<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

શહેરનાં વધુ નવ ટ્રાફિક સર્કલની કાયાપલટ થશે

સંતકબીર રોડ, પેડક રોડ, ૮૦ ફૂટ રોડ, માધાપર-એઇમ્‍સ રોડ, રેલનગર અને રેલવે સ્‍ટેશન સામેના સાધુ વાસવાણી ચોકનો સમાવેશઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધઃ ૧ કરોડથી વધુ આવકનો મનપા તંત્રને અંદાજ

રાજકોટ, તા.૨૩: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં વધુ નવ ટ્રાફિક સર્કલને જનભાગીદારીના ધોરણે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ સર્કલ પાંચ વર્ષ માટે વાર્ષિક પ્રીમિયમના આધારે ઓપરેશન અને મેઇન્‍ટેનન્‍સ સહિત આપવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા આ અંગે તાજેતરમાં ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે.

મ્‍યુનિસિપલ સૂત્રોના જણાવ્‍યા અનુસાર રાજકોટ શહેરના ઇસ્‍ટ અને સેન્‍ટ્રલ ઝોનના મુખ્‍ય રસ્‍તાઓ પર આવેલા નવ ટ્રાફિક સર્કલ તથા આઇલેન્‍ડનો સમાવેશ કરવામાં આવ્‍યો છે , તેમાં ૧. જલગંગા ચોક, સંતકબીર રોડ, ૨. સેટેલાઇટ ચોક, પેડક રોડ, ૩. બાલક હનુમાન ચોક, પેડક રોડ, ૪. આહીર સર્કલ, નહેરુનગર ૮૦ ફૂટ રોડ, ૫. ચુનારાવાડ ચોક સર્કલ, ૬. માધાપર મેઇન રોડ-એઇમ્‍સ રોડ જંક્‍શન સર્કલ, ૭. સ્‍વ. નારણભાઈ કુંગસિયા ચોક, વોર્ડ ઓફિસ નં. ૩-ડી સામે, રેલનગર, ૮. સ્‍વામિનારાયણ ચોક, કળષ્‍ણનગર મેઇન રોડ તથા ૯. રેલવે સ્‍ટેશન સામેનો સાધુ વાસવાણી ચોકનો સમાવેશ થાય છે.

આ તમામ સર્કલ અને આઇલેન્‍ડને પીપીપી ધોરણે વિકસાવવા તેમજ પાંચ વર્ષ સુધી તેના ઓપરેશન અને મેઇન્‍ટેનન્‍સના અધિકારો વાર્ષિક પ્રીમિયમના આધારે આપવા ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યું છે.

ઓફર માટે ૫ ઓક્‍ટોબર સુધીની સમયમર્યાદા

ટ્રાફિક સર્કલ મેળવવા ઇચ્‍છુક સંસ્‍થાઓ અને પેઢીઓએ દરેક સર્કલ તથા આઇલેન્‍ડ માટે નિયત કરાયેલા અપસેટ વાર્ષિક પ્રીમિયમ સાથે પોતાની ઓફર આગામી તા. ૫ ઓક્‍ટોબરના સાંજે ૬ વાગ્‍યા સુધીમાં મોકલવાની રહેશે.

સર્કલ કે આઇલેન્‍ડ ડેવલપમેન્‍ટ માટેની કોઈ પણ ઓફર રૂબરૂ સ્‍વીકારવામાં આવશે નહીં. ઉપરાંત નિયત સમયમર્યાદા બાદ મળેલી ઓફર માન્‍ય ગણવામાં આવશે નહીં. ઓફર રજૂ કરતી વખતે કવર ઉપર કયા સર્કલ અથવા આઇલેન્‍ડ માટે ઓફર આપવામાં આવી છે તેનું નામ સ્‍પષ્ટ રીતે દર્શાવવાનું રહેશે.

વધુ માહિતી માટે રાજકોટ મહાનગર પાલિકાની વેબસાઇટ અથવા ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ શાખા, મલ્‍ટી એક્‍ટિવિટી સેન્‍ટર, ત્રીજો માળ, નાનામવા ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે.

ટ્રાફિક સર્કલને વાર્ષિક પ્રીમિયમના આધારે વિકસાવવાના નિર્ણયથી મહાનગર પાલિકાને દર વર્ષે લાખો રૂપિયાની આવક થઈ રહી છે. પરિણામે તંત્ર હવે ટ્રાફિક સર્કલ ડેવલપમેન્‍ટને આવકના સ્‍વતંત્રસ્ત્રોત તરીકે પણ નિહાળી રહ્યું છે. પ્રીમિયમના આધારે આપવામાં આવેલા ટ્રાફિક સર્કલથી રાજકોટ મહાનગર પાલિકાને વાર્ષિક અંદાજે રૂ.એક કરોડથી વધુની આવક થતી હોવાનો પ્રાથમિક અંદાજ છે. (રર.૧૪)

નવા ભળેલા વિસ્‍તારોના સર્કલ પણ વિકસાવાશે

આગામી દિવસોમાં શહેરનાં વધુ ટ્રાફિક સર્કલ વિકસાવવા માટે ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં નવા ભળેલા મોટામવા, માધાપર, મુંજકા, મનહરપુર-૧, ઘંટેશ્વર, કોઠારિયા અને વાવડી ઉપરાંત ન્‍યૂ રિંગ રોડ વિસ્‍તારના સર્કલ વિકસાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમ જાણવા મળે છે.

(3:01 PM IST)