<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

શહેર લારી-ગલ્લાધારકો માટે નવી વ્‍યવસ્‍થાઃ મનપાની હોકર્સ પોલિસીનો ડ્રાફટ તૈયાર

હોકર્સને ધંધા માટે યોગ્‍ય સ્‍થળ-સુવિધા આપવાની કવાયત : ટ્રાફિક સ્‍વચ્‍છતા અને જાહેર વ્‍યવસ્‍થાનું પણ રહેશે ધ્‍યાન : ૧૪ સપ્‍ટેમ્‍બર સુધી હોકર્સ-વેપારીઓ અને નાગરિકોને સુચનો આપવા નેહલ શુકલ, મોહિતસિંહ જાડેજા તથા જાનકીબેન કાટોળિયાનો અનુરોધ

રાજકોટ, તા.૧૧  શહેરમાં રસ્‍તા પર લારી-ગલ્લા અને હોકિંગનો વ્‍યવસાય કરતા નાના વેપારીઓને વ્‍યવસ્‍થિત રીતે રોજગાર માટે સ્‍થળ અને જરૂરી સુવિધાઓ મળી રહે તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકાએ મહત્‍વની કવાયત હાથ ધરી છે. મનપા દ્વારા હોકર્સ માટે ડ્રાફ્‌ટ પોલિસી તૈયાર કરી તેના પર હોકર્સ, નાના વેપારીઓ તેમજ નાગરિકો પાસેથી તા. ૧૪ સપ્‍ટેમ્‍બર સુધી સૂચનો મંગાવવામાં આવ્‍યા છે.ડ્રાફ્‌ટ પોલિસીનો મુખ્‍ય ઉદ્દેશ હોકર્સના રોજગારના હિતનું રક્ષણ કરવાની સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્‍યા ન સર્જાય, સ્‍વચ્‍છતા જળવાઈ રહે અને જાહેર વ્‍યવસ્‍થા સુચારુ રહે તે રીતે હોકિંગ માટે વ્‍યવસ્‍થિત માળખું ઊભું કરવાનો છે. ડ્રાફ્‌ટ પોલિસી રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

મેયર ડૉ. નેહલ શુક્‍લએ જણાવ્‍યું છે કે નાના વેપારીઓ અને હોકર્સ શહેરની આર્થિક વ્‍યવસ્‍થાનો મહત્‍વનો હિસ્‍સો છે. તેમના હિતનું રક્ષણ થાય અને સાથે શહેરની સ્‍વચ્‍છતા, ટ્રાફિક તથા વ્‍યવસ્‍થાનું સુચારુ સંચાલન થાય તે દિશામાં આ પોલિસી મહત્‍વનું પગલું સાબિત થશે.માર્કેટ સમિતિના ચેરમેન મોહિતસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે હોકર્સને વ્‍યવસ્‍થિત સ્‍થળ, જરૂરી સુવિધાઓ અને પારદર્શક વ્‍યવસ્‍થા મળી રહે તે માટે પોલિસી તૈયાર કરાઈ છે. હોકર્સ અને વેપારીઓ તરફથી મળનારા રચનાત્‍મક સૂચનોને ધ્‍યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.હોકર્સ તથા નાગરિકો પોતાના નામ અને મોબાઇલ નંબર સાથે તા. ૧૪ સપ્‍ટેમ્‍બર સુધી માર્કેટ સમિતિના ચેરમેન મોહિતસિંહ જાડેજાને મો. ૯૫૫૮૯ ૨૯૫૯૧ તેમજ વાઇસ ચેરમેન જાનકીબેન કાટોળિયાને મો. ૯૧૭૩૨૪૯૯૫૦ / ૯૯૨૫૭૦૪૫૪૫ પર પોતાના સૂચનો આપી શકશે.

(3:49 PM IST)