રી રાયચુરા કહે છે કે, મેયરશ્રીને રજૂઆત કરી તેઓએ અમારી અરજી લઇ આરએમસીમાં મૌલીકભાઇ ટાંકને તપાસ આપી પરંતુ તેમણે પણ રૂબરૂ સ્થળ પર મશીન જોવા કે પરિસ્થિતી જોવા આવવાના બદલે પછી કોઇ જ જવાબ નહી, અમોએ ફરી મેયર ને ફરી વાત કરી તો તેઓએ કહયુ કે, ૧૦૦ -૧૧ર માં કોલ કરો, કેમ કે, આ મેટર આરએમસીમાં નથી આવતી... પોલીસમાં અમો બહુજ અરજી કરી તો તેઓએ કહ્યું કે આ મેટર આરએમસીમાં આવે. ૧૧ર માં કોલ કરેલો તો રૂબરૂ આવેલ અધિકારીએ જોયુ કે આ મશીનમાંથી તો બોવજ વાસ આવે છે. પછી એ. ડીવીઝન માંથી ૩-૪ પોલીસ કર્મચારી આવેલ પણ કંઇ થયુ નહિં.
ગેરકાયદે મશીન ચલાવનાર વટથી કહે છે કે, મશીન ચાલશે જ, જેમને રજૂઆત કરવી હોય તેને કરો.
શ્રી રાયચુરા કહે છે કે, ઝેરી પ્રદુષણ ફેલાવનારા પાસે ભાડા કરાર પણ નહિ હોય. પરપ્રાંતીય મજૂરોનું વેરીફિકેશન છે કે, નહિ તે પણ તપાસવું જરૂરી છે. ફાયર સેફટી અંગે પણ તપાસ થવી જોઇએ.
ગેરકાયદે મશીન અંગે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઇ રહી છે.
યુવાન પુત્રને સેલિબલ પાલ્સીઃ મશીનનો ઝેરી ધૂવાડો ઘાતક
રાજકોટ, તા. ર૬: હિતેશભાઇ રાયચુરા કહે છે કે, મારો દિકરો સેલ્બિસ પાલ્સી (જન્મતાવેત ખેંચ આવતા) નો શિકાર છે, આજે એ ર૩ વર્ષનો છે છતા નોર્મલ જીંદગી નથી જીવી શકતો, એ દરરોજ મારી સાથે ઓફીસે આવે અને અમારા કોમ્પલેકસની ગેલેરીમાં ચાલે કે બેસે કેમ કે એ બંધનમાં નથી રહી શકતો. મશીનથી તેમની તકલીફ વધી ગઇ છે.
આ મશીનથી તો ખુબજ નુકશાન થાય છે. એ ચાલુ કરે ત્યારે એમાંથી અત્યંત ઝેરી વાયુ અને ધુમાડો નીકળે છે. હવે મને સમજાયુ કે મશીનના માલીક અને એમનાભાઇ કે પપ્પા કેમ કયારેય આ મશીન પાસે નથી આવતા અને એમના માણસો મશીન ચાલુ કરી કેમ નીચે ચાલ્યા જાય છે. શ્રી રાયચુરા કહે છે કે, આ મશીન હટાવવા માટેની સફરમાં દરરોજની માથાકુટ અને આરએમસીના તથા અલગ અલગ વિભાગો જીપીસીબી/ફાયર/પોલીસ બધામાં રજુઆત કરી પણ આજેય પરીણામ શુન્ય છે અને ‘શિવાંશ ડીઝીટલ' તથા કલર સીટી ક્રિયેશનના માલીક કેનાલ રોડ ઉપર ક્રિષ્ના ચેમ્બરમાં કોમર્શીયલ કોમ્પલેક્ષમાં બધા સરકારી વિભાગો સાથે વહીવટ કરી બિન્દાસ મશીન ચલાવે છે
(3:16 PM IST)










