News of Friday, 6th November 2026
રેલનગરનો નિખીલ કોઠારીયા રહેતી સ્કૂલ કર્મચારી સાળી અને સસરાને છેતરીને રૂા. ૫.૬૧ લાખ ખાઇ ગયો
સાળીએ ઉછીના આપેલા ૨.૮૦ લાખ પરત મેળવવામાં મદદ કરી આ રકમ પોતે રાખી લીધી, સસરાનું એટીએમ કાર્ડ બઠ્ઠાવી ૨.૮૧ લાખ ઉપાડી લીધાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો સાળી નિધીબેન ગોહેલને તારા પર કેસ થયો છે એવુ ખોટુ કહી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના નામે એક્ટીવા પણ લઇ ગયો!

રાજકોટ તા. ૬: શહેરના કોઠારીયા મેઇન રોડ પર આવેલી રામ રણુજા સોસાયટીમાં રહેતી સ્કૂલ કર્મચારી યુવતિ સાથે સગા બનેવીએ ઠગાઇ આચરી રૂા. ૫,૬૧,૦૦૦ પડાવી લીધા છે તેમજ તારા પર પોલીસ કેસ છે, વાહન જમા કરાવવાનું છે કહી તેણીનું ૫૭ હજારનું એક્ટીવા પણ લઇ જઇ માથે જતાં જો રૂપિયા કે વાહનની ઉઘરાણી કરીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપતાં યુવતિએ પોલીસની મદદ લીધી છે. યુવતિના નાણા ફસાયા હોઇ બનેવીએ અરજી કરવામાં મદદ કરી રૂા. ૨,૮૧,૦૦૦ પરત આવ્યા તે પોતાની પાસે રાખી લીધા હતાં, તેમજ ઘરમાંથી સસરાનું એટીએમ કાર્ડ બઠ્ઠાવી લઇ તેના દ્વારા સસરાના ખાતામાંથી પણ ૨,૮૧,૦૦૦ ઉપાડી લીધા હતાં.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રામરણુજા સોસાયટી-૩માં રહેતાં અને લીટલ કીડ્સ સ્કૂલમાં નોકરી કરતાં નિધીબેન મનસુખભાઇ ગોહેલ (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી તેના સગા બનેવી નિખીલભાઇ રાજેશભાઇ ચંદારાણા (રહે. રેલનગર) વિરૂધ્ધ રૂા. ૫,૬૧,૦૦૦ રોકડા અને ૪૭ હજારનું એક્ટીવા ઠગાઇ કરી પડાવી જવાનો ગુનો નોંધ્યો છે. નિધીબેનમાતા-પિતા સાથે રહે છે અને કોઠારીયા રોડ પર આવેલી સ્કૂલમાં નોકરી કરે છે. તેણીના મોટા બહેન દિક્ષીતાબેને રેલનગરના નિખીલભાઇ ચંદારાણા સાથે લવમેરેજ કર્યા છે. તેણીના પિતા કડીયા કામની મજુરી કરે છે. ફરિયાદમાં નિધીબેને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪માં પોતાની સાથે નોકરી કરતા હિમેશભાઈ જોષીને રૂ. ૨,૮૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત ન મળતા તેણીએ બનેવી નિખીલભાઇને વાત કરતાં બનેવીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં હિમેશભાઇ વિરૂધ્ધ અરજી કરાવી હતી.
પોલીસે અરજીની તપાસ કર્યા બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં હિમેશભાઈ તથા તેમના પિતાએ નોટરી કરાર કરીને પ્રથમ રૂ. ૧,૯૫,૦૦૦ અને ત્યારબાદ રૂ. ૮૫,૦૦૦ એમ કુલ રૂ. ૨,૮૦,૦૦૦ પરત આપ્યા હતા. તે વખતે નિધીબેનના બનેવી નિખીલભાઇ ચંદારાણાએૅઆ રૂપિયા અત્યારે હું લઈ જાઉં છું અને કાલે તારા ખાતામાં જમા કરાવી દઈશ તેમ કહી રકમ પોતાની પાસે રાખી લીધી હતી. ત્યારબાદ તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ નિખીલભાઇએ સાળી નિધીબેનની સ્કૂલે જઈને એવુ ખોટુ કહ્યું હતું કે-તારી સામે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કેસ થયો છે અને તારું એક્ટિવા ત્યાં જમા કરાવવાનું છે. આમ કહીને રૂ. ૪૭,૦૦૦ની કિંમતનું એક્ટિવા જીજે૦૩પીકે-૭૮૩૦ તથા તેની આર.સી. બૂક લઈ ગયો હતો જે આજ સુધી પાછુ આપ્યું નથી.
આ દરમિયાન નિધીબેનના પિતા મનસુખભાઈ ગોહેલ ે નાગરીક બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા ગયા ત્યારે તેમના ખાતામાંથી રૂ. ૨,૮૧,૦૦૦ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે તા. ૧૮/૦૪/૨૦૨૬ થી તા. ૨૧/૦૪/૨૦૨૬ દરમિયાન એટીએમ કાર્ડ વડે અલગ-અલગ સમયે આ રકમ ઉપાડીને નિખીલભાઇ ચંદારાણાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઘરમાં તપાસ કરતા કબાટમાંથી એટીએમ કાર્ડ ગાયબ હતું, જે નિખીલભાઇ ઘરે આંટો મારવા આવ્યો ત્યારેલઇ લીધું હોવાની કબૂલાત કરી હતી.
રૂપિયા ૨,૮૦,૦૦૦ રોકડા, એટીએમ દ્વારા ઉપાડેલા રૂ. ૨,૮૧,૦૦૦ મળી કુલ રૂ. ૫,૬૧,૦૦૦ અને રૂ. ૪૭,૦૦૦નું એક્ટિવા મળી કુલ રૂ. ૬,૦૮,૦૦૦ની મત્તા પરત માંગતા બનેવીએ ઉશ્કેરાઈ જઇ સાળીને હવે રૂપિયા માંગતી નહીં નહીતર ઘરે આવીને તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અંતે નિધીબેને આજીડેમ પોલીસમાં જાણ કરતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. આર. ડી. ડાંગરે ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ પીએસઆઇ ડી. કે. ધાંધલાએ હાથ ધરી છે.
(12:21 PM IST)










