તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
મનપાના સ્થાપના દિને બોલિવૂડની ઝાકમઝોળ નહીં : સૂફી સંગીતની મહેફિલ જામશે!
રેસકોર્સ મેદાનને બદલે પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમમાં ઇનડોર મ્યુઝિકલ નાઇટ યોજાશે : પ્રથમ વખત કલાકારોની પસંદગી માટે ટેન્ડર પ્રક્રિયા, આજે રાત્રે ખુલશે ભાવપત્રકો મટકી ફોડ, શરદ ઉત્સવ અને દિવાળી કાર્નિવલ બાદ સાંસ્કળતિક કાર્યક્રમોની વણઝાર યથાવત : ડિસેમ્બરમાં અશ્વ શો યોજવા પણ મનપાની વિચારણા

રાજકોટ, તા.,૧૭ : મ્યુનિ.કોર્પોરેશનના ૫૩મા સ્થાપના દિવસની તા. ૧૯ નવેમ્બરે વિશેષ ઉજવણી કરવામાં આવશે. જોકે આ વખતે રેસકોર્સ મેદાનમાં બોલિવૂડના ખ્યાતનામ ગાયકોની મોંઘીદાટ મ્યુઝિકલ નાઇટ યોજવાના બદલે પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમમાં સૂફી સંગીતની મહેફિલ જમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાએ ખર્ચમાં કરકસર સાથે નાગરિકોને મનોરંજન પૂરું પાડવાની દિશામાં આયોજન હાથ ધર્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે દર વર્ષે વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વખતે ખુલ્લા મેદાનમાં ભવ્ય કાર્યક્રમ યોજવાને બદલે ઇનડોર મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૂફી સોંગ્સની પ્રસ્તુતિ દ્વારા સંગીતપ્રેમી રાજકોટવાસીઓને મનોરંજન પૂરું પાડવામાં આવશે.
મહત્ત્વની વાત એ છે કે, મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત મ્યુઝિકલ નાઇટ માટે પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિવિધ મ્યુઝિકલ ગ્રૂપોને આમંત્રિત કરવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડર આજે રાત્રે ખુલશે. ત્યારબાદ કાર્યક્રમ માટે કલાકારો અને ગ્રૂપની પસંદગી અંગે નિર્ણય લેવાશે. ઓછામાં ઓછા ખર્ચે વધુ સારું મનોરંજન પૂરું પાડવાનો મનપાનો પ્રયાસ હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકામાં એક પછી એક સાંસ્કળતિક કાર્યક્રમોની જાણે વણઝાર શરૂ થઈ છે. મટકી ફોડ, શરદ ઉત્સવ અને દિવાળી કાર્નિવલ જેવા કાર્યક્રમો બાદ હવે સ્થાપના દિવસની ઉજવણી માટે સૂફી સંગીતની મહેફિલ યોજાશે. એટલું જ નહીં, આગામી ડિસેમ્બર મહિનામાં અશ્વ શો યોજવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. આ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી શકયતા છે.
(4:04 PM IST)










